ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી;

ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ?

પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

 ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

 મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

 ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

 ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

 આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

 – જુગલકીશોર.

https://jjkishor.wordpress.com/

 

આ મોહબ્બતની રાહ લાગે છે, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે
સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે

કુલદીપ કારિયા

ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું.
પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,
હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,- ‘આદિલ’ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…

 

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

સુહાગરાતે સુહાગણ સેજ પર મીઠા સપના સંજોવી ને બેઠી છે

સુહાગરાતે સુહાગણ સેજ પર મીઠા સપના સંજોવી ને બેઠી છે
મારો ભરથાર આવી ને કેવો વરસશે એક રાહ જોઈ ને બેઠી છે

જિંદગીભર નો સાથ કેવો રહેશે ખુદ ને પરીક્ષામાં રાખી બેઠી છે
ખુદ ભવસાગર તરવા હાથ એક અજાણ્યા ને આપી ને બેઠી છે

તોફાની ખડખડતી નદી હતી જે આજે ઠરીઠામ થઇ ને બેઠી છે
ખુદ બની દરિયો હવે સાહિલ ના હાથ માં ડોર આપી બેઠી છે

બંને કુટુંબો ની લાજ આજે ખુદ પોતાના હાથ પર રાખી બેઠી છે
સંસ્કારો ને કરવા ઉજાગર આજે ખુદ એક આશ લઇ ને બેઠી છે

ચપટી સિંદુર ભરી ખુદ ને આંધળી બાહેધરી આપી ને બેઠી છે
વ્રતો થકી કરેલ પ્રાર્થનામાં પ્રભુ પર એ વિશ્વાસ રાખી બેઠી છે

-કુશ 

લાગણીઓ અટવાય છે,-આનંદ

લાગણીઓ અટવાય છે,
ચહેરા ક્યાં વંચાય છે !?

હિમગિરિના શિખરે
તડકો પણ ઠૂંઠવાય છે !

સાગર કાંઠે પવન જુઓ,
ખુદ પરસેવે ન્હાય છે !

જાતને જાણે કટકે કટકે
ચિંતા કોરી ખાય છે.

સાવ સરળ જીવનમાં શાથી
અઘરું સહુ વરતાય છે ?

થૈ ભેગાં સૌ ‘આનંદ’ કરીએ,
સાવ મફત વ્હેંચાય છે

આંખ મીંચી અને વાત વ્હેતી થઇ,-અંકિત ત્રિવેદી

આંખ મીંચી અને વાત વ્હેતી થઇ,
ગૂંગળાતી હવા શ્વાસ લેતી થઇ.

ખૂબ શોધ્યું છતાં ના કશું નીકળ્યું,
આપણાંમાં જીવ્યું કોણ રેતી થઇ ?

જાવ ઈચ્છા વિશે બોલવું કૈં નથી,
અંત આવ્યા પછી દાદ દેતી થઇ.

બાથ ભીડી અને સામે ઊભું સ્મરણ ,
મોતની ભરબજારે ફજેતી થઇ.

અબોલા લઈને બેઠા છે પરસ્પરબોલવા લાગે,-અઝીઝ કાદરી

અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે,
મિલન મજલિસો જામે ને બે ઘર બોલવા લાગે.

સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે,
તમે બોલો તો સાથો સાથ પથ્થર બોલવા લાગે.

તમારા રૂપની ચર્ચા શરૂ થઈ જાય તો ચોક્કસ,
ધરા બોલે, ગગન બોલે, ને સાગર બોલવા લાગે.

ગયું છે બાગમાં કોણ અશ્રુભીની આંખો લઈ,
મળે વાચા તો ફૂલો ડાળ ઉપર બોલવા લાગે.

કુવો જાગી ઉઠે પાણીનું હૈયુ થનગની ઉઠે,
પરોઢે જ્યારે પણિહારીના ઝાંઝર બોલવા લાગે.

મિલનની વેળાની મસ્તી જીભ પર આવી નથી શકતી,
નવોઢા ચુપ રહે ફૂલોની ચાદર બોલવા લાગે.

નજર પાસે જો સમૃદ્ધિની મૂડી હોય તો મિત્રો,
ઈમારત કેટલી સધ્ધર છે ચણતર બોલવા લાગે.

સમજદારી વધે તો બોલવાની ટેવ છૂટે છે,
ખૂલે ના જીભ જેની એનું અંતર બોલવા લાગે.

