ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

દયારામ

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો .. (૨)
પાયોજી મેં ને…

વસ્તુ અમૌલિક, દી મેરે સત્ ગુરુ .. (૨)
કિરપા કર, અપનાયો ..
પાયોજી મેં ને ..
કિરપા કર, અપનાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)

જનમ જનમ કી, પુંજી પાઈ .. (૨)
જગ મેં સભી ખોવાયો ..
પાયોજી મેં ને ..
જગ મેં, સભી ખોવાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)

ખર્ચે ન ખૂંટે, ચોર ન લૂંટે .. (૨)
દિન દિન બઢત, સવાયો ..
પાયોજી મેં ને ..
દિન દિન બઢત, સવાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો ..

સત્ કી નાઁવ, ખેવટીયાઁ સત્ ગુરુ .. (૨)
ભવ સાગર, તર આયો ..
પાયોજી મેં ને ..
બહવ સાગર, તર આયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)

મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર .. (૨)
હરખ, હરખ જશ ગયો .. (૨)
પાયોજી મેં ને ..
હરખ હરખ જશ ગયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …(૨)

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …

મીરાંબાઈ

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

– નરસિંહ મહેતા

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…

હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,

વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…

નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,

અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…

પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,

બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…

સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,

તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…

રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,

દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…

શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,

ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…

સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,

ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી…. સુખ દુઃખ મનમાં

નરસિંહ મહેતા

ભગવાને આપણને હંમેશ માટે…

ભગવાને આપણને હંમેશ માટે…

કંટક વિનાનાં ફૂલ નથી આપ્યાં,
વાદળ વિનાનું આકાશ નથી આપ્યું,
ઝંઝાવાત વિનાનો સમુદ્ર નથી આપ્યો,
ચક્રવાત વિનાની હવા નથી આપી,
દુ:ખ વિનાનું સુખ નથી આપ્યું,
યુદ્ધ વિનાની શાંતિ નથી આપી,
રોગ વિનાનો દેહ નથી આપ્યો –
પણ એણે આપણને આપી છે
દિનભર મહેનત કરવાની શક્તિ
થાકીને આરામ કરવા માટે ઊંઘ,
માર્ગ ઉજાળવા પ્રકાશ,
અથાક અવિરત પ્રયત્ન કરવાની ધીરજ,
કદિયે નાશ ન પામે તેવી આશા,
શ્રદ્ધા, કરુણા અને એ બધાથી સર્વોપરિ
તેનો અપાર પ્રેમ.

– સં. ભાર્ગવી દોશી

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

– અજ્ઞાત

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !
પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,
બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો,
સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો,
પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો ,..પ્રભુ …

થજો વેદોતણું ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો,
વળી તારા બનેલા વિપ્રનું જયાં ભાવપૂજન હો,
રહે વાતાવરણ પાવન અને મંગલ દિશાઓ હો, …પ્રભુ…

પ્રભુનાં પુષ્પ સમ નાનાં મલકતાં બાળ એમાં હો,
દીસે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું હો,
ખરે તારાં જ સંતાનો, વલણ પણ તુજ તરફનું હો, …પ્રભુ…

ગૃહિણી ઘર દિસે સાચી બધું સૂનું વિના એના,
બની પ્રિયવાદિની ભાર્યા , જીવન મુજ એ ભરી રહેજો,
નિહાળી એકબીજાને પરસ્પર સ્નેહવૃદ્ધિ હો, … પ્રભુ…

ધરે સીતાતણો  આદર્શ એ, મમ રામ દ્રષ્ટિમાં,
પરસ્પરને સુખી  કરવા, રહે એ ખ્યાલ  સૃષ્ટિમાં,
મધુરતા નાચતી વદને રહો, વાયુ સુગંધી હો, … પ્રભુ…

ખરાં મિત્રો અને સંતો ઘરે મુજ આવતા રહેજો,
અને  સચ્ચાઇની લક્ષ્મી સદા ભવને વદી રહેજો,
પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો, … પ્રભુ…

તને ગમતાં અને તારાં જ કામોમાં મતિ રહેજો,
વધે શક્તિ છતાં ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,
રહું બહું દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો, …પ્રભુ…

– હરિભાઈ કોઠારી

પૈસો…….પૈસો……………સહુને વ્હાલો પૈસો……

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,- પ્રિતમદાસ

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને. 

