સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,

સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,
જીવો, સંતોએ કહ્યું તેમ, તો ઈશ્વર મળે.

ઝેર, સાપ, વાઘ; બધું થઈ જશે નકામું,
મગ્ન બનો મીરાંની જેમ, તો ઈશ્વર મળે.

કામ કરો, ચિંતા છોડો, રહો એના આધિન,
ભજો, નરસિંહ ભજ્યા એમ, તો ઈશ્વર મળે.

બચાવે હજાર હાથવાળો, ભરોસો તો રાખો!
પ્રહ્‍લાદની જેમ રાખો નેમ, તો ઈશ્વર મળે.

‘સાગર’ ધ્રુવ, બોડાણો, સૌ કોઈ પામ્યા,
રાધાની જેમ કરો પ્રેમ, તો ઈશ્વર મળે.

– ‘સાગર’ રામોલિયા

ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી,

ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી,
ટોચે બેઠેલા ભ્રષ્ટાચારની પ્રગટાવો હોળી.

વાસનાનો રાક્ષસ જાણે બરાબર જાગ્યો છે,
ગલી-ગલીના બળાત્કારની પ્રગટાવો હોળી.

બીજાને લૂંટવાની જાણે જામી છે હરિફાઈ,
મનમાં જામેલ કુવિચારની પ્રગટાવો હોળી.

બધે થાય નકલખોરી, માથે એમાં ભેળસેળ,
હય્દયના આવા ઝણકારની પ્રગટાવો હોળી.

‘સાગર’ અહીં મોતને સસ્તું બનાવી બેઠા છે,
મનમાં જાગતાં તિરસ્કારની પ્રગટાવો હોળી.

– ‘સાગર’ રામોલિયા

ચક્ષુમિલનનાં વાદળ છવાયાં,

ચક્ષુમિલનનાં વાદળ છવાયાં,
મનજગતમાં ગાજતાં સુણાયાં.

એકાએક વધી ગયું આકર્ષણ,
ત્વરિત ગતિએ નજીક ખેંચાયાં.

મોર મિલનના લાગ્યા ટહુકવા,
ચાતકકંઠે મીઠાં ગીત ગવાયાં.

વીજળી ચમકી દિલમેદાનમાં,
ઘરમાં સ્નેહના પ્રકાશ ફેલાયા.

થઈ ત્યાં ‘સાગર’ ત્યારે પ્રેમવર્ષા,
જ્યારે વિરહની આગમાં શેકાયાં.

– ‘સાગર’ રામોલિયા

દેશ તો પ્રજાસત્તાક છે!

કોઈ કરતાં રહે કામ,
ને કોઈ ભોગવે આરામ;
તોયે જગતમાં નાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

ગાંધીજીના આદર્શો રાખે,
ભ્રષ્ટાચારમાં દૂર નાખે,
છતાંયે નેતાની હાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

વાંક-ગુના પરના કરે,
બાકી નાણાં ઘરનાં કરે;
છતાં પૈસે પણ રાંક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

ગુંડાની પાંચશેરી મોટી,
નિર્દોષની છીનવે રોટી;
ઘણાનો બગડે પાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

ચૂંટણીના ચાકડા ચડે,
ઘણાય એમાં નીચે પડે;
મન મેલાં ધોળો પોશાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

– ‘સાગર’ રામોલિયા

એના પર અનેક મરે, ઈશારો ઈ એવો કરે,

એના પર અનેક મરે, ઈશારો ઈ એવો કરે,
જાણે આંખોથી ફૂલ ખરે, ઈશારો ઈ એવો કરે.

જો નીકળી જાય જલ્દીથી એનાથી કોઈ આગળ,
વારંવાર મોં પાછું ફરે, ઈશારો ઈ એવો કરે.

દૂર રહેવાનો પ્રયત્ન કર્યા કરે જે સતત,
મન તેના ઉપર ઠરે, ઈશારો ઈ એવો કરે.

ભૂલથી પણ તેની સામે નજર જો મળી જાય,
આનંદ આભમાં વિહરે, ઈશારો ઈ એવો કરે.

‘સાગર’ બધાંનાં મનમાં બનાવે પોતાની મૂર્તિ,
જાદુ ભરી છાપ ચીતરે, ઈશારો ઈ એવો કરે.

– ‘સાગર’ રામોલિયા

કરમ-બુંધિયાર બધે આડા નડે,

કરમ-બુંધિયાર બધે આડા નડે,
ભેંસને દોહવા જતાં પાડા નડે.

બાયલા પણ આગળ વધવા મથે,
રસ્તા ઉપર પડેલા ખાડા નડે.

દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,
ને સરકારી નિયમોના વાડા નડે.

દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,
ગુંડા પહેલવાનના અખાડા નડે.

‘સાગર’ને નીકળવું છે સારા કામે,
વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.

– ‘સાગર’ રામોલિયા

ઊગે સપનાંનાં ઝાડ તો મજા આવે!

ઊગે સપનાંનાં ઝાડ તો મજા આવે!
હવાની જાણું નાડ તો મજા આવે!

કરી લેવો છે પ્રેમ ને ડરી ભાગું,
રહે નહિ બીકણ હાડ તો મજા આવે!

લડાઈ જામે શબ્દ-શબ્દ વચ્ચેની,
પડાવી નાખું રાડ તો મજા આવે!

કરી શબ્દોની સાધના બનું ભૂવો,
કરું સૌમાં વળગાડ તો મજા આવે!

હવે ‘સાગર’ હું તો બનીશ લૂંટારો,
ગઝલ પર પાડું ધાડ તો મજા આવે!

– ‘સાગર’ રામોલિયા

કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,

કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,
આવું બધું દાદાગીરીએ કરેલ છે.

રંગ ન જવાની પ્રભુ ગેરેન્ટી આપે,
તોયે પાવડરથી ઘર ભરેલ છે.

ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો,
મૃત્યુની અહીં હરરાજી રાખેલ છે.

હવે હડકવાની રસી પણ મળે,
માનવડંખની દવા ક્યાં બનેલ છે.

‘સાગર’ અટવાયો એ વિટંબણામાં,
મારું આ મન આજ કેમ ભમેલ છે?

‘સાગર’ રામોલિયા

સખી તારી વાતડીમાં પતંગો ઊડે,

સખી તારી વાતડીમાં પતંગો ઊડે,
પતંગો ઊડે આભ-ધરતીને સાંધે,
સખી તારી…
ખાલી મનમાં નવો ઉમંગ ભરવા,
મીઠી મીઠી વાતોથી મનને હરવા,
લાગણીથી લાગણીના તંતુને બાંધે,
સખી તારી…
તલસાંકળી, મમરાના લાડુ લીધા,
ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં,
બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે,
સખી તારી…
સંપનો બાગ કેવો લાગે અનેરો,
સહકારના આયનામાં ખીલે ચહેરો,
પછી ઉકેલ મળી જાય વાંધે-વાંધે,
સખી તારી…

– ‘સાગર’ રામોલિયા

http://sagarramolia.wordpress.com/2011/01/14/%e0%aa%aa%e0%aa%a4%e0%aa%82%e0%aa%97%e0%ab%8b-%e0%aa%8a%e0%aa%a1%e0%ab%87-%e0%aa%b8%e0%aa%96%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/