શી એમની અદાઓ, શી એમની જવાની !

શી એમની અદાઓ, શી એમની જવાની !
નયનોનું સ્વર્ગ જાણે, ઊર્મિની રાજધાની !

છે કોણ આંખ સામે નખશિખ જિંદગાની,
એક હાથમાં મહોબ્બ્ત, એક હાથમાં જવાની.

રસબસ છે એની વાતો, શી વાત છે સુરાની !
હર શબ્દ છે શરાબી, પૂરો નશો, જબાની.

ખામી વિનાનું સર્જન, તસ્વીર ક્લ્પનાની,
સર્વાંગ એક જાણે સુંદર ગઝલ ખુદાની !

તેઓની એક ‘હા’માં, તેઓની એક ‘ના’માં !
છે જીંદગી હકીકત, છે જીંદગી કહાની.

છે મૌનમાં કથાઓ, આની નથી અદાઓ,
ખામોશ પણ રહ્યા તો હર ચીજ બોલવાની !

એ પણ ‘અમીન’ જીવન જીવી તેમે બતાવ્યું,
કુરબાન થઈ શકે છે, શી રીતથી જવાની.

અમીન આઝાદ