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

  – પ્રિતમદાસ

પ્રભુજીને પડદામાં રાખ મા-ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
                  ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
                  ભળી જાશે એ તો ખાખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
                  થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
                  નથી રે ગુમાન એની આંખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
                  છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
                  ખોટા હીરાને ખેંચી રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

         – ઇન્દુલાલ ગાંધી

મંગલ મંદિર ખોલો, દયામય !

મંગલ  મંદિર  ખોલો, દયામય !
મંગલ  મંદિર  ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર  ઊભો  શિશુ  ભોળો ;
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
શિશુને  ઉરમાં  લો,  લો, દયામય !

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ – અમીરસ  ઢોળો, દયામય !

મંગલ મંદિર ખોલો !

 – નરસિંહરાવ દિવેટિયા

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન …
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન …
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો  ! મારું જીવન …
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો  ! મારું જીવન …

  – કરસનદાસ માણેક

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,-ન્હાનાલાલ કવિ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

    – ન્હાનાલાલ કવિ 

આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,

આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું…

તુંબડું મારું પડ્યું નકામું, કોઇ જુએ નહીં એના સામું (2)
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

એકતારો મારો ગૂંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું (2)
ગીતની રેલાશે એક અખંડિત ધાર, તેમાં થઇ મસ્ત હું રાચું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

 – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ-પુનિત

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

unknown

સમજણ જીવન માથી જાઈ જો,

સમજણ જીવન માથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

સમજણ જીવન માથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

સમજણ જીવન માથી જાઈ જો,

પિતાજીના વચન ખાતર, રામજી વનમા જાઈ,(૨)

આજનો રામલો વૃધ્ધાશ્રમમા(૨),એના બાપને મેલવા જાઈ,

સમજણ જીવન માથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

એ ચેલો હતો ઓલો આરુણી,એની યાદે ઉર ઉભરાય,(૨)

આજનો ચેલ્કો માસ્તર સાહેબને શિવાજી બિડિયુ પાઈ,(૨)

સમજણ જીવન માથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

ચૌદ વરસનુ એને રાજ મલ્યુ , તોયે ભરતના ભુલાઈ ,(૨)

પાંચ વરસનો પ્રધાન ભૈ,(૨) આજે કોઈથી જાલ્યોએ ના જલાય,

સમજણ જીવન માથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

મંદિરીયામા બેઠા બેઠા, પ્રભુજીએ મુંજાઈ ,(૨)

ભાવ વિનાના ભક્તો આવે ભાઈ,(૨)અને દશીયુ ફેંકતા જાઈ,

સમજણ જીવન માંથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

ધર્મની જો કિંમત કેવળ , નાણાથી અંકાઈ, (૨)

મોટી મોટી(૨),થાઈએક થાઈ એમા ફાળો ફરતો જાઈ,

સમજણ જીવન માથી જાઈ જો,

જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ,

કવિશ્રી -નામ અજાણ છે

હરિ વસે છે હરિના જનમાં,

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ..

