ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

અળગી રહી કઈક સળગી રહી

અળગી રહી કઈક સળગી રહી
પણ ઝીંદગી મને વળગી રહી

સુકી ધરતી પર મહોરતી રહી
ઝીંદગી મારી ધીરી કોરતી રહી

સ્થિર હવા થોડી વિસ્તરતી રહી
ઝીંદગી મારી જરી પમરતી રહી

ખુશી જીવન માં ફરી ભળતી રહી
ઝીંદગી અશ્રુઓ ને સંઘરતી રહી

ઉગી ખરી અને આથમતી રહી
ઝીંદગી અવતાર રૂપે મળતી રહી
 

-કુશ

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

– વિપિન પરીખ

માં નું ઉધાર

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. … …

તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.

તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. …

પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.

દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે.

-સાજીદ સૈયદ

તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

વેલફેર ના નામે ફેરવેલ કરનારા

વેલફેર ના નામે ફેરવેલ કરનારા
પાખંડીઓ ક્યાં ઓછા છે બજારમાં

નિશાચર કહો કે રક્ત ચુસણા
નરાધમો ક્યાં ઓછા છે જાહેર માં

સેવા ના નામે ચરી ખાનારાઓ
NGO ક્યાં ઓછા છે સરકાર માં

વાયદાઓ ઠેકી ઠેકી ને ભરપેટ આપે
નેતાઓ આવા ક્યાં ઓછા છે ચુંટણી માં

લોકશાહી દેશ ના નામ નો ક્રૂર મજાક
આવો બસ એક ભારત દેશ છે, દુનિયામાં
 

-કુશ

એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી

એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી
સાંજ કેવી જોને શરમાય છે ‘ને તું નથી
ધુમ્રશેરોમાં ફોરમતા તારી યાદના વલયો
‘ને શ્વાસ મહીં કંઈ ધરબાય છે ‘ને તું નથી
ક્ષિતિજ ને તો શું ફરક પડવાનો એમ તો
અંધારા રાતા અકળાય છે ‘ને તું નથી
આમ એટલો સારાંશ નીકળે આ દ્વિધા નો
‘કિરણ’ તું હોય ને વિટળાય છે ‘ને તું નથી
ચલ ઓ મન આ ભેદ ભરમ છોડી દે હવે
આ ચેહરો,આ સાંજ કરમાય છે ‘ને તું નથી
દેવાનંદ જાદવ “કિરણ”

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

લોકગીત

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ- – મુકુલ ચોક્સી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…

હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,

વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…

નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,

અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…

પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,

બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…

સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,

તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…

રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,

દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…

શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,

ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…

સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,

ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી…. સુખ દુઃખ મનમાં…

-નરસિંહ મહેતા

પિતા જ્યારે હોતા નથી

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી
પ્રશ્ન ડોકાયા કરી છે :
‘આ પુત્ર મને સાચવશે ખરો ?’
પણ એ પ્રશ્ન શબ્દ બનીને
હોઠ ઉપર નથી આવતો.

આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં
પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં
સુધી,

આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ
સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા
હાથ
કાપી નાખવાનું મન થાય છે.

-વિપિન પરીખ

સુવિચાર

* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !

* મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.

* વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.

* દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.

* વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.

* સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.

*માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!

*આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…

*જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.

*આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!

* તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’           

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

– અજ્ઞાત

બૉસ, આ અમદાવાદ છે!

અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!
અહી મજ્જાની લાઈફ છે.
ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.
અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે
કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.
અહીં ટ્રાફિક હેવી છે
દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.
અહીં કચરાની વાસ છે
કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.
અહીં ચામાં કટીંગ છે
પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.
કવિ – અધીર અમદાવાદી

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર

મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર

રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર
વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર

આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર

તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર

તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર

-સાંઈરામ દવે

સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સફળતાનો પીનકોડ ગુજરાતી ,
સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .

કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,
એકડાનો કરે બગડો ગુજરાતી .

નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,
સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .

લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,
વખત પડે ત્યાં ખડો ગુજરાતી .

દુશ્મનને પડે ભારે ગુજરાતી ,
ડૂબતાને બેશક તારે ગુજરાતી .

એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,
ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .

દેશમાં ABC ની હવા ગુજરાતી ,
પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .

પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,
કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .

ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,
પાનની સાયબા પિચકારી ગુજરાતી .

એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,
હર કદમ પર વેલકમ ગુજરાતી .

મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,
છેલ્લે અપનું વાળું ગુજરાતી .

ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,
ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .

– અજ્ઞાત

આંખના ને આભના બંને અલગ વરસાદ છે

આંખના ને આભના બંને અલગ વરસાદ છે
કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે?

શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું જડે
શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે!

સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો
મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે!

પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

– ભારતી રાણે

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,—(2)
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,—(2)
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો ભેદી રીતે મને માફ ના કરો,—(2)
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.

મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,—(2)
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.

પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,—(2)
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ

-મરીજ

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ, મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસે;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકું ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કોળી ઊઠે;
હું પાંદ પાંદ વિખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્ર્વાસનો પાંખાળા અશ્ર્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યા;
હું જેટ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈ કાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

-ભગવતી કુમાર શર્મા 

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,- પ્રિતમદાસ

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને. 

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

  – પ્રિતમદાસ

પ્રભુજીને પડદામાં રાખ મા-ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
                  ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
                  ભળી જાશે એ તો ખાખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
                  થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
                  નથી રે ગુમાન એની આંખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
                  છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
                  ખોટા હીરાને ખેંચી રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

         – ઇન્દુલાલ ગાંધી

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો- મોર, તું તો..

ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

– દાસી જીવણ

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,-ન્હાનાલાલ કવિ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

    – ન્હાનાલાલ કવિ 

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં

દિવાળીની શુભ કામનાઓ…!!

આવી દિવાળી સૌને પ્યારી,
દીપક તણી રાતો ન્યારી,

મન સંબંધમાં નાતો લાવે,
નાના મોટા સૌને મિલાવે,

આકાશે ઝબુકતી રોશની,
ફટાકડાની મોસમ લાવી,

ઝગમગ કરતુ તારામંડર,
ને ધડામ ફૂટતો સુતળી બોમ્બ,

ચકરડીનો જુઓ કમાલ,
જમીન પર ફરતું બ્રહ્માંડ,

કોઠી જો ને તણખા ઝરે ને,
સાપ કરે કાળો ધુમાડો,

સૌ લેતા આનંદ ન્યારો,
ને બાળક થતો મોજ મજાનો…!!!!

