એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

– વિપિન પરીખ

પિતા જ્યારે હોતા નથી

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી
પ્રશ્ન ડોકાયા કરી છે :
‘આ પુત્ર મને સાચવશે ખરો ?’
પણ એ પ્રશ્ન શબ્દ બનીને
હોઠ ઉપર નથી આવતો.

આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં
પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં
સુધી,

આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ
સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા
હાથ
કાપી નાખવાનું મન થાય છે.

-વિપિન પરીખ

કારણ બાને હું બા કહી્ શકું છું.

કારણ બાને હું બા કહી્ શકું છું.

મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

–   વિપિન પરીખ

વૃક્ષ કદાચ એમ પણ કહે

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઈ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

– વિપિન પરીખ

આ સામાન્ય માણસ

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
ને વળી તાળી પણ પાડનારો
ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
બધું ભૂલી જનારો, ગળી જનારો
કચડાયેલો
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…

– વિપિન પરીખ