મીરાંબાઈ      

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…

ગેમલ

હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,

હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,
મારા ભોજનીયા જમવાને વહેલી આવજે…
મહાકાળી, તું પાવાવાળી…

ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી !
બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી !
બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી…
મહાકાળી, તું પાવાવાળી…

કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી !
દાળભાત શાક રસ રોટલી બનાવી, માતાજી ઓ માતાજી !
ચટણી પાપડ… ચટણી પાપડ લીંબુ અથાણા- જે જોઈએ તે લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

પકવાન પુરી ને દહીંતરા શ્રીખંડ છે, માતાજી ઓ માતાજી !
પાતરા કચોરીને ભજીયા ગરમ છે, માતાજી ઓ માતાજી !
દહીંને ભાંગી… દહીંને ભાંગી છાશ બનાવી ફડકો મારી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

ચોસઠ પાનનાં બીડલાં બનાવ્યાં, માતાજી ઓ માતાજી !
લવિંગ સોપારી ને એલચી મંગાવ્યાં, માતાજી ઓ માતાજી !
અત્તર ખુશ્બુ… અત્તર ખુશ્બુ તેલ સુગંધી રૂમાલ માંગી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

દાસ દલપત તારો થાળ ધરાવે, માતાજી ઓ માતાજી !
દાસ દલપત તારો થાળ ગવડાવે, માતાજી ઓ માતાજી !
ભાવે જમજો… ભાવે જમજો ગરબે રમજો ભૂલની માફી દેજો…
મહાકાળી, તું પાવાવાળી…

-દલપત પઢિયાર

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

– નરસિંહ મહેતા

તેં પથ્થર પસંદ કેમ કર્યો?

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

રંગાઇ જાને રંગમાં…..

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

લોકગીત

એક જ દે ચિનગારી, મહાનલ !

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

– હરિહર ભટ્ટ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

– અવિનાશ વ્યાસ

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા
આજ સુધી તુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો… હો…. તુ… હુ…
(થઈ ગયા રાધે શામ…)-(2)

હે…. સાચુ પડ્યુ જાણે સમણુ મારુ
થઈ ગયુ મારુ કામ
(થઈ ગયા રાધે શામ…)-(2)

હો….ઓ…..
મીરા થઈ ને નાચુ,
પુર્તિ થઈને વાંચુ,
શમણામાં તુજને ભાળીને
શમણામાં હુ રાચુ..

હે… મનથી મનમે જોડી દીધુ માણીગરનુ નામ..
(થઈ ગયા રાધે શામ…)-(2)

હો….ઓ…..
તારી ચુદડી ઓઢીશ માથે..
તારો ચુડલો પહેરીશ હાથે..
ભાલ કંકુની ટીલડી કરી જનમો જનમ સાથે..

હે… તુ વનરાવન, તુ છે મથુરા, તુ ગોકુળિયુ ગામ..
(થઈ ગયા રાધે શામ…)-(2)

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા..
આજ સુધી હુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો… હો…. હુ તુ
(થઈ ગયા રાધે શામ…)-(2)
લોકગીત           

માતા વિના સૂનો સંસાર

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતાં માત?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?
જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી,
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.
સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.
લવણ વિના જેમ ફિકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજન,
કીકી વિના જેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન,
ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.

મહાકવિ શ્રી પ્રેમાનંદ

છુપાવી વેદના

છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે

નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

અજ્ઞાત.

ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?

ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?
યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ?

ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા?
સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ. ૧

ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે;
દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ. ૨

“તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને;
મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ. ૩

મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા;
જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ ૪

દુલા ભાયા કાગ

હરિ, કેટલી વાર ?

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બહાર…

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર… હરિ o

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર… હરિ o

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર… હરિ o

મુકેશ જોષી

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.
ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી.

જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં,
અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી.

જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં,
આપજે તું શાંતિમય નિધન મને છેલ્લી ઘડી.

મરણશૈયા પર પડી મીંચાય છેલ્લી આંખ જ્યાં,
આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી.

અજ્ઞાત,

ખમ્મા, મારા નંદજીના લાલ,-નરસિંહ મહેતા

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

પાયોજી મેને રામ-રતન ધન પાયો

પાયોજી મેને રામ-રતન ધન પાયો

વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો … પાયોજી મેને

જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો … પાયોજી મેને

ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો … પાયોજી મેને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો … પાયોજી મેને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને

– મીરાં બાઇ (

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

 – નરસિંહ મહેતા (

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ.                     ઘડપણ  ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ.                    ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ.                 ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ.       ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ?                ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ.         ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ.                     ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર.                   ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ.                 ઘડપણ.

