અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

– અશરફ ડબાવાલા

છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં,

છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં,
હું છું, એ એના ભાસનો આધાર છે સ્વયં.

આ શૂન્યતાને શબ્દમાં ઢાળ્યા કરો છો શું ?
એને ઘડી રહ્યા છો જે આકાર છે સ્વયં.

વચમાં છું દ્વિધામાં કે હું કોના તરફ વળું,
એ પાર તારો સાદ ને આ પાર છે સ્વયં.

મનમાંથી મન તો અમને ફંગોળે મનન સુધી,
એને કહો એ શું કે જે સરકાર છે સ્વયં.

અશરફ, તમારા હાથમાં શોભે છે એ કમળ;
જે આખાય સરોવરનો પણ શણગાર છે સ્વયં.

– અશરફ ડબાવાલા

સવારે સૂર્ય સામે ને પ્રલયની વારતા માંડે,

સવારે સૂર્ય સામે ને પ્રલયની વારતા માંડે,
એ રાતે ફૂલ પાસે જઈ હ્દયની વારતા માંડે.

ઘણા ચાલે સમયસર ને સમયને ફેરવી નાખે;
ઘણાં એ વા ય છે જેઓ સમયની વારતા માંડે.

નથી ને જાણતાં જલ ને કે જલની કોઈ પીડાને,
ઉછાળી કાંકરી તેઓ વલયની વારતા માંડે,

જે તારા હાથના દરિયામાં ઊંડે જઈ નથી શકતા:
કિનારે પગ ઝબોળી એ પ્રણયની વારતા માંડે.

હજી આ યાદનું બાળક સતત રાતેય જાગે છે;
કહો અંધારને કોઈ ઉદયની વારતા માંડે.

– અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા