ઝંખના પ્યાસી મનમાં,વરસોના વરસ હતી,

ઝંખના પ્યાસી મનમાં,વરસોના વરસ હતી,
તુજ વિના સજના !જિંદગી કેટલી નિરસ હતી !

અમે હતાં પથ્થર સમ,સ્પર્શે તારા હેમ થયા,
તેં વહાવી અમ સુધી,એ ઊર્મિઓ પારસ હતી.

તારું દુ:ખ હળવું કરી શકું, મારું ક્યાં ગજું હતું?
મને તો તારા હોઠ પર ના સ્મિતની તરસ હતી.

રીસામણાં ને મનામણાં, થયા’તા આપણી વચ્ચે,
જાણી વાત જે જગતે,એ તો અરસ-પરસ હતી !

તુજ આવવાથી વહેતી થઇ ‘નિશા’ની ઊર્મિઓ,
એ ઊર્મિઓ મુજ હૈયામાં તુજ ની જણસ હતી.

-નિમિશા મિસ્ત્રી

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી.

જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.

એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી.

સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી.

મન છે દર્પણ સમ , ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી.

પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ નિમિશા ! કઇં બોલવું નથી.

-નિમિશા મિસ્ત્રી

વાત જરુર કોઇ ફરતી લાગે છે – નિમિશા મિસ્ત્રી

વાત જરુર કોઇ ફરતી લાગે છે,
સંબંધો બધાય શરતી લાગે છે.

જીવન એક બોજ, ને શ્વાસ ઉછીના,
ઇચ્છાઓ બધીએ મરતી લાગે છે.

રવિકિરણોની લાલીમા પથરાઇ આભે,
દિવસની રવાની ચઢતી લાગે છે.

સાગરના મનમાંય ખળભળાટ હશે,
લાગણીઓની મોટી ભરતી લાગે છે.

હૈયું નહીંતર આમ ધડકે નહીં જોરથી,
ઉર્મિઓ તમારી,રક્તમાં ભળતી લાગે છે.

કેટલાય વાયદા કર્યાં,આવ્યા નહીં તમે,
લાગણીઓ નિમિશાની ઉતરતી લાગે છે.