આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

ઘરમાં ઊભા જડની માફક

ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક

ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક

હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક

આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક

મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક

– મનોજ ખંડેરિયા

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા
– મનોજ ખંડેરિયા

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર
હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

જરા પાછું વળી જોયું કે ખોવાનું છે પામેલું !
અહીં શબ્દોના શાપિત પંથે પળવું ખૂબ અઘરું છે.

– મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે;

એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે.

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
હા મહીં હા, ભણે તો ભણવા દે.

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે.

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે.

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

– મનોજ ખંડેરિયા

 

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?

રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?

મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

આખો જન્મારો ફૂંક્યો છે

આખો જન્મારો ફૂંક્યો છે
કેદારો ગીરવે મૂક્યો છે

જળમાં એવું શું કે જળ પર –
નભનો ઓછાયો ઝૂક્યો છે ?

ભરચક ભીડે ઊભી નીરખું
કોને કાજ સમય રૂક્યો છે ?

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે

ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ?
પાતાળ-કૂવો પણ ડૂક્યો છે

– મનોજ ખંડેરિયા

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

મનોજ ખંડેરિયા

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ

ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા

આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા

વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું

સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે

ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

 

*મનોજ ખંડેરિયા*

સત્યનો વિકલ્પ નથી

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો યા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી

-મનોજ ખંડેરિયા