ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,- કિરણકુમાર ચૌહાણ

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

– કિરણકુમાર ચૌહાણ

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,– કિરણસિહ ચૌહાણ

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શકયું દરિયો ઉઠાવીને.

હજી થોડાંક દેવાલય બનાવી દો, શો વાંધો છે?
કે જેથી સૌ અહીં જીવ્યા કરે માથું નમાવીને!

હજી ઈશ્વરને પામી ના શકયાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊચે બતાવીને.

ઘણાં આઘાત,આંસુ,દર્દની વરચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.!!!

– કિરણસિહ ચૌહાણ

નાનું-મોટું કોઈ એવું પદ નથી,

નાનું-મોટું કોઈ એવું પદ નથી,

આપણા સામર્થ્યને કોઈ હદ નથી.

સહેજ પણ આળસ તને ના પરવડે,

દોસ્ત, પયગંબર છે તું, કાસદ નથી.

સઘળે પહોંચે છે વિચારો આપણા,

સારું છે, એને કોઈ સરહદ નથી.

એટલી પણ વ્યસ્તતા શા કામની,

જીવવાની પણ અગર ફુરસદ નથી.

સાચું કહું તો તારા પ્રત્યે જિન્દગી,

હા મને પ્રેમ છે પણ… અનહદ નથી.

-કિરણસિંહ ચૌહાણ

નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,

નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.

જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.

જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.

ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

– કિરણ ચૌહાણ

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,

મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?

તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,

ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,

શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

– કિરણસિંહ ચૌહાણ

તારા વાળ સફેદ થાય તો

તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદી એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
…તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે

એના સમયે આવે.
– કિરણસિંહ ચૌહાણ

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

– કિરણસિંહ ચૌહાણ

ન મળવાની ચીજો મળી પણ શકે છે

ન મળવાની ચીજો મળી પણ શકે છે

 ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે

ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની
અમારુ હ્રદય તોઢળી પણ શકે છે

અહીં ઠેકઠેકાણે આવે વળાંકો
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે

આ માણસનાં હૈયા પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે

અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે

કિરણ ચૌહાણ

કહ્યું કોણે કે તારી પરવા કરું છું,

કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
હું બસ તારા સુખની તમન્ના કરું છું.

તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.

આ સમજણ,આ વળગણ,આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.

મને પામવા તું પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.

ઘણી વાર પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

હવે જીતવાની મજા પણ મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.

– કિરણકુમાર ચૌહાણ