રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી,-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી,
હૈયાની વાત થાય, હવે શક્યતા નથી.

જે ડાળ પર સવારમાં કલરવ થતો હતો,
ગીતો નવા ગવાય, હવે શક્યતા નથી.

મઝધારમાં તું હોત તો દરિયો તરી જતે,
ખાબોચિયું તરાય, હવે શક્યતા નથી.

ભૂલી જઈશ, આપતાં આપી દીધું વચન,
મારાથી એ પળાય, હવે શક્યતા નથી.

તું આંખ બંધ રાખવા કોશિશ કરી શકે,
સપનું થઈ છળાય, હવે શક્યતા નથી.

‘ચાતક’, વિરહની વેદના જેણે ધરી હતી,
એને જઈ મળાય, હવે શક્યતા નથી.

લાગણીઓ શબ્દ વિના ટળવળે,-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

લાગણીઓ શબ્દ વિના ટળવળે,
વૃક્ષ કોઈ ફૂલ વિના ના ફળે.

ભીંત સાથે વ્હાલથી વાતો કરો,
એ છતાંયે કોઈનું ક્યાં સાંભળે ?

સૂર્યકીરણથી પ્રથમ ઝળહળ બને,
જાત ઝાકળની પછી ભડકે બળે.

આ ગઝલનો એટલો ઉપકાર કે,
વાત હૈયાની અહીં કહેવા મળે.

શ્વાસ કેવળ એક એવી દોર જે,
વિશ્વના સઘળા મનુજને સાંકળે.

ટેરવાના સ્પર્શથી જેને મઢી,
એ જ અંગૂઠી મળે ના આંગળે.

કોઈ ઘટના બર્ફથી પણ શીત છે,
એ જ કારણ દાંત ‘ચાતક’ના કળે.

કોઈને ચાહવાના કારણ પૂછો નહીં-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કોઈને ચાહવાના કારણ પૂછો નહીં,
આંસુને આવવાના કારણ પૂછો નહીં.

પ્રકરણ લખેલ પ્રેમનાં દિલની કિતાબમાં,
ભૂંસીને વાંચવાના કારણ પૂછો નહીં.

એના મિલનની ઝંખના મૃગજળ બની હશે,
રણને તરી જવાના કારણ પૂછો નહીં.

સપનાંની લાશને તમે ઉંચકીને જોઈ લો,
જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં.

પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં,
આંખોથી વરસવાના કારણ પૂછો નહીં.

મંઝિલ મળી ગયા પછી રસ્તો ભૂલાય ના,
પૂછીને ચાલવાના કારણ પૂછો નહીં.

કોઈના ઈંતજારમાં કેવી મજા હતી,
‘ચાતક’ થઈ જવાના કારણ પૂછો નહીં.

સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,
કોઈની યાદો થકી મ્હેંકી જવાતું હોય છે.

ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી ભડભડે હૈયે અગન,
માવઠું થઈ આંખથી વરસી જવાતું હોય છે.

જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં,
એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે.

નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે,
આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય છે.

મસ્ત દરિયાને કિનારે હોય વસવાનું છતાં,
બૂંદ માટે પ્રેમની તરસી જવાતું હોય છે.

છાંય કઠિયારાને મળતાં હાશ નીકળે એ સમે
વૃક્ષથી મૂછમાં જરા મલકી જવાતું હોય છે.

સર્પ જે રીતે ઉતારે કાંચળી એ રીતથી,
આ સમયથી બેફિકર સરકી જવાતું હોય છે.

ખુશનસીબી છે કે ‘ચાતક’ ઈંતજારી કોઈની
આંખથી અહીંયા સહજ ભટકી જવાતું હોય છે.