કોઈ આવીને ઊભું છે આંગણામાં,

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

– નીતિન વડગામા