મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,- કૈલાશ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાશ પંડિત

જીવવાનું એક કારણ નીકળ્યું

જીવવાનું એક કારણ નીકળ્યું

ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું

મેં કફન માનીને લીધું હાથમાં

એ સુખી માણસનું પહેરણ નીકળ્યું

તરબતર આંખોય પ્યાસી નીકળી

રાતરાણીની ઉદાસી નીકળી

તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા

ચાંદને જોવા અગાસી નીકળી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

ચાંદનીની રાહ એ જોતું નથી

આંગણું એકાંતને રોતું નથી

રાત પાસે આગિયા પણ હોય છે

એકલું અંધારું કાંઈ હોતું નથી

કૈલાસ પંડિત

વાતમાં ડૂબી ગયા છે માણસો,

વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.

એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.

એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.

ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.

ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.

ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.

– કૈલાસ પંડિત

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

– કૈલાસ પંડિત

જાગી ઊઠે છે રાતના મોડેથી પીર જેમ,

જાગી ઊઠે છે રાતના મોડેથી પીર જેમ,
મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ ?

સાંજે મળીને થાઉં છું હું યે ભર્યો ભર્યો,
તું યે હસે છે ફૂલમાં વહેતા સમીર જેમ.

આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,
નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.

ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.

ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,
ખાલી હતા આ હાથ પણ જીવ્યા અમીર જેમ

કૈલાસ પંડિત

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

કૈલાસ પંડિત

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

-કૈલાસ પંડિત

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી ઝખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.

ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.

મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.

– કૈલાસ પંડિત

એક પડછયો અને –

એક   પડછયો  અને –
વહેમ પણ કેવો અને –

આંખથી  મોતી  ઝર્યા ,
ખ્વાબમાં દરિયો અને –

મેં  કહ્યું   સોનું  હતું ,
એ  કરે  તડકો  અને –

કેટલા   વરસો  થયાં,
એજ  છે  રસ્તો અને –

યાદ  છે  એના વિશે,
એ  બધી ખુશ્બો અને –

– કૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
… રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કૈલાસ પંડિત

ખરાં છો તમે.

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

કૈલાસ પંડિત

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત