આંખના ને આભના બંને અલગ વરસાદ છે

આંખના ને આભના બંને અલગ વરસાદ છે
કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે?

શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું જડે
શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે!

સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો
મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે!

પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

– ભારતી રાણે