હું લખું છું જે જે, લખાવે એ મને!

હું લખું છું જે જે, લખાવે એ મને!
હું બનાવું જે, બધુંયે તે બને!

સતત જેને પામવા માટે મથું,
એ જ મારા શ્વાસમાં મ્હેકે કને.

શબ્દ મારા, અર્થ એના ગોઠવે,
વાદળાં એની વીજળીઓને વણે!

હું ભલે મ્હાલતો મારી રીતે,
ચરણ મારાં, ચાલમાં એને ગણે.

એક ટહુકો પંડમાં જાગી ઉઠ્યો,
જે ક્ષણે ખીલી કળી મારે વને!

ચંદ્રકાન્ત શેઠ

તું શિખરે, હું તળિયે

તું શિખરે, હું તળિયે :
આપણ એવો જાગ જગવીએ,
કેવળ ઝળહળીએ, ઝળહળીએ !
તું
મસ્તીલો પવન, પુષ્પ હું
ખૂણે નહીં ખીલેલું ;
તું આવે તો સકળ ધરી દઉં
તને
સુવાસ ભરેલું !
લહર લહર લ્હેરાતાં આપણ
અરસપરમાં ઢળીએ !-
તું આકાશે હંસ
ઊડતો,
હું માનસ જલબિન્દુ !
તારા સ્પર્શે ઊગશે અંદર
મુક્તારસનો ઇન્દુ
!
ઊછળી ઊંચે, ઊતરી ઊંડે
મરજીવિયે મન મળીએ !
તું તો આવે ગગન-ઘટા
લૈ,
ઘટમાં કેમ સમાશે ?
તારી વીજ શું પતંગિયાના
પાશ મહીં બંધાશે ?


પલકારામાં પ્રગટે પૂનમ,
વાટે એવી વળીએ !

– ચંન્દ્રકાંત શેઠ