એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,

એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે,

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હદયથી રોયા,
હું ધલવલતી કે દિકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

તુ’ય કોકની દિકરી યાદ છે,તું’ય કોકની થાપણ !
વાંક શું મારો ?કા આપ્યું આ જનમ ની પેલા ખાપણ,
તું દિકરા માટે ઝંખે,પણ કલંક માં ના નામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

ભૃણની હત્યા નથી માત્ર આ,છે મમતાનું મોત,
તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત્‌
ઓળખી જાજે આવીશ જલદી ડૉક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,
હવે તો દિકરો તારો, વૃધ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

દિકરીને કોઈ જનમ ન દેશે દિકરા કેમ પરણશે ?
બંધ કરો આ પાપ,માફ તો ઈશ્વર પણ ના કરશે ,
‘સાંઈ’ દિકરીનો કાગળ લઈ,ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

-શ્રી સાંઈરામ દવે

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર

મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર

રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર
વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર

આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર

તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર

તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર

-સાંઈરામ દવે

દેશ આખા નુ બગડી ગયેલુ..આ લોકેશન સુધારીએ…સાંઈરામ દવે

દેશ આખા નુ બગડી ગયેલુ..આ લોકેશન સુધારીએ…
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

M.A.,B.ed. હાંકે રીક્ષા.,P.hd ને મળૅ ન ભીક્ષા..
ટ્યુશન ફી થી..કથળી ગયેલુ..એજ્યુકેશન સુધારીએ..
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

ફ્રેન્ડશીપ ના બહાના આગળ..થાય ઉઘાડા પડદા પાછળ..
આ પ્રેમ ને અભડાવે છે.. એવી ખોટી ફેશન સુધારીએ..
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

વેદ ને ગીતા કોઇ ન વાંચે..,વરવી વાતો મા સૌ રાચે…
સંસ્કારો ના ગળા દાબતા…પબ્લીકેશન સુધારીએ…
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

સચ્સાઈ નુ ગીત નથી આ..,સાચુ કઇ સંગીત નથી આ..
બેસુરૂ.. ને બેતાળુ.. છે…આ નોટેશન સુધારીએ…
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

ઉપર પ્રેમ ને અંદર નફરત..મીઠો માણસ ઝેર નુ સરબત..
માણસ ના ચહેરા પર નુ…… લેમીનેશન સુધારીએ….
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

વેરઝેર મા જીવે માણસ…,એક્બીજા થી બીવે માણસ…..
‘સાંઇ’..ચાલો આખેઆખુ..ઇન્શ્ટોલેશન સુધારીએ…
આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ…

-સાંઈરામ દવે