-નરસિંહ મહેતા

સુવિચાર-બરાબર સમજી રાખો :

બરાબર સમજી રાખો :

અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી,
પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન,
અને સાચી ભુખ વિનાનું ભોજન,
… આ ત્રણેય ભલે થોડો આનંદ આપે………………..

પણ સરવાળે તે હાનિકર્તા છે

પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?

પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?
હાજી નાનપણાની પેર, મને કેમ વીસરે રે ?
આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?

આપણે સૂતા એક સાથ રે, તને સાંભરે રે ?
સુખદુ:ખથી કરતા વાત, મને કેમ વીસરે રે ?

પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી કરતા વેદની ધુન્ય, મને કેમ વીસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા, તને સાંભરે રે ?
હાજી જાચવા કોઈક મુન્ય, મને કેમ વીસરે રે ?

કામ દીધું ગોરાણીએ, તને સાંભરે રે ?
કહ્યું લેઈ આવોને કાષ્ઠ, મને કેમ વીસરે રે ?

શરીર આપણાં ઊકળ્યાં, તને સાંભરે રે ?
હાજી માથે તપ્યો અરીષ્ઠ, મને કેમ વીસરે રે ?

સ્કંધે કહોવાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે રે ?

આપણે વાદ્વ વદ્યા ત્રણે બાંધવા, તને સાંભરે રે ?
હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?

શીતળ વાયુ વાયો ઘણો, તને સાંભરે રે ?
ટાઢે થરથર ધ્રુજે દેહ, મને કેમ વીસરે રે ?

નદીએ પૂર આવ્યું ઘણું, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુશળાધાર, મને કેમ વીસરે રે ?

એકે દિશા સુઝી નહીં, તને સાંભરે રે ?
થયા વીજ તણા ચમકાર, મને કેમ વીસરે રે ?

ગુરુજી ખોળવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને કીધો તેં કેર, મને કેમ વીસરે રે ?

આપણને હૃદયાંશુ ચાંપિયા, તને સાંભરે રે ?
પછી તેડીને લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?

ગોરાણી ગૌ દોતાં હતાં, તને સાંભરે રે ?
હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વીસરે રે ?

મેં નિશાળેથી કર વધારિયો, તને સાંભરે રે ?
હાજી દીધી દોણી તતખેવ, મને કેમ વીસરે રે ?

જ્ઞાન થયું ગુરુપત્નીને, તને સાંભરે રે ?
તમને જાણ્યા જગદાધાર, મને કેમ વીસરે રે ?

ગુરુદક્ષિણામાં માંગિયું, તને સાંભરે રે ?
હાજી મૃત્યુ પામ્યો જે કુમાર, મને કેમ વીસરે રે ?

મેં સાગરમાં ઝંપલાવ્યું, તને સાંભરે રે ?
તમો શોધ્યાં સપ્ત પાતાળ, મને કેમ વીસરે રે ?

હું પંચાનન શંખ લાવિયો, તને સાંભરે રે ?
હાજી દૈત્યનો આણ્યો કાળ, મને કેમ વીસરે રે ?

સંયમની પુરી હું ગયાં, તને સાંભરે રે ?
પછી આવી મળ્યો જમરાય, મને કેમ વીસરે રે ?

પુત્ર ગોરાણીને આપિયો, તને સાંભરે રે ?
હાજી પછે થયા વિદાય, મને કેમ વીસરે રે ?

આપણે તે દિનથી જુદા પડ્યા, તને સાંભરે રે ?
હાજી ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?

હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?
મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે ?

— પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક ) —

માગું હું તે આપ, પ્રભુજી !

માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ
જે મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું

ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

કોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?

કોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.

ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.

આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.

મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.

છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.

રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.

આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.

આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.

એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.

ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની

એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.

મનહર દિલદાર

ગુજરાતીમાં આ બ્લોગ પોસ્ટ શેફાલીબેને મૂકી હતી
http://gujaratikavitaanegazal.ning.com/group/comehearthisisgujrat

મતભેદ

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યા મૃગજળ નથી’.

સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી.’

સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી.’

સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી.’

‘શિલ્પીન’ થાનકી

gujarati mathi

પ્રતિકાવ્ય -જયકાંત જાની (USA)

પરદેશની પારાવાર પરેશાની પ્રેથી તે સ્હેજે,
મળ્યુ જે વાસી ઠ્ંડુ ભાણામા ગરમ્ ગણી લેજે.

સ્પોન્સરર્ની કડવી વાણી વિષે જો દુઃખ લાગે તો,
જરાયે અંતરે ડોલરીયો આનંદ ના ઓછો થવા દેજે.

પરદેશ માંહી દુખોનો નથી હિસાબ કોઇને,
દુખીશ્યામબા બાપુ બનીને તું વહોરી ના પીડા લેજે.

વિદેશી વાયરા ના વ્ંટોળે ખરો પ્રેમ નહીં ભાસે,
ન કાળી કે રૂપાળી મેનકાઓ ની જરાયે સંગતે રહેજે.

રહેજે આઘાત આચકા સદાય ઉભડક ચિત્તે,
દિલ ના જે દુઃખ દર્દ કે પીડા કોઈને નહીં કહેજે.

છુપાયો છે છુપો અજ્ંપો હ્રદય માં તેને તજી દેજે,
વરસી જાયે ડોલરની વાદળી મહાલક્ષ્મી ગણી લેજે.

રહે શરીર નરવુ ખરું એ સુખ માની લે,
પિયે તો ગુરૂજીની ઠ્ંડાઇ નો પ્યાલો ભરી પીજે.

મીઠીવાણી સુણે જો કોઈની, સુગર કોટેડ ગણજે,
પરાઈ સેવા કાજે હોશે ના કાર તું લેજે.

અરે ભાગ્ય તો ઘેલું, ભોગવે એ ભાગ્ય શાળી છે,
નિરાતે પછી ભોગવ શુ એવા વિશ્ર્વાસે કદી રહેજે.

સ્ંતોષી નર સદા સુખી એ વિઘાન અહી ખોટુ છે,
પરદેશની બાજીગરીનાં તું બધાં છળ કપટ શીખી લેજે.

વર્ક ઇઝ વર્શિપ મ્ંત્ર ગોખી, ડોલરની ક્ંઠી તું,
તારા ગળેલા ગળામા બાંઘી લેજે.
ઓબામા પ્રેસીડન્ટ થયો શી છે પછી પીડા તને કાંઈ?
નત મસ્તકે હંમેશા આર્થિક આંચકા હસતા સહી લેજે

-જયકાંત જાની (USA)

gujarati mathi

ના જડ્યું

ના જડ્યું

આભ જેવું ઊંચેરું કોઈ ના મળ્યું

મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું

પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું

હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું

વૃક્ષ જેવા દાતા કોઈ ના મળ્યા

પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું

જળ જેવું ઝીલનારું કોઈ ના મળ્યું

માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું

પવન જેવું પાતળું કોઈ ના મળ્યું

પ્રેમ જેવું સુંવાળું કોઈ ના જડ્યું

કૂંપળો જેવું નાજુક કોઈ ના મળ્યું

દરિયા જેવું દિલદાર કોઈ ના જડ્યું

જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો

સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું

રમેશ પટેલ(આકાશદીપ)

સ્ંકલીત જ્ઞાન બોઘ – જેકસન બ્રાઉન

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો –

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.

* પત્તા રમીને સમય વેડફો નહીં.

* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

* દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.

* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.

* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.

* વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

* ગાડી સસ્તી જ વાપરવી.

* ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.

