રિટાયર થવાનો સમય થઈ ગયો,-અઝીઝ ટંકારવી

રિટાયર થવાનો સમય થઈ ગયો,
બરાબર થવાનો સમય થઈ ગયો.

શરીરે સુવાસો લગાવી ઘણી,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો.

તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,
લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો.

હજી સત્ય પર આવરણ ક્યાં લગી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો.

હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,
મુસાફર થવાનો સમય થઈ ગયો.

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,
હવે ઘર જવાનો સમય થઈ ગયો.

-અઝીઝ ટંકારવી

અમારા હ્રદયમાં તમારો મુકામ, -અઝીઝ ટંકારવી

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ.