ઉત્સાહનો એક શબ્દ કહેતાં

ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.

– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી
કેમ કરી વાંચશું ?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ કયાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી