પ્યાસ કેરૂં પારખું કરતાં અમે બેસી રહ્યાં,-બેફામ

પ્યાસ કેરૂં પારખું કરતાં અમે બેસી રહ્યાં,
જિંદગીના જામને ભરતાં અમે બેસી રહ્યાં.

સ્થિરતાપૂર્વક સફર કરતાં અમે બેસી રહ્યાં,
પૃથ્વીના આસન ઉપર ફરતાં અમે બેસી રહ્યાં.

વાસ્તવિકતાની અછતમાં એ જ ઉપયોગી હતાં,
એટલે તો સ્વપ્ન સંઘરતા અમે બેસી રહ્યાં.

બે ય સ્થિતિમાં અમારું સ્થાન ઉપવનમાં જ છે,
ડાળ પર ખીલતાં અને ખરતાં અમે બેસી રહ્યાં.

દીપ જેવી આ દશામાં ક્યાં હતાં અમને ચરણ?
તેજની વાટે જ વિસ્તરતાં અમે બેસી રહ્યાં.

હોઠ પર તો તારે માટે મૌનનાં તાળાં હતાં,
હૈયે તારું નામ ઉચ્ચરતાં અમે બેસી રહ્યાં.

હેડકી આવી છતાં નહોતી મિલનની શક્યતા,
કોઈને અમથા જ સાંભરતા અમે બેસી રહ્યાં.

કોઈ તો ઊંચકી જશે બેફામ એવી આશમાં,
જિંદગીની વાટમાં મરતાં અમે બેસી રહ્યાં.

-બેફામ

પ્રેમનો પાષણ હૈયામાં ય ઉદ્દભવ લાગશે,-બેફામ

પ્રેમનો પાષણ હૈયામાં ય ઉદ્દભવ લાગશે,
એ હશે તણખો, પરંતુ ડુંગરે દાવ લાગશે.

એ જ સારું છે હૃદય, કે તું રહે કાંઠા ઉપર,
જો કમળ લેવા જઈશ, થોડો તો કાદવ લાગશે.

રાતદિન શું છે-જુએ એ કોઈ મારી આંખથી,
એક પરદો લાગશે ને એક પાલવ લાગશે.

એમ તો એ એક જીવનનાં યે નથી સાથી બન્યાં,
આમ એનો સાથ જોશો તો ભવોભવ લાગશે.

ભૂલથી પણ કોઈ ના કરશો ખુદાની કલ્પના,
માનવીની દ્રષ્ટીએ તો એય માનવ લાગશે.

થઇ જશે પોતે દિલાસા જિંદગીના દુઃખ બધાં,
આ જગત જે જે સિતમ કરશે,અનુભવ લાગશે.

ફેરવી લે છે નજર બેફામ સૌ એવી રીતે,
કોઈ જો જોશે અમસ્તું,એય ગૌરવ લાગશે.

-બેફામ

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂરના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુનાહો પણ થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કડી કોઈ પથ્થર વાગી નથી શકતો.
 

-બેફામ

કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે;

કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે;
બધાના દર્દ મારાં છે,ને મારું દિલ બધાનું છે.

તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે?
કે એ જીવવાનું કારણ છે,એ મરવાનું બહાનું છે.

નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે,
મગર મારા મુકદ્દરમાં હમેશાં જાગવાનું છે.

નજૂમી, આવનારી કાલની ચર્ચા પછી કરજે;
મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે.

હું ધારું છું-સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી,
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.

જગા એમાં મને મળતી નથી એમાં નવાઈ શી?
હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે.

હું નીકળી જાઉં છું જ્યાંથી, ફરીથી ત્યાં નથી જાતો;
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.

મળી છે લોકની કાંધે સવારી એટલે બેફામ,
ખુદાનું ઘરનું તેડું છે, ખુદને ત્યાં જવાનું છે.

—-બેફામ

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.

સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.

આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.

લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.

મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.

શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.

એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.

બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.

-બેફામ

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.

તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.

હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.

મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.

તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.

તું જીવાડે છે ભલે, પણ જો દશા બેફામની,
કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?

-બેફામ

હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;

હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.

નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.

ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.

હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

-બેફામ

તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જાશે,

તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જાશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જાશે.

જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઈ પણ રસ્તે વળી જાશે.

ભલેને એના ઘરના બારણાં છે બંધ, એથી શું?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.

મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઈ,
તને એ ડર કે તારી વાત કોઈ સાંભળી જાશે.

કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.

જરૂરત વીજની શી છે?તણખલાનો તો માળો છે,
કોઈ એમાં તિખારો મુકશે તો પણ બળી જાશે.

રહી જાશે પ્રહારો ઝીલનારો એકલો ઊભો,
ને પથ્થર ફેંકનારો તો ટોળામાં ભળી જાશે.

સભામાં એમની બેફામ એવી ગૂંગળામણ છે,
નહિ હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.

-બેફામ

નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,

નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,
મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.

અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,
ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.

જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,
મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.

પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,
મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.

તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?
નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.

પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?
જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.

કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?
કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં.

-બેફામ

લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી,

લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી,
જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી.

કરી ગઈ ભેદ સૌ ખુલ્લા ભલે દીવાનગી મારી,
છતાં યે છે ઘણી વાતો હજી યે ખાનગી મારી.

જુઓ તન્હાઈ કે ફૂટી ગઈ છે આરસી મારી,
અને મળતી નથી ભૂતકાળની કોઈ છબી મારી.

દિવસ ઊગવા છતાં અંધકારમાં રહેવું પડે મારે,
તો બહેતર છે કે સોંપી દઉં સૂરજને રોશની મારી.

