વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

લોકગીત

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

કા’નાને માખણ ભાવે રે

કા’નાને માખણ ભાવે રે
કા’નાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ
મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ
કા’નાને …

શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ
ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ
કા’નાને …

જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ
છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ
કા’નાને …

સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું રાય
ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવી નૈ
કા’નાને …

એક ગોપીએ જમવાનું કીધું ને થાળ લૈ ઉભી રૈ
વળતા વ્હાલો એમ વદ્યા પણ માખણ જેવા નૈ
કા’નાને …

એક ગોપીએ માખણ ધર્યુંને હાથ જોડી ઉભી રૈ
દીનાનાથ તો રીઝ્યા ત્યારે નાચ્યા થૈ થૈ થૈ
કા’નાને …

લોકગીત

હું તો કાગળિયાં

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવલિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે

કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

લોકગીત

હાં… મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે,

હાં… મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.

હાં… મણિયારો તે કળાયેલ મોરલો ને કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુજો, વરગાણી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.

હાં… અણિયાળી રે ગોરી તારી આંખડી ને કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.

હાં… મણિયારો તે અડાબીડ આંબલો ને કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.

હાં… પનિહારીનું ઢળકંતુ બેડલું ને કાંઈ હું રે છલકંતુ એમાં નીર રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.

 લોકગીત         

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હો રે… હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર, હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે… ઓ રે, તારું ચંદંન સરીખું શરીર, ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઈ તો અડતા કરમાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓ… મારે નેણ લજ્જા લહેરે છે… લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે…
હો… તારા રૂપની ભીનાશ તને ઘેરે છે… ઘેરે છે ગોરી, ઘેરે છે…
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મંન મરવાનું થાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હાય રે… હાય રે, ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર… વારંવાર.
ઓ રે… ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે હોયે નમણી નાર… નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય, ના ના રે બુઝાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

લોકગીત

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે હીંચ લેવી છે ને (મારે ગરબે ઘૂમવું છે)… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે.

હે તારે કિયા ભાઈનાં ચોગલે હવે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે ચોગલે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…

હે તારે કિયા ભાઈને દાંડિયે આજે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે દાંડિયે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…

તારે કિયા ભાઈની ઠેસે હવે હીંચ લેવી છે?
મારા સાહ્યબા તારી ઠેસે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

રંગાઇ જાને રંગમાં…..

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

લોકગીત

લોકો સૌ કે છે કે મુંબઇમાં છે બહુ કમાણી

લોકો સૌ કે છે કે મુંબઇમાં છે બહુ કમાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

જેવું ના સુકાયે મુંબઇના દરીયાનું પાણી
એવી ના સુકાયે કોઇ દિ મુંબઇની જવાની
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

આ ચોપાટી… અરે દેખાણી….. હાં
આ તાજમહેલ હોટલ… દેખણી… અરે હાં હાં
અને મુંબઇની શેઠાણી દેખાણી… દેખાણી…
પાન-બિડું ને પાવડર ચોળી રાખે ઉંમર છાની
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખીસ્સાં ખાલી, ભપકા ભારી, જાણે આલમભર નાં રાજા
અહિં કોમ-કોમનું થાય કચુંબર, જુદી જુદી વાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

અહિં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા
અહિં શેઠ કરતાં થઇ સવાયા ફરે શેઠના સાળા
આ ટોળાંમાં કંઇ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહિં જુવાન ના વાળ ધોળા ને ઘરડાં ના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપુરીની કરતાં રોજ ઉજાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

અહિં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહિં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા
અરે એક મિનિટમાં બસ્સો-પાંચસો થઇ જાતા ધાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

અહિં રવિવાર છે રંગીલો એને સૌ કેહતા Sunday
અહિં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઇ સજ્જન છે કરમરકર ને કોઇ સજ્જન લોખંડે
નાના-મોટા સૌએ દોડે પોતપોતાને ધંધે
અહિં રેહવું હોય તો ઇકડમ-તીકડમ ભાષા લેવી જાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

ફિલ્મી લોકગીત           

સોના વાટકડી રે કેસર

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા
ટીલડીની બબ્બે તારે જોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા
બારલાની બબ્બે તારે જોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાબિયુંની બબ્બે તારે જોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા
લોકગીત           

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા
આજ સુધી તુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો… હો…. તુ… હુ…
(થઈ ગયા રાધે શામ…)-(2)

હે…. સાચુ પડ્યુ જાણે સમણુ મારુ
થઈ ગયુ મારુ કામ
(થઈ ગયા રાધે શામ…)-(2)

હો….ઓ…..
મીરા થઈ ને નાચુ,
પુર્તિ થઈને વાંચુ,
શમણામાં તુજને ભાળીને
શમણામાં હુ રાચુ..