દિવાળીની શુભ કામનાઓ…!!
પ્રેમતણું આ પર્વ આપ સૌને જીવનમાં સુખ અને શાંતિનો સાગર છલકાવે..

તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ

મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, તેના વગર પણ જીવી
શક્તો નથી. – એન્ટોન ચેખોવ (ધ ચેરી ઓર્ચાર્ડ )

એ લોકો કોણ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ? ફક્ત એ જેમને આપણે નફરત નથી કરતા – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા)

વિશ્વને પૂરેપૂરું સમજવા માટે, કાં તો મહાન વિચારકો તેને સમજાવે છે અથવા તો તેને ઉપેક્ષા કરે છે, પરંતુ હું ફક્ત વિશ્વને પ્રેમ કરી શકું તે જ
ઈચ્છું છું, તેની ઉપેક્ષા નહીં કરું, કારણકે હું ઇચ્છું છું કે વિશ્વ મને
પણ આદરથી, સન્માનથી, પ્રેમથી યાદ કરે. – હર્મન હસ્સી ( સિધ્ધાર્થ )

સરખામણી કરવા માટે તેનાથી વધારે કડવાશ કોઈ હોઈ ન શકે

જે એ બે જણાની વચ્ચે છે, જેમણે ક્યારેક પ્રેમ કર્યો હતો. – યુરીપીડ્સ ( મેડેયા )

સાચો પ્રેમ શું છે? એ એક આંધળુ સમર્પણ છે, પ્રશ્ન ન કરી શકાય તેવું જાણે પોતાનું જ નીચું દેખાડવું, પૂરેપૂરો ત્યાગ,આખા વિશ્વ સામે, તમારા
પોતાની સામે શ્રધ્ધા અને વિશ્વાસ, તમારું હૈયુ અને આત્મા એક લાકડાને આપી
દેવાની હિંમત એટલે પ્રેમ – ચાર્લ્સ ડિકન્સ ( ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ )

પ્રેમ એટલે મીઠા મૃદુ ચુંબન માંથી ગૂંજેલો મીઠો – મૃદુ ચિત્કાર – અનામ

ક્યારેક આપણી પ્રિય વ્યક્તિ પાસે નથી હોતી ત્યારે આખી દુનિયા કેવી ખાલીખમ લાગે છે? – ઈશિતા

રૂમાલ આંસુ લૂછે છે, પણ ખરો પ્રેમ એ આંસુનું કારણ ભૂંસે છે.

પ્રેમ કરવા જોઈએ ઉત્કૃષ્ટ કલાકારની કલા અને નિભાવવા સંતની સાધના

અપરિપક્વ પ્રેમ કહે છે “હું તને પ્રેમ કરું છું કારણકે મને તારી જરૂર છે” જ્યારે પરીપક્વ પ્રેમ કહે છે “મને તારી જરૂર છે કારણકે હું તને પ્રેમ
કરું છું.” – ઈરીક ફ્રોમ (ધ આર્ટ ઓફ લવીંગ)

પ્રેમ એ દુઃખોથી ભરેલી એવી બીમારી છે જેમાં કોઈ પણ દવા કામ કરતી નથી, એવો છોડ જે રણમાં રેતીને ચીરીને ઉગે છે. – સેમ્યુઅલ ડેનીયલ

જ્યાં પ્રેમથી ભરેલા બે હૈયા એક બીજા સાથે જોડાઈ રહ્યા હોય ત્યાં જગત પાસે આપવાનું કાંઈ હોતું નથી. – અન્ના લેટ્ટીયા બાર્બુલ્ડ (ડેલીયા)

આવ, મારી સાથે રહે, મારો પ્રેમ તું જ છે, સોનાવર્ણી રેતી, સુંદર શ્વેત શંખ અને તેમાં જાણે અફાટ જીવન, તું જ છે – જ્હોન ડોન ( ધ બેઈટ)

ધર્મ અને ધર્માચાર્યોએ પ્રેમની ખૂબ મોટી સેવા કરી છે, તેને પાપ ગણાવીને – એન્ટોન ફ્રાન્સ ( ધ ગાર્ડન ઓફ એપીક્રસ )

પ્રેમ અને ખાંસી રોક્યા રોકાતા નથી – જ્યોર્જ હેર્બર્ટ ( જેકુલા પ્રૂડેન્ટમ )

અંતમાં તમે જેટલો આપો છો તેટલો જ પ્રેમ મેળવો છો. – બીટલ્સ (ધ એન્ડ)

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ
શેક્સપીયર (હેમલેટ)

પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ)

પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે.– ચાર્લ્સ ડિકન્સ
(નિકોલસ નિકલાય)

મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન,

બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા)

પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો)

ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ)

ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ )

નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ)

પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે.

પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે.

પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે,

બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ)

પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને આપણે જેને સામાન્ય જીવન કહીએ છીએ તેવું સહજ આદતો સાથેનું
જીવન જીવી જાય, આ બે છેડા વચ્ચે ભાગ્યેજ કોઈ જીવન હોય છે. – આલ્બર્ટ કેમ્સ
(ધ પ્લેગ)

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

unknown

રજકણ સૂરજ થવાને સમણે, – હરીન્દ્ર દવે

રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઇ ઢળી પડે આથમણે.

જળને તપ્ત
નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન
વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને
જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી
ચ્હાય;

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

કોઇ પાસેથી ગયાનું યાદ છે

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

અહમદ ગુલ           

છેલછબીલે છાંટી મુજને

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી

પ્રિયકાંત મણીયાર

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

જોક્સ

એક વાર એક માણસ મકાન શોધતો હતો ત્યારે તેને અલ્લાદીનનો ચિરાગ મળ્યો.
અને તેણે ચિરાગમાથી જીન બહાર આવ્યો. અને એ માણસ કીધું હે અલ્લાદીનના ચિરાગ મને એક મકાન શોધી આપ. ત્યારે અલ્લાદીનનો ચિરાગ બોલ્યો ભાઇ હું મકાન શોધી શકતો હોત તો આ ચિરાગ મા ના રહું.

પત્ની: અરે, સાંભળો છો? તમારો મિત્ર એક ગાંડી યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે. તમે એને રોકતા કેમ નથી? પતિ: હું શા માટે રોકું? એ મને રોકવા આવ્યો હતો?

પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !

સંતા અને બંતા ઘણા રંગીન મૂડમાં વાતો કરતા કરતા હોટલથી બહાર નીકળ્યા. અચાનક સામે બે સ્ત્રીઓને આવતી જોઈ તેઓ થંભી ગયા.
સંતાએ સંતાવાની કોશિશ કરીને ગભરાતાં-ગભરાતાં કહ્યુ – હે ભગવાન મારી પત્ની અને પ્રેમિકા એક સાથે આવી રહી છે.
બંતા બોલ્યો – મજાક ન કર, એ તો મારી પત્ની અને મારી પ્રેમિકા છે.