‘અઝીઝે’ ક્યાં હજી બારાખડી પણ સાચી સીખી છે,
સભા વચ્ચે ભલા ક્યાંથી બરાબર બોલવા લાગે?

શબ્દને અર્થની ખબર ક્યાં છે ?-આબિદ ભટ્ટ

શબ્દને અર્થની ખબર ક્યાં છે ?
લાશને શું ખબર,કબર ક્યાં છે ?

ધન નહિં, માત્ર તેજ કર ભેગું ,
દીવડો આપણો ક્યાં અમર છે ?

પ્હાણ જોતાં જ ,જાય તૂટી પણ ,
કાશ એવી હવે નજર ક્યાં છે ?

જ્યાં તને શોધવા ગમે કાયમ,
આજ એવું નગર ક્યાં છે ?

જોઈલો સૌ નિમગ્ન છે ખુદમાં ,
અન્યની કોઈને કયાં ફિકર છે ?

લાગણી શૂન્ય છે હૃદય સઘળાં ,
શબ્દની એટલી અસર ક્યાં છે ?

રિટાયર થવાનો સમય થઈ ગયો,-અઝીઝ ટંકારવી

રિટાયર થવાનો સમય થઈ ગયો,
બરાબર થવાનો સમય થઈ ગયો.

શરીરે સુવાસો લગાવી ઘણી,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો.

તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,
લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો.

હજી સત્ય પર આવરણ ક્યાં લગી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો.

હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,
મુસાફર થવાનો સમય થઈ ગયો.

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,
હવે ઘર જવાનો સમય થઈ ગયો.

-અઝીઝ ટંકારવી

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?

ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?

નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?

ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?

અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?

લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?

“જલન માતરી”

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

– ‘જલન’ માતરી

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

– ઓજસ પાલનપુરી

અળગા થવાની વાત, મહોબત થવાની વાત-હરીન્દ્ર દવે

અળગા થવાની વાત, મહોબત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
માણસને આવડી ન હકીકત થવાની વાત.

શહેરમાં કોઈ સાલું સમજતું નથી,-યોગેશ સામાણી ‘ઉત્સવ’

શહેરમાં કોઈ સાલું સમજતું નથી,
કે જીવન આજનું કાલ મળતું નથી !

આપ તો સાહ્યબીને જ વળગી રહ્યા,
આપને કોઈ દિલથી વળગતું નથી !

ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે,
જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી !

તોય દિલ, મોત સુધરી ગયાનું સમજ,
લોક રડતું નથી કિન્તુ હસતું નથી !

ભર બપોરેય અંધાર લાગ્યા કરે,
જ્યાં સુધી એમનું મુખ મલકતું નથી !

આપને એ જ વાતે જલન થાય કે –
હજુય મુજથી જગત કેમ જલતું નથી !

કેટલું કેટલું એય પીડાય છે ?
પાન જે પાનખરમાંય ખરતું નથી !

સૌ ખુદા, ગૉડ, ભગવાન પાછળ પડ્યાં,
પ્રેમમાં કોઈનું ધ્યાન પડતું નથી !

તોય વકરી રહ્યું છે ગઝલનું વ્યસન,
કોઈ ‘ઉત્સવ’ તરફ દષ્ટિ કરતું નથી !

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા

જે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી

જે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી
બસ એ બદલી શકું હું એટલો કાબેલ નથી

મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી

છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી

વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી

-હેમંત પૂણેકર

ધૂંટી લે શ્વાસ જ્યાં લગી ધૂંટી શકાય છે.

ધૂંટી લે શ્વાસ જ્યાં લગી ધૂંટી શકાય છે.
ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે ?

અંધારાં જેની જિન્દગીને વીંટળાય છે,
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે.

હદથી વધારે સોચતાં થાકી જવાય છે,
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે.

જુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે,
એવું તે કોણ ઓ ખુદા ! સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
કહે છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે.

-જલન માતરી

સંકટભરી છતાંય મને એ ગમી હતી,

સંકટભરી છતાંય મને એ ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.

બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા ક્યાં કમી હતી.

બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.

અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.

દર્શન થયાનહીં એ મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.

-અદમ ટંકારવી

ઘટના, પ્રસંગ ના કશો કોઈ બનાવ છે,

ઘટના, પ્રસંગ ના કશો કોઈ બનાવ છે,
આખા શહેરમાં પછી શાનો તનાવ છે?

વાતાવરણની મહેક ગવાહી એ આપશે,
નક્કી જ આસપાસમાં એનો પડાવ છે!

ફરિયાદ, સાબિતી કે ગમે તે દલીલ હો,
આરોપ સાચો હોય તો ક્યાં કૈં બચાવ છે?

સુધારવાની સઘળીયે કોશીશો વ્યર્થ છે,
બદલી શકાય શી રીતે એનો સ્વભાવ છે.

વરસો પછીયે હાલ છે ‘નાદાન’ એના એજ,
સમજી શક્યો નથી હજી શેનો અભાવ છે.

-દિનેશ ડોંગરે ‘નાદાન’

લયબધ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?

લયબધ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?
સર્જનનાં નામે એવી દશા કોણ આપશે ?

ચિક્કાર બસમાં પ્હેલાં ચડી જા તું અબઘડી,
વિચારજે પછી કે જગા કોણ આપશે !

મેં શું ગોનો કર્યો છે મને કંઇ ખબર નથી,
છે એટલી ખબર કે સજા કોણ આપશે ?

કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,
અંદર તને જવાની રજા કોણ આપશે !

આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,
મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?

-અશરફ ડબાવાલા

આપણે માથે જ ઈશ્વર રાખીએ,

આપણે માથે જ ઈશ્વર રાખીએ,
વૃક્ષની લીલાશમાં ઘર રાખીએ.

સત્ય માટે ખાસ આદર રાખીએ,
સર્વથી નોખાં જ તેવર રાખીએ.

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અતર રાખીએ.

દર્દ ટપકે તે કદી પોષાય ના,
આંખમાં કોરું સરોવર રાખીએ.

રાસલીલા હોઠ પર રમતી રહે,
જો હૃદયમાં માત્ર ગિરધર રાખીએ.

આમ અણગમતા છીએ આકાશને,
પણ તખલ્લુસ માત્ર ‘મનહર’ રાખીએ.

-મનહરલાલ ચોક્સી

ચહેરા ઉપર પૂનમ ‘ને આંખોમાં અમાસ છે,

ચહેરા ઉપર પૂનમ ‘ને આંખોમાં અમાસ છે,
ત્યાં સુદ અને વદ બેઉનો અદભૂત સમાસ છે.

જ્યારે મળે બોલે નહીં, એવી રીતે જુએ,
જાણે કે મારા જીવની, ઉલટતપાસ છે.

બેસી રહ્યો પીધા વગર, મયખાને રાતભર,
વાંધો હતો બસ એ જ કે, અડધો ગિલાસ છે.

આ જિદગી માટે, કોઈ કારણ નહીં જડે,
‘ને મોતના એકાદ નહિ, બ્હાનાં પચાસ છે.

એના કસીદા જ્યારથી ગાયા કરે છે ‘સૂર’,
બસ ત્યારથી હોવાપણું એકદમ ઝકાસ છે.

-સુરેશ પરમાર ‘સૂર’

સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?

સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

-ચિનુ મોદી

રમ્ય ઝાકળની કથા છે જાનાં,

રમ્ય ઝાકળની કથા છે જાનાં,
પુષ્પની એ જ વ્યથા છે જાનાં.

લાખ પડદાને હટાવી જોયું,
ક્યાં ઉઘડવાની પ્રથા છે જાનાં.

જળનું વહેવું છે સનાતન ઘટના,
આ તરંગો તો વૃથા છે જાનાં.

છે હવાનો જ કીમિયો નહિતર,
શ્વાસ સાંકળની પૃથા છે જાનાં.

હું જ ભૂલો પડી ગયો અક્સર,
ઠામ ઠેકાણું યથા છે જાનાં.

આપ છેડો તો ખરા કોઈ ગઝલ,
’મીર’ હાજર છે તથા છે જાનાં.

-ડૉ. રશીદ મીર

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત

જિંદગીની દડમજ્લ થોડી અઘૂરી રાખવી

જિંદગીની દડમજ્લ થોડી અઘૂરી રાખવી
ચાલવું સાબિત કદમ થોડી સબૂરી રાખવી

જીવવું છે, ઝૂરવું છે, ઝૂંઝ્વું છે જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

જોઇ લેવું આપણે જોનાર ને પણ છૂટ છે
આંખને આકાશ જેવી જ ભૂરી રાખવી

ભાનભૂલી વેદનાઓ વલૂરી નાંખવી
જ્વાલા ભલે ભડકી જાતી, દિલમાં ઢબૂરી રાખવી

જામમાં રેડાય તેને પી જ્વાનું હોય છે
ઘૂંટ્ડે ને ઘૂંટ્ડે , તાસીર તૂરી રાખવી

કેફીઓના કાફ્લા વચ્ચે જ જીવી જાણવું
થોડુક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન
જાગરણ્ની એ સજાને ખુદને પૂરી રાખવી

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કઇં
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી

બાજ થઇને ઘૂમવું અંદાજ્ની ઊંચાઇ પર
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

વેણીભાઇ પુરોહિત

એક આછી મેઘની ભીની મહેર-ડૉ. જગદીપભાઈ નાણાવટી

એક આછી મેઘની ભીની મહેર
સ્મિતની પ્રસરાવતી લીલી લહેર

જ્યાં હતું વૈશાખ ધખતું રણ, ત્યહીં
શ્રાવણી નામે ઉગી નીકળ્યું શહેર

ફેંક આ વાઘા પસીને તરબતર
લે હવે ઉન્માદ અંગરખુ પહેર

ટપ, ટપકતાં સંગ નેવે રાતના
ગહેક, તમરા, ડ્રાઊં વરતાવે કહેર

તું અગર ચાહે ખુદા, તેરી ઝુબાં
કહી દઉં કે “એ સમા તું જા ઠહેર”..!!

અંધારનો ગઢ જીતવા અજવાળું કયાં સુધી જશે ?

અંધારનો ગઢ જીતવા અજવાળું કયાં સુધી જશે ?
આ દેહનું લઇ ભાન મન પાંખાળું કયાં સુધી જશે ?

દરિયા ગયા છે દુઃખ પ્રગટ કરવા હરણના મોત પર ,
વ્હેતી નદીને પૂછ જળ ખડકાળું કયાં સુધી જશે ?

નિજ કેન્દ્રમાં રાખી મને રાખે સતત એ તાણમાં ,
આઠે પ્રહર વિસ્તરતું આ કુંડાળું કયાં સુધી જશે ?

મેં કોતરી લીધી છબી એની હવામાં હૂબહૂ ,
રંગો ભરલું આવરણ સુવાળું કયાં સુધી જશે ?

ઊંચા શિખર ઊંચી ધજા ઊંચા પ્રભુજી ઓટલા ,
દીવો હથેળીમાં ધરી શ્રદ્ધાળું કયાં સુધી જશે ?

– ભરત પટેલ

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

– વિનય ઘાસવાલા

ભુલાવી દે દર્દ એવું સ્મિત આપો મને,

ભુલાવી દે દર્દ એવું સ્મિત આપો મને,
ત્રાજવે તોળાય નહી એમ માપો મને.

ભીતર ભલે સંતાડી રાખ્યો હોય પ્રેમને,
અંતર દિલ નો ખોલી આપો ઝાંપો મને.

ભુલ હોય જો મારી, બેશક આવી તમે,
વિરહ ની ભભૂકતી આગમાં તાપો મને.

કોરો કાગળ થઇને વંચાઈ જઈશ આંખે,
ફૂટે પીડા એવું ના હવે કોઈ છાપો મને.

આપીશ તમને સદાય શીતળ છાંયડો,
વૃક્ષ માફક મુળ માંથી નાં કાપો મને.

….પ્રશાંત સોમાણી

અહીં ઊગવાનું સમય શીખવે છે,

અહીં ઊગવાનું સમય શીખવે છે,
અને ડૂબવાનું સમય શીખવે છે.

કદી રક્તમાં છેક પહોંચી જઈને,
કદી છૂપવાનું સમય શીખવે છે.

સંબંધો તમે માંડ જોડી શકો ત્યાં,
ફરી તૂટવાનું સમય શીખવે છે.

બધાં પથ્થર સામસામે ઉગામે,
છતાં પૂજવાનું સમય શીખવે છે.

સફરમાં ન સામાન લેશો અહીં તો,
બધું મૂકવાનું સમય શીખવે છે.

છે જન્મોજનમ બંધનો એ તજીને,
સતત છૂટવાનું સમય શીખવે છે.

કદીયે દિશાઓ અને પંથ વિશે,
નહીં પૂછવાનું સમય શીખવે છે.

યુગો-ને સદી ને ક્ષણોની યે સામે,
કદી ઝૂકવાનું સમય શીખવે છે.

– મનસુખ નારિયા

સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,

સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,
જીવો, સંતોએ કહ્યું તેમ, તો ઈશ્વર મળે.

ઝેર, સાપ, વાઘ; બધું થઈ જશે નકામું,
મગ્ન બનો મીરાંની જેમ, તો ઈશ્વર મળે.

કામ કરો, ચિંતા છોડો, રહો એના આધિન,
ભજો, નરસિંહ ભજ્યા એમ, તો ઈશ્વર મળે.

બચાવે હજાર હાથવાળો, ભરોસો તો રાખો!
પ્રહ્‍લાદની જેમ રાખો નેમ, તો ઈશ્વર મળે.

‘સાગર’ ધ્રુવ, બોડાણો, સૌ કોઈ પામ્યા,
રાધાની જેમ કરો પ્રેમ, તો ઈશ્વર મળે.

– ‘સાગર’ રામોલિયા

ઉદાસી વિના કારણ હોઇ શકે,

ઉદાસી વિના કારણ હોઇ શકે,
એવું જ વાતાવરણ હોઇ શકે.

શૂન્યતા આંખોમા કાયમ કરે,
કોઇક એવુંય સ્મરણ હોઇ શકે.

હું સામે જ ઊભો હોઉ છતાં,
સાવ ખાલીય દર્પણ હોઇ શકે.

મૃગજળ પણ ખૂટી ગયા હો,
ક્યાંક એવાય રણ હોઇ શકે.

સહુથી વધુ ખુદને નડ્યાં હો,
ઘણા એવાય જણ હોઇ શકે.

જેને ઉદાસી માની બેઠા છો,
“આનંદ” ની એ ક્ષણ હોઇ શકે.

વિનોદ નગદિયા (આનંદ)

અંગત ગણું તો, જામ છે-ડો.જગદીપ નાણાવટી

અંગત ગણું તો, જામ છે
કેવો પ્રભુ અંજામ છે

ટહુકા વિણુ છું યાદનાં
બાકી રહ્યું ક્યાં કામ છે

શબ્દો હવે હાંફી ચુક્યાં
લિખિતંગ પર આરામ છે

શ્વાસો લઈને છોડવા
બસ આટલો વ્યાયામ છે

આંખે સફેદી, કેશ પણ
શમણાં બધાયે શ્યામ છે

સેતુ સમયનાં બાંધતાં
અંતે તો સૌ ’હે રામ’ છે

 

ભટકવામાં હવે ભૂલી ગયો છું મારું ઘર કયાં છે !

ભટકવામાં હવે ભૂલી ગયો છું મારું ઘર કયાં છે !

બતાવે રાહ, ઝાલી હાથ એવો રાહબર ક્યાં છે !

મને એની ખબર ના પૂછશો થોડી દયા રાખી,

હવે એની ખબર તો શું, મને મારી ખબર ક્યાં છે !

મને દફનાવવાની એમને શાની ઉતાવળ છે ?

જરા પૂછી તો લેવા દો, ભલા મારી કબર ક્યાં છે!

હવે આવી ગયા છો તો કરી લો રાતવાસો પણ;

ફરી મળવા સુધીની રાહ જોવાની સબર ક્યાં છે!

વિનંતિ એમને ‘મન’ થી કરું છું એટલી હું તો,

જરા એ તો કહો મારી મહોબ્બતમાં કસર ક્યાં છે!

મન પાલનપુરી

મંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં.

મંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં.
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં.

બધી માયા સંબંધોની, સમર્પી તમને આપી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

સ્વપ્નો અહીં મુકીને, ગગનને પ્રેમથી ભેટી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

કંઇ બાકી ને કંઇ પુરું, બધું અહીંથી સમેટી લઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

– સૌપ્રિય સોલંકી ‘શૈલ’

શ્વેત કબૂતર કાળું લાગે !

શ્વેત કબૂતર કાળું લાગે !
મન કેવું નખરાળું લાગે !

ફૂટેલા આ દર્પણમાં પણ,
બિંબ મને રૂપાળું લાગે !

