આપણા માટે સમજદારી નથી-ચિનુ મોદી

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

સરસ વાત કરવાનો મોકો મળ્યો,

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ

સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?

સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

-ચિનુ મોદી

તું મને મળતી ખરી પણ મન વગર,

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી

મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી

નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી

તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી

હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

-ચીનુ મોદી

તું કહે છે કે હવે હું જાઉં છું,

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

-ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?

જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,

મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,

પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,

આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,

જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,

સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,

એક ઢેફું આ ધરાનું જોઈએ.

…..ચિનુ મોદી

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

-ચિનુ મોદી ‘ઈર્શાદ”

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,-ચિનુ મોદી

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

ચિનુ મોદી

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.

-ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

– ચિનુ મોદી ( ઇર્શાદ)

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

– ચિનુ મોદી

તું મને મળતી ખરી પણ મન વગર,

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

– ચિનુ મોદી “ઇર્શાદ”

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને- ચિનુમોદી

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને
સપનાંઓ તારા આવી ગયા નાહીધોઈ ને…

એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને…

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને..

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઈ શકું હું હોઈને..

“ઈર્શાદ” એવું કોઈ છે જેને તમે કહો :
તમને મળ્યા પછી ન મળાયું જ કોઈ ને …..

 ચિનુમોદી  ”ઈર્શાદ”

પાતળી પડતી હવામાં હું નથી હોતો

પાતળી   પડતી   હવામાં  હું  નથી   હોતો
શ્વાસ  અટકે   એ   જગામાં  હું નથી  હોતો.

એ  ખરું,   કે  જીવવું  ઈચ્છા  ઉપરવટ  છે
કૈંક    વર્ષોથી    કશામાં   હું   નથી   હોતો
.
રાતભર   વરસાદ  વરસે , ઓરડો   ગાજે;
આંખ  ઝરમરતાં,  મઝામાં  હું  નથી હોતો.

બે   ઘડી   માટે  થવું  છે  પર – સુગંધથી;
પુષ્પની   અંગત  વ્યથામાં  હું નથી  હોતો.

જીવન જેમ જ સાચવ્યા એકાંતના  સિક્કા;
ભીડથી  ભરચક  સભામાં હું નથીએ  હોતો.

– ચિનુ મોદી