પત્ની સાથે ઝઘડો થતા પતિએ પત્નીને ગુસ્સામાં કહી દીધું કે ‘બસ હવે તો હું 10મા માળેથી આપઘાત કરવા જાઉં છું.’
બિચારી પત્ની તો અવાક્ જ થઈ ગઈ. પછી તેને યાદ આવ્યું કે તેમનું મકાન તો ફક્ત બે માળનું જ હતું. તો પતિએ રોફભેર કહ્યું, ‘તો શું છે ? હું પાંચ વાર ઠેકડો મારીશ.’

પત્ની : ‘લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે તારા માટે ચાંદ લઈ આવું, તારા તોડી લાવું !’
પતિ : ‘એ તો હું હજી કહું છું !’
પત્ની : ‘તો, આજે જરા શાક લઈ આવો ને ?’
પતિ : ‘એવું મેં ક્યાં કહ્યું હતું ?’

છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, ‘આ શું બોલ બોલ કરો છો તમે ? ‘મારું ઘર’, ‘મારી કાર’, ‘મારા બાળકો’ એમ કહેવા કરતાં તમે ‘આપણું’ શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?’
છોટુ : ‘આપણું પાટલૂન શોધું છું.’

ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
‘કાં, કેમ છે ધંધાપાણી ?’
‘ઠીકઠીક છે, ભલા.’
‘તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?’
‘હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !’
‘ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.’

લાલી : પપ્પા-, મારુ હોમવર્ક કરી આપો.
પપ્પા- : ના, અત્યાહરે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી.
લાલી : લાવો, હું તમારું માથુ ખંજવાળું તમે મારું હોમવર્ક કરી આપો.

હવાલદાર : ‘સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.’
ઈન્સ્પેક્ટર : ‘એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !’

જ્યોતિષે ટ્રક ડ્રાઈવરને કહ્યુ – એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે, સાવધાન રહેજો.
ટ્રક ડ્રાઈવર બોલ્યો – મારે સાવધાન રહેવાની શુ જરૂરર સાવધાન તો એને રહેવાનુ છે.

એક સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ મારી : ‘એ લારીવાળા, રૂપિયાનાં ગરમાગરમ ભજીયાં આલજે, ને મરચાંનો સંભાર ને આંબલીની ચટણી મહીં સારી પેઠે નાખજે – અને અલ્યા, બધું આજના છાપામાં વીંટીને લાવજે !!
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
ટ્વિન્કલ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
ટ્વિન્કલ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
ટ્વિન્કલ : ‘Banana સર !’

એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીન પી રહ્યો હતો, એટલામાં સંતાએ આવીને કહ્યુ – અરે, તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.
બંતા બોલ્યો – અરે, તે સાંભળ્યુ નથી કે દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ?
સંતા બોલ્યો – પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.

ભાડુઆત (મકાનમાલિકને): ‘કાલે આખી રાત વરસાદ પડ્યો. છતમાંથી ખાસ્સું પાણી ટપકતું હતું. હું તો આખો નાહી ગયો ! હવે આ માટે આપ શું કરશો ?’
મકાનમાલિક : ‘આજે પણ વરસાદ છે. હું તમારા માટે સાબુ અને ટુવાલ લઈને આવું છું.’

મહિલા(બહેનપણીને) – તે તારા માટે લાંબો પતિ કેમ પસંદ કર્યો ?
બહેનપણી – કારણકે જ્યારે હું વાત કરું તો માથું ઉચકીને કરું અને એ વાત કરે તો માથુ નમાવીને.

ઑફિસર : ‘તારા હાથમાં આ શેનો કાગળ છે ?’
પટાવાળો : ‘સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.’
ઑફિસર : ‘પણ તું ટૂર પર તો ગયો નથી.’
પટાવાળો : ‘આપે તો, સાહેબ ! ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા કૂતરાને શોધવા મને જંગલમાં મોકલ્યો હતો, એટલામાં ભૂલી ગયા ?’

એક સરદાર ને રસ્તા પર સાઇકલ નુ પેન્ડલ મળ્યું તેને ઉપાડી ને તે પોતાના ઘરે લઇ આવ્યા અને પત્ની ને કહ્યું આને સંભાળી ને રાખો આમાં સાઇકલ નંખાવી દેશું.

કવિરાજ નિરાશવદને બેઠેલા. ત્યાં એક મિત્રે આવીને પૂછયું: ‘શું થયું?’
‘શું થયું શું? હમણાં જ લખેલી મારી કવિતાઓની નવી ડાયરી મારા બે વરસના બાબાએ સગડીમાં નાખી દીધી.’
મિત્રે કહ્યું: ‘અભિનંદન, તું ઘણો જ નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ તારા બાબાને વાંચતા આવડી ગયું છે.’

છોકરીની છેડતીનો એક કેસ ચાલી રહ્યો હતો. જજે યુવતીને પૂછ્યુ – શુ તમે આ યુવકને જાણો છો ?
હા, આ એ જ છે જેણે મારી સાથે છેડતી કરી હતી – યુવતીએ યુવક તરફ હાથ કરીને કહ્યુ
જજે પૂછ્યુ – આણે તમારી છેડતી ક્યારે કરી હતી ?
યુવતીએ શરમાઈન કહ્યુ – જી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં.

પતિએ પત્નીને કહ્યુ કે – પ્રિયે, જુઓ આ વખતે આપણે જન્મદિવસ પર સામાન ઓછો મંગાવીશુ. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. તેથી આપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ.
પત્ની બોલી – તમે તો મારા મોઢાની વાત કહી દીધી. હું પણ વિચારી રહ્યો છુ કે આ વખતે જન્મદિવસ પર મીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.

સરિતા : ‘આ વખતે મારું વજન એક કિલો ઘટી ગયું.’
કમલા : ‘કેમ, તેં નખ કાપી નાખ્યા ?’

પત્ની – સામે રોડ પર જે ભિખારી બેઠો છે તે આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે.
પતિ – કેમ, તે કંઈ રીતે જાણ્યું ?
પત્ની – કાલે તેણે મને કહ્યું, સુંદરી ભગવાનના નામે કાંઈક આપતી જા.
પતિ – તેણે તને સુંદરી કહ્યું હવે તો મને વિશ્વાસ થઈ ગયો કે તે સાચે જ આંધળો છે.

પુત્ર – પિતાજી, એવુ કદી થાય કે આપણે કોઈની ભૂલ બદલ તેને શુભેચ્છા આપીએ ?
પિતાજી – હા, થાય છે ને જ્યારે કોઈનુ લગ્ન થઈ રહ્યુ હોય.

શિક્ષક : નટખટ, તને દશ દાખલા ગણવા આપેલા ને તું એક જ દાખલો ગણીને લાવ્યો છે ?
નટખટ : પણ સાહેબ, તમે જ તો કહેતા હતા કે આપણે થોડામાં સંતોષ માનવો જોઈએ !

મોહન – પિતાજી, ગુરૂજનોની આજ્ઞાનુ પાલન કરવુ જોઈએને ?
પિતા – જરૂર બેટા.
મોહન – તો પછી મારા ગુરૂજી કહે છે કે હું ફરી છઠ્ઠા ધોરણમાં બેસી જઉ. માની લઉ પિતાજી.

સંતા (બંતાને) – દોસ્ત જો હું પાંચ કિલો ખાંડ ખાઈ જવું તો તુ મને શુ આપે ?
બંતા – હોસ્પિટલ જવાનું ભાડુ.
ગ્રાહક- (દુકાનદારને) કૂતરાના ગળાનો પટ્ટો બતાવજો.
દુકાનદાર- આ લો, પરંતુ એ તો કહો કે કૂતરો ક્યા છે, નાખીને જોવું પડશે.
ગ્રાહક – હું જ મારા ગળામાં નાખી જોઉં છુ.
દુકાનદાર – તો શુ કૂતરા માટે બીજો કાઢુ ?

છગને સ્કુટરવાળા મિત્ર મગનને કહ્યું, ‘ચાલ સ્ટેશને જઈએ. મારો એક મિત્ર આવવાનો છે… તને 50 રૂ. આપીશ.’
‘પણ માન કે તારો મિત્ર ન આવે તો ?’ મગને શંકા વ્યક્ત કરી.
‘જો ન આવે તો…’ છગન બોલ્યો, ‘100 રૂ. આપીશ અને ફર્સ્ટકલાસ હોટલમાં ફર્સ્ટકલાસ જમાડીશ.’
નટુ : ‘મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે કલાકો સુધી ગમે તે વિષય ઉપર બોલી શકે છે.’
ગટુ : ‘એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વિષય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !’

પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ.
પતિ – જો હુ આટલી મહેનતથી પૈસા લાવતો ન હોત તો આ ઘર ન હોત.
પત્ને – જો તમે પૈસા ન લાવતા તો હુ પણ આ ઘરમાં ન હોત

એક પ્રૌઢા કૅબિનમાં પ્રવેશ કરતાં જ બોલી, ‘ડૉકટર, હું તમને મારી તકલીફ અંગે નિખાલસતાથી વાત કરવા માંગુ છું.’
‘બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી, તમે કંઈ પણ કહો એ પહેલાં મારે તમને ત્રણ વાત કરવાની છે. પહેલી વાત તો એ કે તમારે પચીસ કિલો જેટલું વજન ઘટાડવાની જરૂર છે. બીજી વાત એ કે ગાલ અને હોઠ રંગવા માટે તમે જેટલું પ્રસાધન દ્રવ્ય વાપર્યું છે એના દસમા ભાગ જેટલું વાપરશો તો તમારી સુંદરતામાં નોંધપાત્ર સુધારો જણાશે. અને ત્રીજી મુખ્ય વાત – હું આર્ટિસ્ટ છું. ડૉકટર આની ઉપરના માળ પર બેસે છે.’

પત્નીએ પતિને કહ્યુ – યાદ રાખજો, જો આજ તમે દારૂપીને ઘરે આવશો તો હું આપધાત કરી લઈશ.
પતિ – પ્રિયે, તુ રોજ સવારે આ જ વાત કહે છે પરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કે ન હું દારૂ પીવાનુ છોડુ છુ.

જોક્સ

હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે… કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’

*~*~*~*~*~*~*

કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’ હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’

*~*~*~*~*~*~*

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ‘અરે બેન, એને નખમાંય રોગ નો’તો. એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….’

*~*~*~*~*~*~*

છગન નો છોકરો – ‘બાપા તમારા લગ્ન થઇ ગયા?’
છગન – હા!! ડફોળ તારી માં જોડે.
છોકરો – વાહ બાપા ભારે કરી, તમે તો ઘર માજ મેળ પાડી દીધો.

*~*~*~*~*~*~*

છગન – ‘અલ્યા મગન તારી ચાં માં માખી બેઠિ છે.’
મગન – શાંતિ રાખ લ્યા. મોટુ જિગર રાખ આ બિચારો નાનો જીવ મારી કેટલી ચાં પીશે.

*~*~*~*~*~*~*

મગન ગેરેજ ઉપર

મગન – રાજુભાઇ, મારા બાઇકની બેટ્રી ચાર્જ કરી આલોને.
રાજુ મીકેનીક – આ બેટ્રી જુની છે ચાર્જ કરવાથી કાઇ ફાયદો નહી થાય. નવી લગાવી પડશે.
મગન – તો નવી લગાવી આપો.
રાજુ મીકેનીક – એક્સાઇડ લગાવુ? (Exide)
મગન – તો બીજી સાઇડ કોન તમારો બાપ લગાવી આપશે?

*~*~*~*~*~*~*

છગન – મને આજે ગર્વ છે. મારો છોકરો મેડીકલ કોલેજ મા છે.
મગન – અરે વાહ એ શુ ભણશે?
છગન – નારે એ નથી ભણવાનો. એના ઉપર એ લોકો ભણશે.

*~*~*~*~*~*~*

મગન છગન ની પાર્ટિમાં ૯ બટર નાન દબાઇને ખાઇ ગયો, તેના લીધે એને કબજીયાત થઈ ગયો.
મગન જાજરા મા રોતારોતા – હે ભગવાન! કાં તો જાન નિકાળી દે કાં તો નાન નિકાળી દે.

*~*~*~*~*~*~*

શિક્ષક – છગન હું પૂછુ એ નો જવાબ આપ. ” મગને પેંડા ખાવાની ના પાડી” આ વાક્યમાં “મગન” શું છે?
છગન – આ વાક્યમાં મગન મૂખૅ છોકરો છે.

*~*~*~*~*~*~*

અપ્પુ – પપ્પુ, તું મને એ કહે કે ભેંસ અને અક્કલ એ બેમાંથી મોટું કોણ?
પપ્પુ – અરે અપ્પુ, પહેલાં મને એ બંનેની જન્મતારીખ તો કહે. પછી ખબર પડે ને બેમાંથી મોટું કોણ!

*~*~*~*~*~*~*

મમ્મી – પિંકી, કાલે કબાટમાં મેં બે લાડુ મૂક્યા હતા. તો આજે એક જ કેમ છે?
પિંકી – મમ્મી, અંધારામાં મને બીજો દેખાયો જ નહીં.

*~*~*~*~*

થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું

************

એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછ્યુ – તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો.
હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો – શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ?
મગન – નહી, મેં તમને નથી જોયા પણ (પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે.

*************

એક ભિખારી એક શેઠ પાસે ગયો અને બોલ્યો, ‘સાહેબ ! આ ગરીબ ભિખારી ને એક રૂપિયો આપો.’
શેઠ કહે : ‘કંઈક વ્યવસ્થિત તો માંગ, એક રૂપિયામાં આવે છે શું ?’
ભિખારી : ‘હું માણસની આપવાની લાયકાત જોઈને માંગુ છું !!’
*************

વાચક : તમને લગ્ન-વિષયક ટચુકડી જાહેરખબર આપી હતી તે તમે બીજા પાને કેમ છાપી ?
તંત્રી : અમારી પાસે જ્યાં જગા હોય ત્યાં જ છપાય ને ?
વાચક : પણ એ પાના ઉપર તો મરણનોંધનું હેડિંગ હતું !
તંત્રી : હેડિંગ ગમે તે હોય, મેટર તો એ જ હતીને !
**************

આ ઈન્દ્રપાલ પણ વિચિત્ર માણસ છે જ્યારે જુઓ ત્યારે નાણાંભીડમાં જ હોય.
પૈસા તેની પાસે હોતા જ નથી.
સમજમાં નથી આવતું કે પૈસા વગર તેનું કામ કેવી રીતે ચાલે છે ?
‘કેમ ? શું તે તારી પાસે પૈસા માગવા આવ્યો હતો કે શું ?’
‘ના, પણ હું જ્યારે પણ એની પાસે પૈસા માગવા જઉં છું ત્યારે તે જવાબ આપે
છે કે મારી પાસે પૈસા નથી.’
********************

વકીલ (ચોરને) : તને હું જેલમાંથી છોડાવું તો તુ મને શું આપે ?
ચોર : બીજુ તો શું આપું ? સાહેબ, માત્ર હું એટલું વચન આપી શકું કે
ભવિષ્યમાં તમારે ઘેર ક્યારેય ચોરી નહીં કરું !
***************

કનુ : બોલ મનુ, કરોડપતિ માણસ પાસે નહિ હોય એવી વસ્તુ મારી પાસે છે.
મનુ : એવી તે કઈ વસ્તુ ?
કનુ : ખબર છે તને ?
મનુ : ના. કહે તો જરા.
કનુ : ગરીબાઈ અને તંગી.
*************

ડૉકટર (દર્દીને) : ‘તમને જાણીને દુ:ખ થશે, પરંતુ તમારે મારી દવા લાંબો
વખત કરવી પડશે.
દર્દી : તમને પણ જાણીને દુ:ખ થશે કે તમારે તમારી ફી માટે લાંબો વખત રાહ જોવી પડશે.
*************

છગન : આ બધા માણસો કેમ દોડે છે ?
મગન : આ રેસ છે. જે જીતે ને એને કપ મળે.
છગન : જો જીતનારને જ કપ મળવાનો હોય, તો બાકી બધા શું કામ ખોટી દોડાદોડ કરે છે !?!
****************

પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો. ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી
મોટી તો નથી જ !
***************
મહેશ : ઈન્ટરનેટમાં ‘ગૂગલ’ પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.’
સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.
મહેશ : એ કોણ છે ?
સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી….
કદાચ ગૂગલમાં મળી જાય !!
************

શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું : ‘બોલો, માખી અને હાથી વચ્ચે શો ફેર છે ?’
એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ‘સાહેબ, માખી હાથી પર બેસી શકે, પણ હાથી
માખી પર બેસી શકે નહીં.’
************

છોકરી : આપણે જ્યારે લગ્ન કરીશું એ પછી હું તમારી બધી ચિંતાઓ, મુશ્કેલીઓ,
ઉપાધીઓ વહેંચીશ અને તમારી મુશ્કેલીઓ હળવી કરીશ.
છોકરો : પણ, મારે તો કોઈ મુશ્કેલીઓ અને ચિંતાઓ છે જ નહીં !
છોકરી : એ તો હજી હું તમને ક્યાં પરણી છું !!

************

જોક્સ

છગન બારમાં બેસીને ડ્રિંક પીતા-પીતા રડી રહ્યો હતો. વેઈટરથી રહેવાયુ નહી. એ બોલ્યો – અરે ભાઈ, રડો છો શુ કામ ? તમારા ડ્રીંકની મજા લો ને.
છગન – અરે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેનુ નામ યાદ નથી આવી રહ્યુ એટલે રડી રહ્યો છુ.
*******
ટેબલ ખુરશી ગોઠવાયેલ એક જગ્યાને હોટલ સમજીને કનુ ત્યાં બેસી ગયો અને જોરથી બોલ્યો – એક ગરમા ગરમ ચા લાવજો જલ્દી.
આસપાસ બેસેલા લોકો બોલ્યા – શુ………….. આ લાઈબ્રેરી છે ધીરે બોલો.
કનુ (ધીરેથી) હા..ભાઈ એક ગરમા ગરમ ચા લાવો.
***********
પુત્રીએ પોતાના પિતાજીને પુછ્યુ – પપ્પા, રીના આંટીના ઘરને દરવાજો નથી શુ ?
પપ્પા – નહી બેટા, તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.
પુત્રી – તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો ?
**************
  પતિ (પત્નીને) મારો કોઈ ફોન આવે તો કહેજો કે હું ઘરમા નથી
થોડીવારે ફોનની ઘંટડી વાગી, પત્નીએ ફોન ઉઠાવીને કહ્યુ – હમણા તેઓ ઘરે જ છે.
પતિ ગુસ્સે થઈને બોલ્યો – મે તને ના પાડી છતાં તે કહ્યુ કે હું ઘરે જ છુ ?
પત્ની – તમે તમારા ફોન માટે ના પાડી હતી,પણ આ તો મારા માટે ફોન આવ્યો હત
****************
ન્યાયાધીશ(આરોપીને પૂછે છે) – તેં થોડા દિવસ પહેલાં પણ સો રૂપિયા ચોર્યા હતાને?
આરોપી – સાહેબ, સો રૂપિયા ચોર્યા તો હતા, પરંતુ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા
દિવસ ચાલે.
**********

મગન  શેઠ -છગન, તું દરરોજ ઓફિસે મોડો કેમ આવે છે?
છગન – શું કરું સર, ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે.
મગન શેઠ – તો તું લગ્ન કેમ નથી કરી લેતો?
છગન – સર, હું પરણેલો જ છું

************

મગન એક મ્યુઝિયમમાં પહોંચ્યો. એક પેઇન્ટિંગ પાસે અટકીને તે બોલ્યો, ‘આટલું બકવાસ પેઇન્ટિંગ? આ કદરૂપું પેઇન્ટિંગ આ કલાત્મક જગ્યાએ સહેજે શોભતું નથી.’
મ્યુઝિયમના કર્મચારી મગનને કહ્યું, ‘સર, આ પેઇન્ટિંગ નથી, પણ અરીસો છે.

