ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું.
પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,
હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.

One Response

  1. મન ની વાત કહી દીધી..!

    હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
    કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.

Leave a comment