કોની યાદ વસી છે મનમાં,
ઘરમાં કાં અજવાળું લાગે !

માણસ છે પણ માણસ ક્યાં છે,
સ્વાર્થ સભર કુંડાળું લાગે !

ચોખ્ખે ચોખ્ખી ભીંત અચાનક,
કરોળિયાનું જાળું લાગે !

આજ કશું ના બોલે આસિફ,
હૈયે હોઠે તાળું લાગે !

-મીરા આસિફ

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,- દાન વાઘેલા

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.

પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.

હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે- કિશોર બારોટ

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.

નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે

છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
ન ‘બેટા’ કોઇ કહેનારું મને વસમી કસર લાગે.

જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.

હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ‘ ઓય…મા’ ઠોકર અગર લાગે.

સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,-– ગૌરાંગ ઠાકર

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.

વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.

કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,-મન્સુર કિસ્મત કુરેશી

જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,
નિહાળી મારું મન મોટું મને સાગર ન માની લે.

હંમેશા ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં,
સખત બનવું પડે છે મારે તો તું પથ્થર ન માની લે.

તમારી પારખું દ્રષ્ટીનું પણ છે પારખું આજે,
હું પાણીદાર મોતી છું, મને કંકર ન માની લે.

કર્યુ છે ડોકીયું તેં કયાં કદી મુજ શ્યામ ભીતરમાં?
હું જો દેખાવું સુંદર તો મને સુંદર ન માની લે.

જે હૈયે હોય છે તેને ન હોઠે આવવા દઉં છું,
મધુર મારા વચનને, તારો તું આદર ન માની લે.

કહ્યું માનું છું ડાહ્યાનું – વખત વરતીને ચાલું છું,
જો બેસું સમસમીને તો મને કાયર ન માની લે.

જનમ સાથે જ જગને કાજ હું પેગામ લાવ્યો છું,
છતાં એ વાત પરથી મુજને પેગમ્બર ન માની લે.

કૃપાથી એની, ધારું તો હું જ ‘કિસ્મત’ ને વાંચી દઉં,
પરંતુ ડર છે મુજને ક્યાંક તું ઈશ્વર ન માની લે.

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.

એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.

એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.

તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.

બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,

આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,
હોવા પણાનો ડર લઈ, ઘટના સુધી ગયા.

એમાં નવાઈ શું , જો નિરાશાઓ સાંપડે!
મીઠપની આશે કાં , અમે દરિયા સુધી ગયા?

પાગલપણાથી પર હશે ના, એની જિંદગી
ઈચ્છા જે ફૂલની લઈ સહરા સુધી ગયા?

મરવાની ઈચ્છા એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી જવાની આશ લઈ, તરણા સુધી ગયા.

-મન્સુર કિસ્મત કુરેશી

બેચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ

બેચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ
તારે વરસવું હોય તો આકાશ મન મૂકી વરસ

નાખ છત્રીને ધરામાં, નિર્વસન થઈને નીકળ
આવું ચોમાસું ભલા, ના આવતું વરસોવરસ

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની
તું મને સ્પર્શે તો મિતવા ! આવ એ રીતે સ્પરશ

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાત-દિન
એ મને જુએ સતત, પણ ના થતાં એનાં દરશ

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે
કોણ સામે તીર બજાવે બાંસુરી એવી સરસ ?

સાંકડે મારગ મદોન્મત્ત હાથિણી સામે ખડો :
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

– પુરુરાજ જોષી

લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,-હિમલ પંડ્યા

લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે;

ઓગળવા જઈ રહ્યો છે પત્થરનો દેહ આ,
સરકી રહેલા શ્વાસની છોડી લગામ છે;

એણે ધર્યો’તો વિષનો પ્યાલો ય એ રીતે,
મહેફિલમાં સૌને એમ કે છલકાતો જામ છે;

પૂછો ના દિલને કોણ દુભાવે છે હરઘડી,
અંગત ગણી શકાય બધા એવા નામ છે;

ઓળખ ખરી મળી છે આ દુનિયા તણી હવે,
ખંજર ધર્યા છે હાથ, ને હોઠોમાં રામ છે;

લાગે છે એટલે આ ગઝલ તીર્થસ્થાન પણ;
છે શબ્દ જ્યાં, અમારે મન ત્યાં ચારધામ છે.