એક સુખની લકીર શોધું છું.

એક સુખની લકીર શોધું છું.
ના વધારે, લગીર શોધું છું.

દાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,
ધનિક એવો ફકીર શોધું છું.

મૌનમાં આરપાર થઇ જાયે,
શબ્દનું સરસ તીર શોધું છું.

હુંય રણમાં જઇ રહ્યો ઊભો,
ઝાંઝવાનું ખમીર શોધું છું.

હોય તારી સુગંધ જેનામાં,
એ તરબતર સમીર શોધું છું.

આગને પણ કરી શકે વશમાં,
હર ગલીમાં કબીર શોધું છું!

– ભાગ્યેશ જહા.

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું ?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું ?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ ?
કોણ વિણે છે એકલી સુવાસ ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું ?

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ?

-ભાગ્યેશ ઝા

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,

રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!
રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,

શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

-ભાગ્યેશ જ્હા

અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા

અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા
અમે દરિયો ખોયોને તમે યાદ આવ્યા

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં
-ભાગ્યેશ ઝા

અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા

અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા
અમે દરિયો ખોયોને તમે યાદ આવ્યા

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદઆવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ

તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

-ભાગ્યેશ ઝા