ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

– બાલુભાઇ પટેલ

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે

કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે

વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે

જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે……

-બાલુભાઇ પટેલ