***************

મેનેજર : મહેતાજી, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મહેતાજી : સાહેબ, હમણાં મારાં સાસરીવાળા આવ્યા છે !

**************

શિક્ષક (કનુને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’
કનુ : ‘બંનેમાં માથાથી પગ સુધીનો તફાવત છે.’
શિક્ષક : ‘કઈ રીતે ?’
કનુ : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’

**************

મગન – અરે યાર આ મચ્છર કાન પાસે ગણગણ કેમ કરતા રહે છે ?
છગન – તને એટલુ સમજાતુ નથી કે દુશ્મને સાથે લડતા પહેલા તેને સાવચેત કરવો જોઈએ.
***************
મગને નવી કાર ખરીદી. જ્યારે તે કાર ચલાવીને ઓફિસ જતો હતો. રસ્તામાં તેણે ટ્રાફિકનું બોર્ડ જોયું. તેને જમણી બાજુ ટર્ન લેવો હતો, પરંતુ બોર્ડ પર ફ્રિ લેફ્ટ ટર્ન લખેલુ જોઈને તે ઊભો રહી ગયો.
ત્યાં ઉભેલા ટ્રાફિક સિગ્નલવાળાને તેણે પૂછ્યુ – ભાઈ હવે જમણી બાજુ ટર્ન લેવા કેટલા પૈસા ચૂકવવા પડશે ?
************
ગ્રાહક (દુકાનદારને) – તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર – પણ આ પહેલા મે તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક – મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.
************
નરેશ : રમેશ બતાવ તો કાંગારુનું બચ્ચુ ખોવાઇ જાય તો તે શું બોલે?
રમેશ : મને ખબર નથી, તું જ કહે.
નરેશ : એ બૂમો પાડશે કે અલ્યા મારું પોકેટ કોણ મારી ગયુ?
**************
   શિક્ષક (વિદ્યાર્થીને)- પ્રેમ અને ઈશ્ક માં શુ અંતર છે ?
વિદ્યાર્થી (શિક્ષકને)- પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો, અને ઇશ્ક એ જે હુ તમારી પુત્રીને કરુ છુ.
**************
લેડી ડૉક્ટર (મહેશને) તમે રોજ સવારે ઉભા રહીને સ્ત્રીઓને કેમ તાકતા રહો છો
રમેશ (ડૉક્ટરને) ડૉક્ટર સાહેબ, તમે જ તો બોર્ડ પર લખી રાખ્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય સવારે 9 થી 11.
***********
ગ્રાહક એકવાર હાડઁવેરની દુકાનામાં જઇને કહે મધ મળસે દુકાનદાર કહે અહીંયા ન મળે બીજા દિવસે એજ ગ્રાહક પાછે આવીને કહે મધ મળસે દુકાનદાર જરા ગુસ્સે થઇને કહે ભાઇ અહીના મળે ત્રીજા દિવસે એજ ગ્રાહક પાછે આવીને કહે મધ મળસે દુકાનદાર હવે આવીસ તો ગોળીએ દઇસ ચોથા દિવસે એજ ગ્રાહક પાછા આવીને પુછ્યુ બંદુક મળસે દુકાનદાર કહે ના તો ગ્રાહક કહે મધ આપોને……. હા,હા હા
************
મગનકાકા એક દિવસ રેલ્વે મા ટિકિટ લઈને મુસાફરી માટે નીક્ળ્યા.રાતે ૮ વાગ્યા પછી ટિકિટ ચેકર આવ્યો અને મગનકાકા પાસે ટિકિટ માંગી પરંતુ મગનકાકાએ ટિકિટ ચેકર ને ટિકિટ ના આપી; ચેકરે કહયુ કે ટિકટ વગર મુસાફરી કરૉ છો તો જેલમા જવુ પડશે પરંતુ મગનકાકા કશુ જ બોલ્યા નહી ચેકર મગનકાકા ને જેલ મા લઈ ગયો અને મગનકાકા ને જેલ માં પુરી દીધા.સવારે મગનકાકા બુમ પાડવા લાગ્યા કે મારો ક્યો ગુનો છે ? તે મને જેલ માં પુરવામા આવ્યો છે ; જેલ ના સિપાઈ એ કહયુ કે તમે વગર ટિકિટ એ મુસાફરી કરતા હતા એટલે તમો ને જેલ માં પુરવામાં આવ્યા છે.મગન કાકા એ કહયુ કે મારા પાસે ટિકિટ છે; તરત સિપાઈ એ ટિકિટ ચેકર ને બોલાવી લીધા અને મગન કાકા ને જેલ માથી બહાર કાઢવામા આવ્યા પછીથી ટિકિટ ચેકરે એ મગન કાકા ને પુછયુ કે રાતે ટિકિટ કેમ ના બતાવી તો મગન કાકા એ કહયુ કે રાતે મારી પાસે પૈસાનુ જોખમ હતુ એટલે મારી ટિકિટ ના બતાવી હા હા હા હા હા હા………..
**************
રીન્કુ-કવિતા આન્ટી મમ્મીએ કીધું છે કે ૧વાટકી ખાંડ આપોને
કવિતા આન્ટી ખાંડ આપતા- આ લે બેટા, મમ્મીએ બીજું કાંઈ કીધું છે?
રીન્કુ-હા, મમ્મીએ કીધું કે કવિતા વાંદરી ના પાડે તો સવિતા આન્ટીને ત્યાંથી લઈ આવજે.
***********
ટીચર : તમારામાંથી જે લોકોએ મેં પૂછેલા સવાલનો જવાબ લખી કાઢ્યો હોય એ ત્રણ વાર ચેક કરી લે.

તોફાની મીંટુ : ટીચર મેં ત્રણ વાર નહીં પણ આઠ વાર ચેક કરી લીધો તો પછી દર વખતે એનો જવાબ જુદો જુદો કેમ આવે છે!

************
બસ કંડકટર : અરે ભાઈ, સીટ ખાલી છે તો પણ તમે બેસતા કેમ નથી?

પેસેન્જર : મારી પાસે બેસવાનો બિલકુલ સમય નથી. મારે જલદી પહોંચવાનું છે

**********
પિતા : રીંકુ બેટા, ગણિતમાં પચાસમાંથી પાંચ જ માર્ક્સ કેમ આવ્યા?

રીંકુ : પણ પપ્પા તમે જ તો કહ્યું હતું કે વધારે મેળવવાની લાલચ ન રાખવી જોઈએ.

