સખી રે, મારી તું તો પતંગ ને હું દોર-રમેશ પટેલ (પ્રેમોર્મિ)

સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.
તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ
તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને
મારો રે રંગ છે અજોડ.
તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો “હું” અજોડ.
તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને
મારો એ “માંજો” અજોડ.
તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના “સંગ” તું અજોડ.

છેલાજી રે…..- અવિનાશ વ્યાસ

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

કંકોતરી

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ- – મુકુલ ચોક્સી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

મારા ભોળા દિલનો

મારા ભોળા દિલનો

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કોઈ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો
કોઈ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી ના હા કહી મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

એક બોલ પર એના મેં મારી જીન્દગી વારી
એક બોલ પર એના મેં મારી જીન્દગી વારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે
શું પામ્યું કહો જીન્દગીભર આહ ભરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલઈ ગયા જોયું ના ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

રમેશ ગુપ્તા

ના તને ખબર પડી, ના મને ખબર પડી,

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો

સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો

પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા તરસેલો…છાનો છપનો

ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીએ અહિયાં મજામાં સહુ ઠીક છે
તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો

લખિતંગ લખવાની જગ્યાઅએ ઓચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો

– મુકેશ જોષી

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

તારા રે નામનો છેડ્યો એકતારો,
હું તારી મીરાં હું ગિરધર મારો.
આજ મારે પીવો છે પ્રીતીનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી.
જો જો વીંખાય નહી સમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

દોરંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલો સંભાળી.
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

– અવિનાશ વ્યાસ

કોઈ જોડે કોઈ તોડે

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

આવી ન્હોતી જાણી, .

આવી ન્હોતી જાણી, .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
. તને કોણ કહે રાતની રાણી ?
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

– અવિનાશ વ્યાસ

થોડી જીદ તમે છોડી હોત-સુસમિન ગાંધી

થોડી જીદ તમે છોડી હોત
થોડી જીદ અમે છોડી હોત
તો આ જીંદગી આપણી હોત…!

થોડુ તમે હસ્યા હોત
થોડુ અમે હસ્યા હોત
તો આ જીંદગી હાસ્યનો ફુવારો હોત…!

થૉડુ તમે રડ્યા હોત
થૉડુ અમે રડ્યા હોત
તો આ જીંદગી આંસુ લુછી શકી હોત…!

થૉડુ તમે ખસ્યા હોત
થૉડુ અમે ખસ્યા હોત
તો આ જીંદગી સમીપ હોત…!

થૉડુ તમે રાહ જોઈ હોત
થૉડુ અમે રાહ જોઈ હોત
તો આ જીંદગીને રાહ મળી ગઈ હોત…!

થોડી તમે અનુભવી હોત
થોડી અમે અનુભવી હોત
તો આ જીંદગી એક કલ્પના ના હોત…

પ્રીતડી બાંધતા રે બંધાય ના

પ્રીતડી બાંધતા રે     બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું લલાટનું ના ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

સપનાં રોળાઈ ગયા
કાળજ  કોરાઈ ગયા
સપનાં રોળાઈ ગયા
કાળજ  કોરાઈ ગયા
તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા

ઓ વ્હાલમા…હાય
ઓ વ્હાલમા…
તડકો ને છાંયો જીવન છે
નાહક    મૂંઝાઈ    ગયા

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

નૈને    નીંદર  નથી
હો નૈને નીંદર  નથી
ક્યાં છું  ખબર નથી
દિલડાને  જંપ  હવે
તારા   વગર  નથી

ઓ વ્હાલમા…હાય
ઓ વ્હાલમા…
સંસારી ઘુઘવતા સાગરે
ડુબવાનો    ડર   નથી

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

તારી  લગન  લાગી
અંગે  અગન  જાગી
વિયોગી   તારલીનું
ગયું  રે મન  ભાંગી

ઓ વ્હાલમા…હાય
ઓ વ્હાલમા…
વસમી વિયોગની વાટમાં
લેજો    મિલન    માંગી

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

-ધીરજ વોરા

ધીરે ધીરે ઝાલી તે આંગળીઓ કીધી પહોળી-ભાનુપ્રસાદ પંડ્યા

ધીરે ધીરે ઝાલી તે આંગળીઓ કીધી પહોળી

ઉદર મહીંની  મુઠ્ઠીને મા, ફૂલ  સમાણી ખોલી

 

પડખે સુતા  આંગળીઓથી લઉં તુજ છાતી ખોળી

બંધ આંખની બાળક લીલા તું સંભારે ભોળી

 

આંગળીઓના વેઢા ગણતા ટુચકા કહી રમાડી

બીજી વાતે ધ્યાન પરોવી ઝાઝું દિયે જમાડી

 

આંગળીઓ સાહી લઇ ગઈ તું અક્ષરની દુનિયામાં

પેન પાટીનો નાતો જગવ્યો તે નાના મુનીયામાં

 

આંગળીઓમાં લાલ બીજી આંગળીઓ મૂકી દઈ

આંગળીઓની સરહદથી તું ક્યા છેટેરી ગઈ ?

સુખ નું સરનામુ આપો…. સુખ નું સરનામુ આપો-ડૉ. શ્યામલ મુન્શી

સુખ નું  સરનામુ આપો….  સુખ નું સરનામુ આપો

જીવનના કોઇ એક પાના પર એનો નકશો  છાપો.

સુખ નું સરનામુ  આપો…….

સૌથી  પહેલા એ સમજાવો   ક્યાંથી નીકળવાનું

કઇ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું

એના   ઘરનો  રંગ  કયો છે   ક્યાં છે એનો ઝાંપો..

સુખ નું સરનામુ  આપો…….

ચરણ લઇને દોડું સાથે રાખું ખુલ્લી આંખો

ક્યાંક   છુપાયું   હોય   આભમાં  તો  ફેલાવું પાંખો

મળતું   હો  જો   મધદરિયે  તો વહેતો મૂકું   તરાપો

સુખ નું સરનામુ  આપો…….

કેટલા    ગાંઉ,   જોજન,   ફલાંગ કહો   કેટલું દૂર

ડગ માડું.. કે મારું છલાંગ…. કહો કેટલું દૂર

મન   અને   મૃગજળ   વચ્ચેનું અંતર કોઇ માપો

સુખ નું સરનામુ  આપો…….

“પ્રેમ” કાવ્ય સ્પર્ધા

પ્રિય સભ્યો,
આપ સૌનું ગુજરાતીઓ-સ્પર્ધા પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ જણાવવાનું છે કે ગુરુપુર્ણીમા નાં શુભદિવસથી આપણી આ વેબસાઈટમાં માસિક સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તે માટે નો વાચકમિત્રો એ જે ઉત્સાહભર્યો અને અતિ સુંદર પ્રતિભાવ દાખવ્યો તે માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર .
હવેથી આ સ્પર્ધા દર વખતે અલગ અલગ વિષય આધારિત રાખવાનું નક્કી કર્યું છે , તો આપ સૌ મિત્રો ને તેમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે .
ગુજરાતી ભાષાના પ્રચાર માટે હવેથી નિયમિત રીતે સ્પર્ધાનું આયોજન કરવામા આવશે આથી, જેઓ લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા સુવર્ણતક સમાન છે.આ સ્પર્ધા આજના તારીખ ૧ ૬ જાન્યુઆરી … પોષ સુદ અગિયારસ ના શુભદિવસથી શરુ થાય છે.
આ વખતની સ્પર્ધાનો વિષય છે પદ્ય અને “પ્રેમ” ….પ્રેમ કાવ્ય / ગઝલ / ગીત / સોનેટ …. કે પ્રેમ અંગેની આપ કોઈ પણ પદ્ય રચના મૂકી શકો છો.
પ્રેમ નો પ્રકાર કોઈ પણ હોઈ શકે …. માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મિત્ર કે સખી નો પ્રેમ , દામ્પત્ય પ્રેમ , કે પ્રેમીજનો નો પ્રેમ !
પ્રેમની ના કોઈ પરિસીમા,
પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
આપ સૌ આપની પોતાની રચના આજના શુભ દિવસથી નીચેની લીંક ક્લિક કરીને બ્લોગ

પર મૂકી શકો છો અને ઇનામ જીતી શકો છો.

http://www.gujaratio.com/profiles/blog/new
પ્રથમ ઇનામ રૂ. ૫૦૧, દ્રીતિય ઇનામ રૂ. ૨૫૦,ત્રીજું ઇનામ રૂ.૧૦૧ આપવામાં આવશે
(આ ઇનામ”પરાર્થે સમર્પણ “ની રકમ માતૃશ્રી “સુરજબા” ના સ્મરણાર્થે …” સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા “મુ. જેસરવા. તા. પેટલાદ , જીલ્લો આણંદ – ૩૮૮૪૫૦ દ્વારા “સ્વપ્ન ” જેસરવાકર અને ચીમનભાઈ પટેલ તેમજ પરીવારનાસહયોગથી ………..)

આ સ્પર્ધાના નિયમોઃ
બધાજ સભ્યોને વિનતી છે કે નિયમ વાંચીને જ રચના બ્લોગ પર મુકે. તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ , સરનામું , કોન્ટેક્ટ નંબર અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે.

૧) રચના સ્વરચિત હોવી જોઇએ.અને સ્પર્ધામાં ભાગ લેવા તમે તમારી રચના સીધી બ્લોગ પર મૂકી શકશો જે આ સ્પર્ધાના નિયમ મુજબની હોવી જરૂરી છે (તમને બ્લોગ પોસ્ટ મુકતા તકલીફ પડે તો આ લીંક ક્લિક કરાવી
http://gujaratikavitaanegazal.ning.com/group/Help
૨) વધુ માં વધુ ૫ રચનાઓ બ્લોગ પર મૂકી તમે સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.
૩) તમે તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ, સરનામું , કોન્ટેક્ટ નંબર અને અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે .
૪) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ હોવી ના જોઇએ.બીજે પ્રસિધ્ધ થયેલી રચના અહી મુકવી નહિ.
૫) અહી પોસ્ટ કરેલ બધી યોગ્ય રચના ગુજરાતી ગ્રુપની વેબસાઈટ પર મુકવામાં આવશે અને તેને પુસ્તક સ્વરૂપે પણ મુકવાનો વિચાર છે.
૬)આ સ્પર્ધાની આખરી તારીખ ૨૮.૨.૨૦૧૧
૭)સ્પર્ધાના નિર્ણાયકો ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
૮)સ્પર્ધામાં મુકેલ રચના ૩ મહિના સુધી બીજા બ્લોગો કે વેબસાઈટ કે બીજા કોઈ માંધ્યમમાં મુકવી (પબ્લીશ) કરવી નહિ
વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.

જય જય ગરવી ગુજરાતી

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

તન છે કેવું મઝાનું

આ ગીત સાંભળો, શબ્દ સુમન,સ્વર શ્રી ભાર્તેન્દુ માંકડ, સંગીત શ્રી નિરંજન અંતાણી,મ્યુઝીક અ.વાય ભટ્ટી,ચિરાગ વોરા લિન્ક http://gujaratikavitaanegazal.ning.com/music/playlist/edit?id=3499594%3APlaylist%3A251373
તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું.

સાથી બને તું એનું જીવન કેવું મઝાનું.
નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો,

મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું.
સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી,

ચહું છુટવા કદી ના,બંધન કેવું મઝાનું.
દર્પણને દોસ્ત સમઝી વાતો કરું પ્રણયની,

મારા જ ગાલે દીધું ચુંબન કેવું મઝાનું.
દુનિયાના રંજોગમનાં અંધારાં ઓગળી ગ્યાં,

તુજ પ્રીતડીનું આંજ્યું અંજન કેવું મઝાનું.
પોતાનાં.પારકાં સૌ મળવા કદી ન દેતાં,

સપનામાં રોજ થાતું મિલન કેવું મઝાનું.
હરપળ દિદાર તારા,હરપળ કૃપાઓ તારી,

દિલમાં જમાવ્યું ‘સુમન’ આસન કેવું મઝાનું.

જયસુખ પારેખ ‘સુમન’

સનમ

સનમ અમારી કેવી છે !

બદલાતી મૌસમ જેવી છે .

ઉનાળા જેમ તે તપતપે ,

ને પ્રેમવર્ષાની હેલી છે .

સનમ અમારી કેવી છે !

નાજૂક ફૂલડાં જેવી છે .

દિવસે ગુલાબ ને રાતરાણી ,

પારિજાત સમી તે મહેકી છે .

સનમ અમારી કેવી છે !

સકળ બ્રહ્માંડ જેવી છે .