હે… મનથી મનમે જોડી દીધુ માણીગરનુ નામ..
(થઈ ગયા રાધે શામ…)-(2)

હો….ઓ…..
તારી ચુદડી ઓઢીશ માથે..
તારો ચુડલો પહેરીશ હાથે..
ભાલ કંકુની ટીલડી કરી જનમો જનમ સાથે..

હે… તુ વનરાવન, તુ છે મથુરા, તુ ગોકુળિયુ ગામ..
(થઈ ગયા રાધે શામ…)-(2)

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા..
આજ સુધી હુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો… હો…. હુ તુ
(થઈ ગયા રાધે શામ…)-(2)
લોકગીત           

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં. ટેક
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારા હાથ કેરો ચૂડલો રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારી ડોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં.

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

લોકગીત

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

તમે  મારાં  દેવનાં  દીધેલ  છો,  તમે  મારાં  માગી  લીધેલ  છો,
આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

મા’દેવ  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  ફૂલ ;
મા’દેવજી  પરસન  થિયા  ત્યારે  આવ્યાં  તમે  અણમૂલ !

તમે  મારું  નગદ  નાણું  છો,  તમે  મારું  ફૂલ  વસાણું  છો,
આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

મા’દેવ  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  હાર,
પારવતી  પરસન  થિયાં  ત્યારે  આવ્યા  હૈયાના  હાર.  –  તમે…..

હડમાન  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  તેલ,
હડમાનજી  પરસન  થિયા  ત્યારે  ઘોડિયાં  બાંધ્યાં  ઘેર.  –  તમે…..

ચીચણ  પાસે  પાલડી  ને  ત્યાં  તમારી  ફૈ ;
પાનસોપારી  ખાઇ  ગઇ,  કંકોતરીમાંથી  રૈ.  –  તમે…..

ભાવનગર  ને  વરતેજ  વચ્ચે રે’  બાળુડાની  ફૈ ;
બાળુડો  જ્યારે  જલમિયો  ત્યારે  ઝબલા  ટોપીમાંથી  ગૈ
બાળુડો  જ્યારે  પરણશે  ત્યારે  નોતરામાંથી  રૈ.  –  તમે

-લોકગીત

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ
જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
લોકગીત

અડધી રાતલડીએ મને રે જગાડી

અડધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે !
મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !
દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ રે !
ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે !

લોકગીત

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

3fa5ffdf4e5d1311

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

લોકગીત

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

લોક્ગીત

તારા વિના શ્યામ મને એકલડું લાગે,

image002

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

લોક્ગીત

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, નોરતાની રાતનો,
જો જે રંગ જાયના…………(2)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
નોરતાની રાતનો જો જે રંગ જાયના…….ઢોલીડા
બજ્યો છે રાસને મચાવે શોર,
થનગનતાં હૈયામાં નાચે છે મોર,
પૂનમની રાતના દર્શન ભૂલાયના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના…….ઢોલીડા
વાઘની સવારી ને હાથ હજારનાં,
મોગરાની માળાને ફૂલડાંનો હાર,
સોળે શણગાર ને દર્શન ભૂલાય ના…….ઢોલીડા
ગરબે રમે છે માડી નર ને નાર,
રૂદિયો ખોલીને કરું છું પોકાર,
ઘાયલ રૂદિયાને રોક્યું રોકાય ના……..ઢોલીડા
ગાવું ગવરાવવું એવી આશમાં,
દાસ દોડીને આવે છે પાસમાં,
દર્શન દઈને મા પાછા જવાય ના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના……ઢોલીડા

-લોકગીત

મણિયારો હે મણિયારો

મણિયારો હે મણિયારો
તે હલુ હલુ થઈ વિયો રે કે મુજા દલડા [2]
ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો વરણાગી મણિયારો

હાઁ….. અણીયારી ગોરી તારી આંખડી રે [2]
ને કાંય હું રે આંજેલ એમાં મેશ રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો વરણાગી મણિયારો
-છેલ મુજો

હાઁ….. મણિયારો રે કડાયેલ મોરલો [2]
કાંય હું રે [2] ઢળકંતી ઢેલ રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો પરદેશી મણિયારો
-છેલ મુજો

હાઁ….. પનિહારીનું ઢળકંતુ બેડલું રે [2]
કાંય હું રે છલકંત એમાં નીર રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો વરણાગી મણિયારો
– છેલ મુજો

હાઁ….. મણિયારો રે અડાબિલ આંબલો રે [2]
કાંય હું રે [2] કોયલડીનો કંઠ રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો પરદેશી મણિયારો
– છેલ મુજો

લોકગીત

મેંદી તે વાવી માળવે ને

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.

અજ્ઞાત

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.