************
નટુ – ડોકટર સાહેબ, તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે.
ડોકટર ગટુ – મને એ યાદ નથી આવતું કે મેં તમારી કયારે સારવાર કરી હતી.
નટુ – તમે મારી નહીં, પરંતુ મારા કાકાની સારવાર કરી હતી. એ સ્વર્ગમાં સિધાવ્યા અને હું તેમનો એકમાત્ર વારસદાર હોવાથી તેમની બધી જ મિલકત મને મળી છ
**************
નટુ-અભિનંદન દોસ્ત. આજે તારી જિંદગીનો સૌથી ખુશીનો દિવસ છે.
ગટુ-આભાર. પરંતુ મારા લગ્ન તો આવતીકાલે થવાના છે.
નટુ-હું જાણું છું. એટલે જ તો આજે કહું

 

જોક્સ

પોસ્ટમેન :- તમારી ચિઠ્ઠી પહોચાડવા માટે મારે 3 કિલોમીટર ચાલી ની આવું પડે.

રમેશ :- લે તો આટલે દુર ચિઠ્ઠી આપવા શું કામ આવો છો ? પોસ્ટ કરી દેતાં હોય તો.

—————————————————————————————————

બાપુ(ડોક્ટરને): તમે મારો દારૂ છોડાવી શકો?

ડોક્ટરઃ હા, ૧૦૦%

બાપુઃ તો રાજકોટ પોલિસ-સ્ટેશનમાં આપણી ૪૦ બોટલ જપ્ત થઇ છે,
જરાક છોડાવી દ્યો ને.

————————————————————————————————

રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.
*****
ગામડીયાલાલ: ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર: ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે!
*****
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે!
પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે
ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.
*****
અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા.
મોતીબેન (પાડોશી): અરેરે અમથાલાલ! આ તમે શું કરી રહ્યા છો? તમે તો
પરણેલા હોવા છતાં આ ફાટેલું ખમિસ સાંધી રહ્યા છો?
અમથાલાલ: તે શુ પરણેલા પુરુષો ના કપડાં ફાટતા નહીં હોય?

**********

ડૉક્ટર (દર્દીને) : ‘જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.’
દર્દી : ‘એ શક્ય નથી સાહેબ.’
ડોક્ટર : ‘કેમ ? એમાં શું વાંધો છે ?’
દર્દી : ‘વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!’
******
નવવધૂએ પોતાના પતિને પૂછ્યું : ‘પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશો ?’
‘રેશન કાર્ડ’ પતિ ઉવાચ.
******
‘બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને ?’
‘પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.’
‘એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?’
‘એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!’
******

બસ કંડકટર : ‘અરે ભાઈ, બસમાં જગ્યા છે, તો પણ કેમ બેસતા નથી ?’
પેસેન્જર : ‘મને બેસવાનો સમય નથી, મારે તો જલ્દીથી છના શૉમાં પહોંચવું છે !!

*********

સુકલકડી મુલ્લાં નસરુદ્દીનને ગુસ્સો આવ્યો,
પબમાં બેઠાં હતા મિત્રો સાથે તો થોડી વધારે ચડાવી લીધી
નશામાં લીસ્ટ બનાવતા હતા
કોને કોને મારીને સીધા કરવાના છે
સો જણાનૂ લીસ્ટ બનાવ્યું…
હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યો પૂછ્યું કે મારું નામ છે ?
સુકલકડી નસરુદ્દીન બોલ્યા, છે પણ કાઢી નાખું છું !!

ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે !!!
..મુલ્લા ડરતાં ડરતાં બોલ્યાં

******

 

ખોટું ન લાગે તો વાત એક કહું

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ

-મુકેશ જોષી

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય, અને સહરાની જેમ પછી બળવું પડે

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય, અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય, અને સરનામું તારું ત્યાં કરવું પડે,

 

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે, તુંય મારી વૃક્ષીલી ડાળથી

ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે, ને તોય તારી વાટ જોઉં ઢાળથી

 

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે, તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે

અને સહરાની જેમ વળી બળવું પડે, પછી મારાથી મારે પણ ડરવું પડે

 

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ, અને પળમાં તું ફંગોળે આભમાં

મારા હોવાનું ફરી અવકાશે હોય, અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

 

તારો ઉજાસ તને પાછો મળે ને, એથી બપ્પોરે મારે આથમવું પડે

અને સહરાની જેમ ફરી બળવું પડે, પછી મારાથી મારે પણ ડરવું પડે.

 

– રવીન્દ્ર પારેખ

સપના કહે છે મને સપનામાં આજકાલ,

સપના કહે છે મને સપનામાં આજકાલ,

શું તું મને મળી શકે પલકોની પેલે પાર ?

આઠે પહોર રાત ને તડકા પડે નહીં,

મનમાં ફૂટેલ વાતના પડઘા પડે નહીં,

ટહુકાઓ ના કરે અહીં ચૂપકીદીઓ ફરાર

ઘૂંઘટને ખોલતી નથી કળીઓ સવારમાં,

ભમરાઓ ડોલતાં નથી અહીં તો બહારમાં,

કલકલ નિનાદ ના કરે ઝરણાંઓ કોઈ વાર

ઝાકળનું બુંદ થઇ તને સ્પર્શી શકું નહીં,

ચાતકની જેમ હું કદી તરસી શકું નહીં,

મેઘધનુના ઢાળ પર રહેવું પડે ધરાર….

 

‘ચાતક’

ચાલ આકાશમાં ઊડીને આવીએ,

ચાલ આકાશમાં ઊડીને આવીએ,

એક તારાને તો ચૂમીને આવીએ.

 

જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે,

દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.

 

કેમ નડતર થયું ચાંદને મારગે,

એ ગ્રહણને જરા પૂછીને આવીએ.

 

ભોંય ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ,

લાગણીના બળે ઊઠીને આવીએ.

 

રોજની આ તડપ, ને વ્યથાની કથા,

થાય છે, આ બધું ભૂલીને આવીએ.

 

સુનીલ શાહ

ન જોઇએ કોઇ આળ-પંપાળ મને, -કલ્પેન્દુ વૈષ્ણવ

ન જોઇએ કોઇ આળ-પંપાળ મને,
ગમે ત્યાં ઉગી જઇશ, સાવ બાવળ જેવો હું.

ખખડાવશો નહીં, કોઇ નહી મળે,
અવાવરૂ ઘરના દ્વારની સાંકળ જેવો હું.

પ્રસ્તાવના છે એ જ મારો ઉપસંહાર,
માત્ર એકજ લીટીના કાગળ જેવો હું.

સળગતી સમસ્યાનો સામનો કરૂ છું,
સુરજમુખી પર પડેલી ઝાકળ જેવો હું.

