તને ખોટું જો લાગે તો હું શું કરું?- હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

 

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

– હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

– હિતેન આનંદપરા           

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે !

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

– હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

– હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

ઝાડ તને મારા સોગંદ

ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?

વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !

આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?

ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ.

સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !

– હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં-હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા