શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?-રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,-રમેશ પારેખ

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

-રમેશ પારેખ

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

– રમેશ પારેખ

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.

ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.

ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

— રમેશ પારેખ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ

સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને

ખજૂરી જેટલો છાંયો મળે – એ સિક્કાની

બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે

સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે

પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો

અહીં અભાવનું વાતાવરણ મળે તમને

જાવ,નિર્વીર્ય હે શબ્દો,તમોને આશિષ છે

તમારા કલૈબ્યનું વાજીકરણ મળે તમને

રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો -રમેશ પારેખ.

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્ર્નનો જવાબ લખો

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો

લખો, લખો કે છે,તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો

આ કાળા પાટિયાનો બીક કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દૃશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,
દૃશ્યો ને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

– રમેશ પારેખ

નડતી નથી દીવાલને બાબત વિચારની,

નડતી નથી દીવાલને બાબત વિચારની,
માણસની આસપાસ છે હાલત વિચારની.

આંખોનું પોત સાવ ઉધાડું પડી ગયું,
ઘર ઢાંકતી તે તુટી પડી છત વિચારની.

એનો કયો મુકામ હશે કંઇ ખબર નથી,
રઝળ્યા કરે છે આખી વસાહત વિચારની.

આંખોથી છેક દ્રશ્ય સુધી શૂન્યતાની આણ,
આવી ગઈ છે જાણે કયામત વિચારની.

લોહીમાં કોણ જાણે શું ગુનો ભળી ગયો,
રૂંવેરૂંવે ભરાય અદાલત વિચારની.

રમેશ પારેખ

તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં -રમેશ પારેખ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
રમેશ પારેખ

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

                     રમેશ પારેખ

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

– રમેશ પારેખ

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં,
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું.

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે,
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું.

અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો,
થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું.

હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું.

બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ,
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું.

– રમેશ પારેખ

કાઈપો !’

કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’

– રમેશ પારેખ

તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,

તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,
વ્હાણની સામે મૂક્યો દરિયો, ને ડૂબવાનું મૂક્યું.

સ્વપ્ન મારાં તોડીને, ફેંકી દીધાં મેં   ધૂળમાં,
મારી ભોળી આંખને માટે, મેં જડવાનું મૂક્યું.

સનસનાટી એ જ ઘટના, ચિત્રમાં સર્જાઈ ગઈ,
તેણે પીંછીથી કશું, મારામાં બનવાનું મૂક્યું.

તેણે દ્રશ્યોની અણી પર, મૂક્યું તીણું   ખૂંચવું,
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.

તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા,  ‘રમેશ’
આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.

– રમેશ પારેખ

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.           

નાનપણમાં બોરાં વીણવા જતા.

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ           

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

– રમેશ પારેખ

મુક્તક

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું,તને વરસાદ ભીંજવે.
-રમેશ પારેખ