ખીચોખીચ ભરાયેલો અવકાશ છે મારામાં,
ભરપૂર શક્યતાઓથી આગળ જેવો હું.

ન દેખાય તોય, ન જોયા વગર રહેવાય,
કોઇ આછેરા પરદાની પાછળ જેવો હું.

સાર્થકતા પહેલાંજ તૂટી પડ્યો છું,
દરિયા ઉપર વરસતા વાદળ જેવો હું.

સ્વકેન્દ્રિયતાએ દૂર્લભ કરી મુક્યો,
પોતાને જ ડૂબાડતા વમળ જેવો હું.

આમ તો કોણ આટલી મુગ્ધતાથી જુએ મને,
એમની આંખોમાં અંજાયેલા કાજળ જેવો હું.

સપ્તરંગી પરપોટાની સુંદરતા છું,
સમય-સપાટી પર સાવ પોકળ જેવો હું.

સૌ જાણી ગયા આ આભાસી વાસ્તવિકતાને,
તરસ્યાની રાહમાં તરસતા મૃગજળ જેવો હું.

ઝાકળ, વાદળ તો ક્યારેક બાવળ,
ક્યારે હોઇશ કેવો, સાવ અકળ જેવો હું.

અંધારની ઓથે લપાતો છુપાતો,

અંધારની ઓથે લપાતો છુપાતો,

રોજ સપનાઓ પકડતો હું.

ઇચ્છાના કુવાથંભે બંધાયેલો,

સંજોગોના સપાટે ફડફડતો હું.

તારલાઓના વિરાટ સૈન્ય સાથે,

એકલે હાથે અવિરત લડતો હું.

દંભનો દરિયો ખાલી કરવા,

સૌ સાથે હસીને, એકલો રડતો હું.

દિવસ-રાતની બંધીયાર ગલી વચ્ચે,

અવાવરૂ ઇચ્છાઓમાં સડતો હું.

ફરીથી રાત્રે ખોવાઇ જવાને,

રોજ સવારે, મને, જડતો હું.

-કલ્પેન્દુ વૈષ્ણવ

પેલી પાણી ભરેલી વાદળી જાય એને પકડો,-કલ્પેન્દુ વૈષ્ણવ

પેલી પાણી ભરેલી વાદળી જાય એને પકડો,

અહીં પલળવા ઉભો છે, નાગો થઇને તડકો.

એવો તે કેવો અલગારી આ ગુલમહોર,

ઉનાળામાં લાલચટક ને ચોમાસામાં કડકો.

આખો ઉનાળો દોડતો, હાંફતો ને બળતો,

મોરના એક ટહુકે અહીં બેસી પડ્યો વગડો.

સંભળાય વાદળોના અહંકારનો ગડગડાટ,

છે આ વર્ષો જુનો ચકમક ઝરતો ઝગડો.

કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું, -કલ્પેન્દુ વૈષ્ણવ

કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું,

 એને ક્યાં કદ કે આકાર હોય છે?

નકામી છે બધી દવાઓ અને દોરા-ધાગા,

મૌલિક દર્દોના ક્યાં કોઇ ઉપચાર હોય છે?

મનને તાગો તો પડે ખબર ઉંડાણની,

ચહેરા પર તો ક્યાં કોઇ અણસાર હોય છે?

 તમે છો, તો છે, અને નથી, તો નથી,

ઇશ્વર-અસ્તિત્વનો બીજો કયો આધાર હોય છે?

 જે થાય તે બસ શંતિથી જોયા કરો,

 એની લીલાઓમાં ક્યાં દૂરાચાર હોય છે?

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,

હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. 

ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,

દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો.

 વાવ્યા’તા સૂર્યમુખી ને ઉગ્યાં ચોમાસાં,

છતે પાણીએ હવે કરમાય છે આંખો.

 ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી,

મરજી મુજબ ક્યાં બીડાય છે આંખો?

 —કલ્પેન્દુ વૈષ્ણવ

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,
માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો.
 

એટલા તો બરડ હશે નસીબ અમારા,
વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો.
 

વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને,
મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો.

આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને,
જતી વેળા મારા નામની છાતી કુટી ગયો.

જુઓ રડે છે સમય ચોધાર આંસુએ ખૂણામાં,
લાગે છે કે એ મારો ખજાનો લૂંટી ગયો.
 

સમજદારીના પ્રવાહે ધોઈ નાખ્યા કિનારાઓ,
સુખ-દુ:ખ વચ્ચેનો સેતુ જે હતો તૂટી ગયો.

 થઈ આંખ બંધ અને દિશાઓ ખુલી ગઈ,
શ્વાસ જ્યારે છેલ્લો મુજથી વિખુટો ગયો.

 કેવો સંગીન ભાસતો આપણો આ સંગાથ,
જુઓ પળવારમાં કેવો છુટી ગયો.

——-કલ્પેન્દુ વૈષ્ણવ

ભરતી અને ઓટ-જયસુખ પારેખ ‘સુમન’

ભરતી

અને

ઓટ

કુદરતનો નિયમ,

પણ

આટલાં વર્ષોમાં

ક્યારેય તારા પ્રેમમાં ભરતી

કે

મારા પ્રેમમાં ઓટ જોઈ?!

છે સુમન નાજુક ઘણો,સંભાળજો,-જયસુખ પારેખ ‘સુમન’

છે સુમન નાજુક ઘણો,સંભાળજો,
કબરમાં પણ ફૂલ પર સુવડાવજો.

યારની તસવીર એમાં રહી શકે,
ઍક ખિસ્સું કફનમાં સિવડાવજો.

પ્યારમાં હદથી વધે જો કોઈપણ,
હાલ મારા કહી જરા બિવડાવજો.

શું હશે મૃત્યુ પછી કોને ખબર,
જીંદગી જીવી જીવન અજવાળજો.

માન મૃત્યુ બાદનાં શું કામનાં?
લાશને ના ફૂલથી શણગારજો.

આવશે ત્યાં પણ બધા રંજાડવા,
કબર પર ના ફૂલ પણ ચિતરાવજો.

જયસુખ પારેખ ‘સુમન’

(છેલ્લા શેર માં ફૂલ નો મતલબ સુમનની કબર છે ઓળખી જાશે)

મોરલા ટહુક્યા ચારે કોર,

મોરલા ટહુક્યા ચારે કોર,
તોય ન આવે દિલનો ચોર.
ખૂબ સતાવે,ખૂબ ગમે,
પ્રિતમની તો વાત છે ઓર.
વીજ ઝબુકે જગ દેખે,
દિલ તૂટે ક્યાં થાય છે શોર.
પ્રિતનું વાદળ થઈ વરસું,
પ્રિતમ મારો,નાચતો મોર.
જયસુખ પરેખ ‘સુમન’