* મત તો આપવો જ.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો Tags:

ગુજરાતી સ્ંકલન- jaykant jani

ખાલી ખાલી જનમવાનુ ને ખાલી ખાલી મરવાનુ

ખાલી ખાલી જનમવાનુ
ને ખાલી ખાલી મરવાનુ
સારા ન્રરસા કરમ કરીને
ભવનુ ભાતુ ભરવાનુ
ખાલી ખાલી ભણવાનુ
ને ખાલી ખાલી રળવાનુ
જીવતર જેવુ જીવતર ભુલી
ને પૈસા પાછળ દોડવાનુ

ખાલી ખાલી પૈણવાનુ
ને ખાલી ખાલી જણવાનુ
કુવારાપણા ની સ્વતત્રા ગુમાવીને
પરતત્ર થૈ ને જીવવાનુ

ખાલી ખાલી હસવાનુ
ને ખાલી ખાલી રડવાનુ
વગર વાંકે વગર ગુનાએ
આપણે શુળીએ ચડવાનુ

ખાલી ખાલી જીવવાનુ
ને ખાલી ખાલી મરવાનુ
લખચોરાસી ફેરે પાછુ
જીવ ને ખોળીયુ ઘરવાનુ

ખાલી ખાલી હરિ ને ભજવાનુ
ને ખાલી ખાલી કગરવાનુ
એના શ્વાસે જીવવાનુ
શ્વાસ ખુટે ત્યારે મરવાનુ

-જયકાંત જાની (USA)

પંચ તત્વની જેલ

તાપણી કરીને બાળ્યા મેઁ તો ધરમ કરમના મેલ
જીવનના એકેએક દિવસે મેઁ જોયા જુદા ખેલ
જતન કરી ખુબ લાડ લડાવી માલીસ કરાવી તેલ
પઁચ તત્વની કાયા મારી જાળવી રાખી મેઁ જેલ
આતમ કેદી ઉડી જાશે એક’દિ ખાલી પડશે જેલ
માટીના મોર માટીમાં જાશે રડશે કોઈ નાની ઢેલ
વિદાય દેશે એક દિન સૌએ શણગારીને વેલ
જીવન પળમાં સરકી જાશે જેમ નદીની રેત
આશા તૃષ્ણા મહેચ્છા કેરા કંઈક ચણાવ્યા મહેલ
હૈયે હિઁમત રદયે રામ મારી સો જોજનની સહેલ

-ડો દિનેશ ઓ. શાહ

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

માતા – પિતા – સંતાન

માતા* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા ઝુલાવી અનંત આનંદ આપવાની ઉત્તંગ ભાવના જેમાં છે તે માતા.
* સુખદુઃખ શરીરને છો પડે પણ પોતાના સંતાનને તેનો પડછાયો ના પડવા દે તે માતા.
* સવાર પડતા પહેલા જરુરી બધીજ વસ્તુઓ બાળકના વિકાસ માટે તૈયારરાખે તે માતા.
* પૃથ્વી પરના તારા અવતરણને માનઅનેસન્માન મળે તેનો હંમેશા વિચાર કરેતે માતા.
* અજ્ઞાનતામાં રહી તે કરેલ કોઇપણ અપરાધને માફ કરી સમજાવે તે માતા.
* તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
* તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
હેત વરસાવે તે માતા.
પિતા* સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
* સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
* મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
* જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
* જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
* પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
* પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
* પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
* સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.
સંતાન.
* પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો એ સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
* માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
રાખવું.
* માતાએ માતા છે અને પિતાએ પિતા છે તે બંન્ને સંતાન માટે જન્મદાતા છે.
* માતાનો પ્રેમ એ સંતાનના જીવનના સોપાનનું પ્રથમ પગથીયું છે.
* પિતાનો પ્રેમ એ સંતાનના ઉજ્વળ જીવનનો પાયો મજબુત કરે છે.
* માતાપિતાનો ઉપકાર એ ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
* માતાપિતાનો પ્રેમ એ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
* માતાપિતા એ સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી

અજ્ઞાત

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી