અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે
સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે

કુલદીપ કારિયા

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

– હેમંત

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

– વિનોદ જોશી

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !-રામુ ડરણકર

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

રામુ ડરણકર

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.

જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.

શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.

કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.

તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.

બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.

મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

– મધુમતી મહેતા

જરા ધ્યાન રાખ જો-મુસાફીર પાલનપુરી

jaradhyanrakhajo

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

લોક જુદા, ભાર એના એ જ છે,– દર્શક આચાર્ય

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું.
પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,
હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,-રશીદ મીર

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.

ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.

સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.

શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,-મરીઝ’,

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી…..!!!!

તું ઝરૂખેથી જરા ડોકાય છે,

તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.

જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.

જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે.

-દિલેર બાબુ,

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં…

એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા,
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં…

કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં…

એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં…

એનો હિસાબ થશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં…

હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં…

– ‘મરીઝ’

મજા જિંદગી છે હસો ને હસાવો,

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.

–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

–ભગવતીકુમાર શર્મા–

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,- ‘આદિલ’ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…

 

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,
અજનબી અંદાઝ મારો તરબતર રાખું છું હું.

ઓળખાણોનાં વિનિમયની ઉંમર લંબાય છે,
ને નવોદિત સખ્શ નાં જેવી અસર રાખું છું હું.

જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને,
ત્યારથી સાગર કિનારે એક ઘર રાખું છું હું.

વાસ્તવિક્તાનો જ વિશ્વાસુ બનું એવો નથી,
સ્વપ્નનાં વિષયો વિષે પાકી ખબર રાખું છું હું.

પાડશો પગલા નહીં મિત્રો મધુશાળા તરફ,
દર ગઝલ માં કેફનાં તત્વો પ્રખર રાખું છું હું.

ચિન્મય શાસ્ત્રી “વિપ્લવ”

સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે..જો .!- લક્ષ્મી ડોબરિયા

સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે..જો .!
અને, માંગ્યા વગર પીડા બધી આવી મળે છે.. જો..!

કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યા હતાં એથી ,
હવે તો પાનખર પણ , થઈ ગુલાબી ને ફળે છે..જો..!

હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!

છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં ,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે..જો..!

સમય, સંજોગને ગ્રહોતણાં. માંડીને વરતારા ,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે..જો..!

 

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !– અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી -સંજુ વાળા

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી

છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગણ મૂકી

તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી

એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?

જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી

ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી

-*-
જોગણ=અશ્વોને તાકાત વધારવા ખવરાવતા અનાજ-કઠોળ.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,- અવિનાશ વ્યાસ

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,

મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

 

તડકી બુજાણી ને વાદળી દેખાણી

તડકી બુજાણી ને વાદળી દેખાણી
ભરબપોરે જાણે મધરાત ફેલાણી

ચારેકોર કાળી રાત ફેલાણી
પ્રકાશની ગેરહાજરી જણાણી

હૃદય ફાટ ગજ વીજ છવાણી
ચૌ દશ એક રંગ મહી ફેલાણી

પાણી, પવન, પ્રકાશ સાથે
ભોમ પલ મા બની છાવણી

આજ ધરા ની પ્યાસ બુજાણી
કુદરતે કરી પ્રેમ ની વાવણી

એકલા સમુદ્રે કરી સરિતાની માંગણી
સરિતાએ બતાવી પ્રેમની લાગણી

-આશિષ કરકર –અંશ

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,- બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

 

લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે,

લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે,
લીલા બધી વિલોકી સાક્ષી બની અમે.

ના શોક ના શિકાયત સંતાપ સ્વલ્પયે ના
જોવા મળ્યો તમારા મુખમંડલે ઉરે ના.

સંપૂર્ણ મોહમાર્જન અધ્યાત્મનું ઉપાર્જન
પામ્યાં પરમ કરીને બંધનતણું વિસર્જન.

સર્જન કર્યું નવું શું આનંદમય અલૌકિક,
શાશ્વત સુવાસ પ્રગટી પાછી અનંત વૈદિક.

વર્ષી શુભાશિષોને શાશ્વત સમાધિ લીધી
કલ્યાણપંથ કેડી રમતાં જ શીઘ્ર ચીંધી.

મસ્તક તમારા ચરણે સાદર ભલે નમે,
દીક્ષા વિદાય કેરી પામી શક્યાં અમે.

– શ્રી યોગેશ્વરજી

ખાલીપાથી ખખડેલો છુ.-સુધીર દત્તા

ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.

ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ.

કોણ હવે સાચવશે મુજને,
હું દોસ્તીનો હડસેલો છુ.

ખબર નહી ક્યારે ફૂટી જઈશ,
ફુગ્ગાની જેમ ફૂલેલો છુ.

થોડો ઢાળ મળે ,વહી જઈશ,
વહેતા પાણીનો રેલો છુ.

કોઈ પૂછે મારે વિષે,
તો કહેજો કે બહુ ઘેલો છુ.

છુ હમસફર ઘણાનો ,કેમકે,
બેગ છુ,બિસ્તર છુ, થેલો છુ.

સાંભળવાનો મોકો જો મળે,
તો સાંભળજો ,ભલે છેલ્લો છુ.

સાવ અનોખી વાત લઈને,
હું ય લાઈનમાં ઉભેલો છુ.

 

યાદનુ એકાદ લીલુ પાન હો-કિરીટ ગોસ્વામી

મન કહે તે માન તો તકલીફ જેવુ કઈ નથી-કિરીટ ગોસ્વામી

લાગણી જ્યારે ખતમ થઇ જાય -કિરીટ ગોસ્વામી

કદી મન આજ પ્‍હેરે છે, કદી ગઇ કાલ પ્‍હેરે છે,- કિરીટ ગોસ્વામી

કદી મન આજ પ્‍હેરે છે, કદી ગઇ કાલ પ્‍હેરે છે,
કદી એ આવનારી કાલનાં કૈં ખ્યાલ પહેરે છે.

બિચારા માણસો ઇચ્છા પડે તે ક્યાં શકે પ્‍હેરી ?
સતત સંજોગ પ્‍હેરે છે, સમયની ચાલ પ્‍હેરે છે.

તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમસુખનું,
તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્‍હેરે છે.

વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી,
તરત એ એટલે સૌની નજરનું વ્‍હાલ પ્‍હેરે છે.

કણેકણમાં સમાયો છે તમારા નામનો જાદુ,
બધાં તવ નામની માળા, થવાને ન્યાલ, પ્‍હેરે છે.

બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે– કિરીટ ગોસ્વામી

બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે
છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે

બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે
બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે

નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક
ચિતારો એક છે કિન્તુ બધી ક્યાં ભાત સરખી છે

તમારું મન ફક્ત બદલાય છે સુખમાં અને દુઃખમાં
દિવસે સરખા બધા છે ને અહીં સૌ રાત સરખી છે

તમે આંસુ વહાવો છો, અમે ગઝલો રચી જાશું
મળી છે ભાગ્યવશ જે બેઉને તે ઘાત સરખી છે

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,– કિરીટ ગોસ્વામી

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

આ હાથીભાઇ ને મોજ- કિરીટ ગોસ્વામી

આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,-કિરીટ ગોસ્વામી

આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,
સર્વ ઈચ્છા આપણી આખર તો દુઃખનું મૂળ છે;

તૂટશે ત્યારે કણાની જેમ પલ-પલ ખૂંચશે,
સ્વપ્ન કેરી વાવણી આખર તો દુઃખનું મૂળ છે;

એક ટીપું ગેર-સમજણનું પડ્યે થઇ જાય ઝેર,
સગપણોની ચાસણી આખર તો દુઃખનું મૂળ છે;

હોય છે માટી જ કાચ સાવ મનની મૂળ તો,

જે થતી તે બાંધણી આખર તો દુઃખનું મૂળ છે;

મોત સામે હાર એની છે જ છે નક્કી “કિરીટ”;
શ્વાસની આ છાવણી આખર તો દુઃખનું મૂળ છે.

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં-યુગ શાહ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે

તને ખોટું જો લાગે તો હું શું કરું?- હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

 

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,- ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું…

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું…

બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું…

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું…

જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું…

પછી સોડહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું…

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું…

 

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,- મનોજ ખંડેરીયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…

નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…

 

નામ તારું કોઈ વારંવાર લે,- ચિનુ મોદી ‘ઈર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે…

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર લે…

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે…

હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે…

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર લે…

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર લે…

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર લે…

 

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,- બરકત વિરાણી ‘બેફામ’

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,
દોસ્ત છે દાના બધા, દુશ્મન બધા નાદાન છે…

એ ભલે જોતાં નથી, પણ સાંભળે તો છે મને,
એટલે તો મારા પ્રત્યે આંખ આડા કાન છે…

શી ગરજ સાકીની મારે શી મદિરાની જરૂર?
આમ પણ મારા જીવનનું ક્યાં મને કંઇ ભાન છે?

જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કદી,
નામ એનું સભ્ય ભાષામાં કહું? અહેસાન છે…

જુલ્મ કરનારા મળ્યા છે એટલા નાસ્તિક મને,
કહી નથી શકતો કે મારો પણ અહીં ભગવાન છે…

સર્વમાં ઇન્સાનિયતની શોધ ના કરશો કોઇ,
આ જમાનામાં ફક્ત એકાદ-બે ઇન્સાન છે…

માફ કરજો ઓ મનુષ્યો, હું નહીં માગું મદદ,
એ મહીં તો મારા પાલનહારનું અપમાન છે…

હોય સાગર કે કોઇ રણ, છે બધે સરી હવા,
નીર હો કે રાત, અહિંયા તો બધે તૂફાન છે…

કંઇ બધાં રડતાં નથી બેફામ મારા મોત પર,
કંઇક છે એવાય જેના હોઠ પર મુસ્કાન છે…

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !- કૃષ્ણ દવે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

 

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,- મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

 

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,- મરીઝ

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.

સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,- મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

 

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,- કૈલાશ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાશ પંડિત

સાંજના ડૂબી જતાં સૂર્યને- કૈલાશ પંડીત

સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.

હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના

દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના

જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

– શૂન્ય પાલનપુરી

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,– આદિલ મન્સુરી

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

 

તું નાનો, હું મોટો

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

પ્રેમશંકર ભટ્ટ.

મારી નિત્ય પ્રાર્થના…

મારી નિત્ય પ્રાર્થના…

હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે;

નીરખું તને કણકણ મહી એવું મને તું જ્ઞાન દે ,

હું સત્યના પંથે સદા નીડર થઇ ચાલ્યા કરું

હો વિકટ પણ તુજને મળે એ રાહની પહેચાન દે ,

પરિશ્રમ મહી શ્રધા રહે , હિંમત તણી હો સંપતિ
મનના અટલ વિશ્વાસ પર આગળ વધુ ; ઉડાન દે,

કોઈ પીડીતજનની પીડ ને હરવાને મન ઝંખ્યા કરે
કોઈ આત્મા દુભે નહી મુજ કારણે, ઈમાન દે,

”આતુર” જગે રહું ધૂપ થઇ, જાતે બળી વહેંચું સુગંધ ;
મૃત્યુ પછીયે અમર રહું એવી મને તું શાન દે ….

 અજીત પરમાર “આતુર”