હૃદય બહેલાવવાના તો અહીં લાખો બહાના છે,
મને કિન્તુ ખબર ક્યાં છે કે શેમાં છે ખુશી મારી?

નિહાળી નીર, રાખું છું પ્રતિષ્ઠા ઝાંઝવાની હું,
નથી આ પ્યાસ મારી,આ તો છે દરિયાદિલી મારી.

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

-બેફામ

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી.

કરી દીધી છે મેં કુરબાન એના પર મજા મારી,
કે મારી વેદના છે આખરે તો વેદના મારી.

વહાવે છે ગગન બસ ત્યારથી વરસાદના આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી.

ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાંખી દુનિયાએ,
હતી નહિ તો બહુ સારી જીવનની વાર્તા મારી.

ભલેને આજ મારી હાજરીમાં ચૂપ છે લોકો;
નહીં હું હોઉં એ વખતે બધા કહેશે કથા મારી.

ધરું છું હાથ હું ઇન્સાનને બદલે ખુદા સામે,
હવે મારી બધી ઈચ્છા બની ગઈ છે દુઆ મારી.

જીવનના શ્વાસ એથી મુક્ત રીતે લઇ શકું છું હું,
જગતમાં આવીને મેં બાંધી દીધી છે હવા મારી.

હૃદયનો રોગ છે આ, અન્યને રસ હોય શું એમાં?
તમે આવો તો હું તમને બતાવી દઉં દવા મારી.

તમે તો ફેરવી દીધી નજર,તમને ખબર ક્યાં છે?
ખરેખર તો હવે જોવા સમી થઇ છે દશા મારી.

નિહાળી મારી પાગલતા જમા થઇ જાય છે લોકો,
હવે તારી સભા જેવી જ થઇ ગઈ છે સભા મારી.

જો મંઝીલ એક છે, તો આ બધાએ ભેદભાવો શા?
બધા યે માર્ગ છે મારા,બધીયે છે દિશા મારી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઇ છે જગા મારી.

-બેફામ

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો સાથી કોઇ નથી ને હું કાફલો છું.

જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની પ્રભા છે,
જરૂર તકદીરની નથી જ્યાં હું એ અચળ ધ્રુવતારલો છું.

મુસીબતોમાં કવન છે મારું, મુસીબતોમાં કલા છે મારી,
ઘટાનું ગર્જન સુણીને ગહેકે હું મસ્ત મનનો એ મોરલો છું.

પ્રણયનો આરંભ જેમ નિષ્ફળ પ્રણયનો અંજામ એમ નીરસ,
હતાં એ મોસમ વિનાની વર્ષા અને હું રણ પરનો મહેલો છું.

ઓ પ્રેમ, એને બધોયે હક છે ભૂંસી શકે છે નિશાન મારું,
લલાટના લેખ કંઇ નથી હું, લલાટનો હું તો ચાંદલો છું.

ભર્યાં છે બેફામ મોતી મનમાં, વીણાનો લાવું છું એ નયનમાં,
ઊડે છે જે માનસરને લઇને, સદાનો તરસ્યો એ હંસલો છું.

બેફામ

મને જોયા કરે છે સૌ,એ કોઇને નથી જોતી,

મને જોયા કરે છે સૌ,એ કોઇને નથી જોતી,
કે હું જો થઇ ગયો પાગલ તો શાણી થઇ ગઇ આંખો.

એ મારી ભૂલ કે એને તમે ઠે બે ચડાવી છે,
બિછાવી માર્ગમાં તો ધૂળધાણી થઇ ગઇ આંખો.

મજા એની હવે તો પહેલાં કરતાં પણ વધારે છે,
ભલે જૂની સૂરા જેવી પુરાણી થઇ ગઇ આંખો.

જુએ છે કોઇને જો પ્રેમ કરતાં તો નથી ગમતું,
અનુભવ મેળવી ને જુનવાણી થઇ ગઇ આંખો,

રહે છે દૃશ્ય કુદરતનાં બધાં એની જ સેવામાં,
સુભાગી છે સકળ દુનિયાની રાણી થઇ ગઇ આંખો.

બધા એવે સમયે બેફામ મોં જોવાને આવ્યા છે,
કે જ્યારે આખી દુનિયાથી અજાણી થઇ ગઇ આંખો.

બેફામ

કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે,

કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે,
કે સાથ લેવો નથી કિન્તુ સાથ દેવો છે.

છે એક રીતે હકીકતને ભૂલવાની એ,
પ્રણયપ્રસંગ કહાનીની જેમ કહેવો છે.

મને ભીતરમાં વસાવી ને થઇ ગયો છે પર,
આ આયનો ય બિચારો તમારા જેવો છે.

બધી ય હોય જ્યાં મંઝિલ કદમ નીચે મારા,
હવેથી એવી બુલંદીનો માર્ગ લેવો છે.

ખુદાની શોધમાં દિલ, આપણે પછી ફરશું,
પ્રથમ જરાક વિચારી લઉં એ કેવો છે ?

તું આ જગતનાં અનુભવ ભૂલી ન જા બેફામ,
મરણની બાદ ખુદાને હિસાબ દેવો છે.

બેફામ

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી લાશ મારી પરંતુ તરાવી દીધી.

 – બેફામ

છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો ,

છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો ,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

-બેફામ

કેવી રીતે વીતે છે વખત શું ખબર તને ?

કેવી રીતે વીતે છે વખત શું ખબર તને ?
તેં તો કદી કોઈની પ્રતીક્ષા નથી કરી.
એ શું કે રોજ તું જ કરે મારું પારખું,
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી.
“બેફામ”

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,-બરકત વિરાણી ‘બેફામ’

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

-બેફામ

અહીં જે તેજ દીવામાં રહે છે,

અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.

જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.

ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.

ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

બેફામ