ચાંદ ધરા સમી શ્વેત શીતળ ,

ને છોડ લજામણી જેવી છે .

સનમ અમારી કેવી છે !

દાદીમાની વાર્તા જેવી છે .

નટખટ મોહક સુંદર શાંત ,

આકાશની પરી જેવી છે

………..રમેશ ચૌહાણ

લવ સ્ટોરી -૨ જયકાંત જાની -(USA)

ચાલ રે સખીરી પ્રેમ પ્રેમ બિંદાસ થઇ રમીએ

હળીએ,મળીએ, ને એક બીજા ને ગમીએ

 મારી પાસે પ્રેમ રસાયણ તારી પાસે પ્રેમ અમ્રુત

પ્રેમ કરી ચાલ રે સખીરી અંગ અંગ કરી એ જંક્રુત

તારા નયન ના પ્રવેશ દ્વારથી હુ આવીશ અંદર

તારા મારા આસુ ઠલવી તરસુ પ્રેમ સંમંદર

તારા હોઠ ના અમ્રુત ચુમી કરશુ સોળ વરસી વ્હાલ

ચુંમનીયા વરસાદમા ભીંજાય આપણે ગાશુ પ્રેમ મલ્હાર

તારી યુવા ધડકન ગણવા મુકુ વ્રુક્ષસ્થળ પર કાન

જેમ પ્રેમ ઘેલી રાધાની ધક ધક ગણતા કુવર કાન

તો આપો

ખુમારીના બાદશાહ મુરબ્બી “ઘાયલ” સાહેબે

રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ
સંભળાવેલી એક રચના રજુ કરું છું.
======================================
તો આપો
=====================================
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો !
સાવ જુઠું શું કામ બોલો છો ,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો !
જીન્દગાનીનો ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ ,
કેં હવા કેં ઉજાસ તો આપો .!
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પુત માનવીને પ્રથમ ,
માનવીનો મિજાજ તો આપો !
(મુરબ્બી ” ઘાયલ ” સાહેબની જેમ હરેક નાગરિક આવી ખુમારી દાખવે તો
રાજકીય નેતાઓને હાજર હજૂર જવાબ મળી જાય …………
આ કવિતા ગોવિદભાઇ પટેલે સ્વપ્ન જેસરવાકર ગુજરાતી માં મૂકી હતી

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે.

શ્રદ્ધા સાથે જો, ઉંડા ઉતરો તો

મૃગજળમાંથી પણ મોતી મળે છે.

ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન,

ઝબકે તારી યાદ ને માનસ પ્રજ્વળે છે.

શાંતિનો ભંગ થાય ને અશ્રુવાયુ છૂટે છે,

તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે.

ખંડેરમાં ભેંકારતા આફરો ચડાવી પડી છે,

સૂંવાળો ઇતિહાસ ત્યાં કાયમ સળવળે છે.

દુ:ખ પછી સુખનો નિયમ સત્ય નથી કાયમ,

લાકડુ બળ્યા પછીનો કોલસો ફરી બળે છે.

 જીન્દગી આખી તો રાખ્યો હતો અંધારામાં,

આખરે સૌના ચહેરે મારી ચિતા ઝળહળે છે.

મૃત્યુની ખીણની ચિંતા તો હોય ક્યાંથી,

જીન્દગીની ઠોકરની હજી ક્યાં કળ વળે છે.

-કલ્પેન્દુ વૈષ્ણવ

તું વણાઈ છો હ્રદયના તારમાં

થાય દર્શન યારનાં સવારમાં,

સુલ્ઝે છે ઉલ્ઝન બધી પળવારમાં.


પ્રેમમાં વિતે જો થોડી જિંદગી,

સાર લાગે છે ઘણો સંસારમાં.


લાગણી જે ઉદભવે,તારી જ છે,

તું વણાઈ છો હ્રદયના તારમાં.


એ જ મશરુફી,મઝા ને દિલ્લગી,

શું ફરક છે,હાલમાં ને ત્યારમાં?


જે મળે મહેનત પછી તે શ્રેષ્ઠ છે,

છે મઝા તડ્પ્યા પછી દીદારમાં.


જે લખાયું તે સહન કરવાનું છે,

હસતાં,રમતાં આંસુઓની ધારમાં.

જયસુખ પારેખ ‘સુમન’

લાગણી લાચાર છે,હું શું કરું?

આ રચના નો વિડિયો જુવો.

http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:248066

 લાગણી લાચાર છે,હું શું કરું?

એકતરફી પ્યાર છે,હું શું કરું?


સાફ કહી દઉં આપનાથી પ્યાર છે,

પણ ભર્યો દરબાર છે,હું શું કરું?


એક મરે ને એકને કંઇ જાણ ના,

ફક્ત અત્યાચાર છે,હું શું કરું?


જિંદગી પળવારમાં પુરી થશે,

હમસફરને વાર છે,હું શું કરું?


અબઘડી આંસુંના દરિયા વહી જશે,

દર્દ પારાવાર છે,હું શું કરું?

 જયસુખ પારેખ ‘સુમન’

મનુષ્યની સ્વાનવ્રુતિ ક્યારે બદલાશે !…….

એક જ મહોલ્લાનાં

પાંચ સ્વાનમાં

ચાર દૂબળા ને એક

સશક્ત

બળિયો જ ફાવે….

સ્વાન અને સમાજમા કોઈ ફરક ?

મનુષ્યની સ્વાનવ્રુતિ ક્યારે બદલાશે !

…….રમેશ ચૌહાણ

તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA)

તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA)

હસતા હોઠ રાખી મનમા રડતા આવડે છે ?

ઉઘં ઉડે, આકાશ ના તારા ગણતા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

પ્રેમીની આંખ મા ખોવાઇ જઇ

દિલમાથી નિકળતા આવડે છે ?

વેલી જેમ વ્રુક્ષ ને ભીસે તેમ

પ્રેમી ને ભીંસ્તા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

કંકુ વિટિની રમત મા

વિટિ જીતતા આવડે છે ?

રાઘા ક્રુષ્ણ જેવા રિસામણા અને

મનામણા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

કાચ સામે ઉભારહી

જાત સાથે લડતા આવડે છે ?

ટેરવાના સ્પર્શથી પ્રેમી ના પ્રેમની

બારખડી ઉકેલતા આવડે છે

લૈલા ની જેમ ઝુરી ઝુરી

જીવતા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

પરદેશી લેપરદેશીજાના નહી ….જયકાંત જાની (USA)

મારા વતન પ્રેમ હાયે રે શિકાર કરીને
લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો…

મેં વિનવ્યું વારંવાર વતન મા વાસ કરી લ્યો
કંઇ ફુલ હો ડોલર નુ તો તેની સુવાસ ઘરી લ્યો
હાય કહી, વતન ને બાય કહી, વિસા હાથ ધરીને,

લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો …

એના ડોલર પર મેં મારી જિંદગી વારી
એ વિદેશી કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર વાહ ! કરીને?
લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો …

છોને થયા પરદેશી હજુ દેશ બાકી છે
બન્ને દિલોમાં પ્રેમનો આવેશ બાકી છે,
સંસારનાં વહેવારનો સ્ંદેશ બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
ડોલર માં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,

લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો …

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં, રમકડાં …

એઈ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી એવી ગઈ
રાખનાં રમકડાં, રમકડાં …

-અવિનાશ વ્યાસ

ઝટ જાઓ ચંદનહાર લાવો

ઝટ જાઓ ચંદનહાર
..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…

નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો….

હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
ઘુંઘટ નહિ ખોલુ હું…
ઝટ જાઓ ચંદનહાર લાવો….

અરે ભાવનગર ભાગી જઇશ….
કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

ચીમનલાલ જોશી

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

3fa5ffdf4e5d1311

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

લોકગીત

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ભિંજે ભિંજે જાય મારા સાળુડાની કોર
આંખ મદિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો મારે આ સુનો દોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

અજ્ઞાત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

વેણીભાઇ પુરોહિત

અમે રે ચંપો ને તમે કેળ

અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા,
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા

ચાંદા સરિખું મુખડું તમારું
ચંપા તે વરણી છે કાય રે
અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય

ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
જેને અડતા લાગે દાગ

તમે રે મોતી ને અમે છીપ

વચને કીધા રે અમને વેગળા
જો ને
વચને કીધા રે અમને વેગળા

જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ
તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ

ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ

તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝૂરતા

તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

અજ્ઞાત

ઊંચી મેડી તે મારા સંતની રે,

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

મેંદી તે વાવી માળવે ને

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.

અજ્ઞાત

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત

દિવસો જુદાઈના જાય છે

દિવસો જુદાઈના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજ શત્રુઓ જ સ્વજન સુધી

ન ધરા સુધી ન ગગન સુધી
નહિ ઉન્નતિ ન પતન સુધી
ફકત આપણે તો જવું હતું
હર એક મેકના મન સુધી

તમે રાંકના છો રતન સમા
ન મળો હે આંસુઓ ધૂળમાં
જો અરજ કબૂલ હો આટલી
તો હ્રદયથી જાઓ નયન સુધી

તમે રાજરાણીના ચીર સમ
અમે રંક નારની ચુંદડી
તમે તન પર રહો ઘડી બેઘડી
અમે સાથ દઈએ કફન સુધી

જો હ્રદયની આગ વધી ‘ગની’
તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી
કોઈ શ્વાસ જ બંધ કરી ગયું
કે પવન ન જાય અગન સુધી

‘ગની’ દહીંવાલા

મોહતાજ ના કશાનો હતો . – કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?

મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,

એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,

આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,

ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,

આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,

માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

– ‘રૂસવા’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

બરકત વિરાણી ‘બેફામ’

શરદપૂનમ…

તમારી યાદો એ બાંધ્યાં છે તોરણ મારી પાંપણો પર,
વધાવવા તલસી રહી છે આંખો, આવો ને તમે અભિસારિકા.

શિરાઓ માં લોહી થયું છે ઉતાવળું તમને પોંખવા,
આવોને  એનો ચાંદલો કરવા તમે, અભિસારિકા.

ઢોલ ધડુકે  છે હૃદયમાં સતત તમારા નામનો,
આવોને  એની ઉપર થાપ દેવા તમે,અભિસારિકા.
ચંદ્ર પણ પડી ગયો છે એકલો તમારા વગર,
ચાલોને ઉજવીએ આ શરદપુનમ સાથે,અભિસારિકા.

ચૈતન્ય મારુ

મારી મુંઝવણો……

મારી મુંઝવણો……

થયું, લાવ,થોડું પાછળ જોઇ લઉં,
અવકાશ હોય, તો,ક્ષણોને મુલવી લઉં.

ઘણી વાર એમ થાય છે કે,શું ઉણપ છે
અળગો અળગો કેમ લાગું છું લોકોથી
આવડતું નથી મને ચહેરો પહેરતાંકે,
પારદર્શક બનવાથી દેખાતો નથી

મને પણ ઉ ત્સાહ એટલો જ હોય,
કદાચ લોકોને બીજાનો વધારે લાગતો હશે,
કે, દેખાડો નથી કરી શકતો એટલે

મને સીન્થેટિક બનતાં નથી આવડતું,
કદાચ,માતા-પિતા હશે જવાબદાર એને માટે,
હોય એવા દેખાવું,એવું હમેશાં કહેતા બન્ને,
પણ,આ જમાનામાં, કોટન કોણ પહેરે છે

હા,ગુસ્સો છે મારી મોટી નબળાઇ,
પણ,
ખોટી ખુશામત કરવા અસમર્થ છું.

હાં…….હવે મળ્યું કારણ, મારી મુંઝવણનું,
મારી પાસે મુખવટાઓ નો સ્ટોક જ નથી !!!!

-ચૈતન્ય મારુ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

– રમેશ પારેખ

મુક્તક-તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો

તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો
અશોક બાદ જેમ શિલાલેખ રહી ગયો

-હરેશલાલ

મુક્તક-તું નદીની જેમ,ઝરણા ની જેમ હું,

તું નદીની જેમ,ઝરણા ની જેમ હું,
આપણ ભેટી પડીશું ક્યાંય પણ!

હરેશલાલ

મુક્તક-નામ હું બોલું નહી પણ હર પળૅ

નામ હું બોલું નહી પણ હર પળૅ
હોઠ પર લાવ્યા કરું છું મોનથી,

યોસેફ મેકવાન

ગઝલ બઝલ

અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?

કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.

માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.

ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.

સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.

ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.

શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.

-ભગવતીકુમાર શર્મા

ગુલાબ માંગે છે.

દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.

હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.

આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.

શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.

મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.

યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી

પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી

સમય

 સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,

સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,

ભરત સુચક