એક સુખની લકીર શોધું છું.

એક સુખની લકીર શોધું છું.
ના વધારે, લગીર શોધું છું.

દાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,
ધનિક એવો ફકીર શોધું છું.

મૌનમાં આરપાર થઇ જાયે,
શબ્દનું સરસ તીર શોધું છું.

હુંય રણમાં જઇ રહ્યો ઊભો,
ઝાંઝવાનું ખમીર શોધું છું.

હોય તારી સુગંધ જેનામાં,
એ તરબતર સમીર શોધું છું.

આગને પણ કરી શકે વશમાં,
હર ગલીમાં કબીર શોધું છું!

– ભાગ્યેશ જહા.