ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે,-જયસુખ પારેખ ‘સુમન’

ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે,
ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું,
મૂલવોના શ્વેત છે કે શ્યામ છે.

દિલની બારીને ઉઘાડી રાખજો,
કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે.

એક ટીપું પણ હવે બાકી નથી,
દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે.

દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની,

એક પળના કામનું શું કામ છે.

સાવ મામુલી ‘સુમન’ તું આદમી,

કૈક હસ્તી એ બગાડ્યાં નામ છે.

ભરતી અને ઓટ-જયસુખ પારેખ ‘સુમન’

ભરતી

અને

ઓટ

કુદરતનો નિયમ,

પણ

આટલાં વર્ષોમાં

ક્યારેય તારા પ્રેમમાં ભરતી

કે

મારા પ્રેમમાં ઓટ જોઈ?!

મિલનને સ્વપ્ન માનીને મથું છું ભુલવા માટે,

મિલનને સ્વપ્ન માનીને મથું છું ભુલવા માટે,

ભુલાતાં સ્વપ્ન ક્યાં મુજથી,હકીકત કેમ ભુલાશે?


વિખેરી વાળ બેઠાં’તાં તમે નજરું ઝુકાવીને,

જીગર બેહોશ કરનારી નજાકત કેમ ભુલાશે?


જગતમાં પ્રેમની સાથે જ પેદા થઈ ગઈ છે એ,

જમાનાની મહોબ્બતથી અદાવત કેમ ભુલાશે?


નયનમાં નીર લાવીને,અધર નજદીક લાવીને,

ચુમીને ગાલને,દીધી’તી રુખસત કેમ ભુલાશે?


લખ્યો છે જ્યાં સુધી વિરહ,દઈ દઊં જાન ઊછીની,

ધડકતે હૈયે મુજ પ્રિતમની સૂરત કેમ ભુલાશે?

એકાદ ભવમાં તમને નવાબ થઈને મળશું,

એકાદ ભવમાં તમને નવાબ થઈને મળશું,

સુંદર તમે બહુ છો ગુલાબ થઈને મળશુ.


ના વહાલું દવલું જાણે,ના તારું મારું જાણે,

કરશે ખુદા રહેમ તો સુરખાબ થઈને મળશું.


દિલની દુઆ છે પ્રિતમ અવ્વલ રહો સદાયે,

હારી જશું ને તમને ખિતાબ થઈને મળશું.


દરિયો દિલી પ્રણયનો ગઝલે બયાન કરશું,

હર શબ્દ માં છુપાઈ કિતાબ થઈને મળશું.


ફુરસત મળે અગર જો,ને વિતેલી યાદ આવે,

તસ્વીર ચુમી લેજો શરાબ થઈને મળશું.


એક દિન તો પૂછવાનો ઈશ્વર બધુંય તમને,

આંખોને બંધ કરજો જવાબ થઈને મળશું.

જયસુખ પારેખ ‘સુમન’

 

પ્રણયના જામ જીવનને નશામાં ચૂર રાખે છે,

પ્રણયના જામ જીવનને નશામાં ચૂર રાખે છે,

ખુમારી આશિકોની ઈશ્કને મગરુર રાખે છે.
કદી દુનિયાની વાતોમાં દખલ કરતો નથી હું તો,

જમાના કેમ તું મુજને સનમથી દૂર રાખે છે.
જગતની હર મહેફિલનો નશો છે રાતભરનો પણ,

મહોબ્બત!એક નઝર તારી જીવન ચકચૂર રાખે છે.
કદમ માંડી અમારા ઘર તરફ પાછાં લઈ લે છે,

કરે છે લાગણી બળવો રસમ મજબૂર રાખે છે.
જમાના કર હવે જલ્દી મને રુખસત કરી દે તું,

મરણની માંગણી ઈશ્વર હવે મંજુર રાખે છે.
નજાકત,રુપને યૌવન રહે હરદમ ‘સુમન’સાથે,

મજાનો માનવી છે ને હૃદયમાં હુર રાખે છે.

જયસુખ પારેખ ‘સુમન’

કરી છે પ્રીત પત્થરના સનમથી.

અમે નઝરો મળાવી અમથી અમથી,
તમે તો જાન લઈ લીધી સિફતથી.

જલદ છે રુપ ને છે પ્રેમ શિતળ,
કદિ કયાં આગ લાગે છે બરફથી.

ચડાવો ફૂલ કે પત્થર કબર પર,
અમે તો પ્યાર કરવાના કફનથી.

રહ્યું છે કોણ કાયમ આ જગતમાં,
જઈને કોણ આવ્યું અંજુમનથી?

કહે કોઈ ખુદાનું નામ લઈ લ્યો,
તમારું નામ લઈ લઊં હું કસમથી!

સુમન છે પ્રીતનું,ફોર્યા જ કરશે,
દફન થાશે ન જલશે ઍ અગનથી.

‘સુમન’ની એ જ હાલત સો જનમથી,
કરી છે પ્રીત પત્થરના સનમથી.        

 –  જયસુખ પારેખ ‘સુમન’

છે સુમન નાજુક ઘણો,સંભાળજો,-જયસુખ પારેખ ‘સુમન’

છે સુમન નાજુક ઘણો,સંભાળજો,
કબરમાં પણ ફૂલ પર સુવડાવજો.

યારની તસવીર એમાં રહી શકે,
ઍક ખિસ્સું કફનમાં સિવડાવજો.

પ્યારમાં હદથી વધે જો કોઈપણ,
હાલ મારા કહી જરા બિવડાવજો.

શું હશે મૃત્યુ પછી કોને ખબર,
જીંદગી જીવી જીવન અજવાળજો.

માન મૃત્યુ બાદનાં શું કામનાં?
લાશને ના ફૂલથી શણગારજો.

આવશે ત્યાં પણ બધા રંજાડવા,
કબર પર ના ફૂલ પણ ચિતરાવજો.

જયસુખ પારેખ ‘સુમન’

(છેલ્લા શેર માં ફૂલ નો મતલબ સુમનની કબર છે ઓળખી જાશે)

મોરલા ટહુક્યા ચારે કોર,

મોરલા ટહુક્યા ચારે કોર,
તોય ન આવે દિલનો ચોર.
ખૂબ સતાવે,ખૂબ ગમે,
પ્રિતમની તો વાત છે ઓર.
વીજ ઝબુકે જગ દેખે,
દિલ તૂટે ક્યાં થાય છે શોર.
પ્રિતનું વાદળ થઈ વરસું,
પ્રિતમ મારો,નાચતો મોર.
જયસુખ પરેખ ‘સુમન’

આજ વાતાવરણ છે વરસાદી,-જયસુખ પારેખ ‘સુમન’

આજ વાતાવરણ છે વરસાદી,
આવ વર્ષા ઋતુની શહજાદી……..
પ્રેમ છે સત્ય,પ્રેમ ઇશ્વર છે,
બાકી સઘળું જગત છે વિખવાદી.
જીવનની સમી સાંઝે ઝરમર ઝરમર વરસાદ હોય..વિજળી ઝબુકતી હોય..ભીની ભીની ખુશ્બૂ નટખટ છાંટા ની જેમ સ્પંદનો જગાવતી હોય ને

બરસાતી(બાલ્કની)માં ઝુલે ઝુલતાં ઝુલતાં સુંવાળા એકાંતમાં યાદ આવે..યૌવનકાળ ને બે’ક પંક્તિ,
આજ વાતાવરણ છે વરસાદી,
આવ વર્ષા ઋતુનિ શહજાદી……..
પ્રેમ છે સત્ય,પ્રેમ ઇશ્વર છે,
બાકી સઘળું જગત છે વિખવાદી.
ને વિત્યો વખત આળસ મરડીને ઊભો થાય ને …..મન થાય કે લાવ
કાગઝકી કસ્તી માં યાદો ને ખ્વાબોનાં ફૂલો ભરી ને વહેતાંપાણીમાં વહાવું પિયુની ગલી ને ઘર તરફ…
કે કાંશ! પ્રિયતમ પણ મારી જ માફક બાલ્કની માં ઝૂલતાં ઝૂલતાં મને યાદ કરતો હોય ને ફૂલો ભરેલી હોડી વહેતા નીર માં જોઇ ને મારા મન ની વાત સમઝી જાય ને દોડ્યો..દોડ્યો આવે વરસતા વરસાદમાં…મને……..
……..ને કહી દે મારા મન ની વાત કે
લાવ્યો છે વાત વાયરો,છે સ્વર્ગદ્વાર રેઢાં,
જગ થી નઝર બચાવી,ચાલ સ્વર્ગે જાઈએં…
સુમન

જે મળે ના જિંદગીમાં,ચીજ પ્યારી હોય છે,-જયસુખ પારેખ ‘સુમન’

જે મળે ના જિંદગીમાં,ચીજ પ્યારી હોય છે,

જે રહે ઓઝલમાં એની ઈન્તેઝારી હોય છે.
સ્વપનનાં તોરણ બનાવી રાત ઉજવી છે સદા,

ને સવાર યાદના રણમાં સવારી હોય છે.
ઍ જ સમઝણ કારણે સંબંધ કાયમ આપણો,

છે બધા ઉપકાર તારા,ભૂલ મારી હોય છે.
આંખમાં તારી સદા કયાં એક મસ્તી હોય છે,

ઍક પળમાં એ કટૉરી ને કટારી હોય છે.
સ્વાર્થના સંબંધ છે ને લાગણી લુખ્ખી બધી,

જે તરફ પલડું નમે ત્યાં તરફદારી હોય છે.
દૂરહો કે પાસ હો,હો સ્વપનમાં કે યાદમાં,

પણ ‘સુમન’ની પ્રિત હરદમ એકધારી હોય છે.

સમજાવ્યું આજ દી’સુધી કિસ્મત કહી કહી,

સમજાવ્યું આજ દી’સુધી કિસ્મત કહી કહી,
તૂટી રહ્યું છે દિલ હવે નફરત સહી સહી.

સંતાડ્યાં આજ દી’ સુધી દર્દો મેં પ્રીતનાં,
આવ્યાં હૃદયથી આંખને પડદે રહી રહી.

માલિક કહી ને આપને,જીવ્યો ગુલામ થઈ,
હુકમ લખી દે મૌતનો ને કર ઉપર સહી.

ધરબાવી રાખો દિલ મહીં વાતો ને પ્રીતની,
કરશે તમાશો જગ બધું જો કોઈને કહી.

નિષ્ઠુર રુપ છે છતાં વહાલું બધાને છે,
દુનિયાના પ્રેમપ્રશ્નોની ઍ છે ઉત્તરવહી.

ખીલ્યાં છે રોમેરોમમાં તુજ પ્રીતનાં ‘સુમન’,
દિલને બગીચે આંસુઓથી એટલી ચહી.
રચયિતા જયસુખ પારેખ ‘સુમન’ સાલ ૧૯૯૮.

…………પાનખરનું પાન હું,

થોડું લીલું થોડું પીળું, પાનખરનું પાન હું,
આજ ખરું કે કાલ ખરું,પાનખરનું પાન હું.

યૌવનની દિવાલ ઉપર ધૂળ ચડી ગઈ ઘડપણની,
યાદોની જ્યાં આવનજાવન,એક સૂનું મકાન હું,

ક્યાં તોફાન હવે સાગરમાં,ક્યાં લડવાની હામ હવે,
હાલકડોલક નાવડીનું તૂટેલું સુકાન હું.

લાખો આવ્યા,લાખ જશે,સૌની ચપટી રાખ થશે,
તેમ છતાં લોકો તો જાણે,શકટ નિચે શ્વાન હું.

એક દિ’મારી સાથે રમતાં,પંખીડાં ને ફૂલ હતાં,
જાન હતો હું ઉપવનની,છું આજ ભલે બેજાન હું

જયસુખ પારેખ ‘સુમન’

ખોળામાં છોડું પ્રાણ હું એવું મરણ મળે.

ભવભવમાં તારી પ્રીતનું વાતાવરણ મળે,
ખોળામાં છોડું પ્રાણ હું એવું મરણ મળે.

નફરત કરે કે પ્રેમ તું મંજુર છે મને,
હર જન્મ મારી પ્રિતને તુજ ‘અવતરણ’મળે.

માહોલ માં છે આજ પણ વર્ષો પુરાણી પ્રિત,
શ્વાસે ભરું કે પ્રિતને પોષણ ભરણ મળે.

પૂજ્યા કરીશ હું તને આતમ છે જ્યાં લગી,
મઘમઘતા બાગ છો મળે,છો ધખતાં રણ મળે.

આંખોને ખોલું ક્યાંય પણ,તારી છબી દિસે,
મસ્તક ઝુકાવું ક્યાંય પણ તારાં ચરણ મળે.

જયસુખ પારેખ ‘સુમન’

તન છે કેવું મઝાનું

આ ગીત સાંભળો, શબ્દ સુમન,સ્વર શ્રી ભાર્તેન્દુ માંકડ, સંગીત શ્રી નિરંજન અંતાણી,મ્યુઝીક અ.વાય ભટ્ટી,ચિરાગ વોરા લિન્ક http://gujaratikavitaanegazal.ning.com/music/playlist/edit?id=3499594%3APlaylist%3A251373
તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું.

સાથી બને તું એનું જીવન કેવું મઝાનું.
નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો,

મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું.
સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી,

ચહું છુટવા કદી ના,બંધન કેવું મઝાનું.
દર્પણને દોસ્ત સમઝી વાતો કરું પ્રણયની,

મારા જ ગાલે દીધું ચુંબન કેવું મઝાનું.
દુનિયાના રંજોગમનાં અંધારાં ઓગળી ગ્યાં,

તુજ પ્રીતડીનું આંજ્યું અંજન કેવું મઝાનું.
પોતાનાં.પારકાં સૌ મળવા કદી ન દેતાં,

સપનામાં રોજ થાતું મિલન કેવું મઝાનું.
હરપળ દિદાર તારા,હરપળ કૃપાઓ તારી,

દિલમાં જમાવ્યું ‘સુમન’ આસન કેવું મઝાનું.

જયસુખ પારેખ ‘સુમન’

જિંદગી છે કે મેદાન રણનું?

જિંદગી છે કે મેદાન રણનું?રોજ કરવી પડે છે લડાઈ,

આગ ચારે તરફ છે નિરંતર, જાણે ચુલા ઉપરની કડાઈ.

ઊંડી માયા નાંદુખ પણ છે ઉંડાં,લાગણી મારે હરદમ કટારી,

મોહ મારે છે જીવનનો નહીંતર, જિંદગી ચીજ ખુદ છે પરાઈ.

ઘડપણ આવ્યું ને જીવનનું પહેરણ ચોતરફથી ગયું છે ઘસાઈ,

સાત સાંધુ છું ત્યાં તેર તુટે,શી રીતે એની કરવી સિલાઈ.

લાખ ઉપચાર વૈદો ને બાધા,ના ધકેલી શકે દુખને આઘા,

કોઈ બદલી શકે ના કદિ પણ લેખમાં જે ગયું છે લખાઈ.

મર્દ થઈને મુસીબતથી લડજો,દુખની હિંમતથી કરજો પિટાઈ,

સિંહ શૂરવીર મૃત્યુને મારે,ગાય નબળી ને ઝાઝી બગાઈ.

થઈને હોશિયાર જીવનમાં રહેજો,મોટા માણસને મોઢે ન કહેજો,

છુટ છે અહીં પ્રશંસાની સૌને,પણ શિકાયતની ચોખ્ખી મનાઈ.

પાથરો એક ચાદર દુઆની,સપનાં મુકી દ્યો તકિયાની નીચે,

રાત છેલ્લી છે ઓઢાડો યારો,પ્રિતની યાદભીની રજાઈ.

…..તને ક્યાં છે ખબર,

તારી કિસ્મતમાં લખાયો છું,તને ક્યાં છે ખબર,

તારા માટે જ રચાયો છું,તને ક્યાં છે ખબર!
તારી નસનસમાં નશો થઈને સતત રખડું છું,

પ્રેમ થઈ દિલમાં ઘુંટાયો છું,તને ક્યાં છે ખબર!
રાતભર સપનાંમાં મહાલી છો હવે જાગ જરા,

થઈ કિરણ રુબરુ આવ્યો છું,તને ક્યાં છે ખબર!
મેં જ લૂછ્યાં છે બધાં આંસુ તારી આંખોનાં,

સ્મિત થઈ હોઠે છવાયો છું,તને ક્યાં છે ખબર!
સ્પર્શ થયો શા નો,વદન શા ને શરમાઈ ગયું,

ફૂલ થઈ પગલે દબાયો છું,તને ક્યાં છે ખબર!
રુપ છે તું,તો હું યૌવન છું,દુઆ કર તું મને,

હું તો તારા થી સવાયો છું,તને ક્યાં છે ખબર!
તીરછી આંખે તું દર્પણમાં જરા જો તો ખરી,

થઈ ‘સુમન’ઝુલ્ફે ગુંથાયો છું,તને ક્યાં છે ખબર!

જયસુખ પારેખ ‘સુમન’

ભરતી અને ઓટ

ભરતી

અને

ઓટ

કુદરતનો નિયમ,

પણ

આટલાં વર્ષોમાં

ક્યારે તારા પ્રેમમાં ભરતી

કે

મારા પ્રેમમાં ઓટ જોઈ?!

જયસુખ પારેખ ‘સુમન’

ઈશ્વર જેવું મોજું.

મધદરિયેથી શાંત થઈને ચાલ્યું આવે મોજું,

જોઈ કિનારો દોડે ભેટવા,ગાંડું થઈને મોજું.
થનગનતા યૌવન શું મોજું,મનગમતા પ્રિતમ શું મોજું,

અંગ અંગ ભીંજાવી જાણે હાથ ખેંચતું મોજું.
રીઝે તો એ ગેલ કરે,વિફરે તો એ જાન લઈ લે,

મૂંઝાવી માનવના મનને ખુદ મલકાતું મોજું.
ના દીવાદાંડી ની જરુરત,ના હોડી ના નાવિકની,

આંખ્યું મિંચી,ઘુંઘટૉ ખેચી,દોડી આવે મોજું.
સાંજે સોનેરી,રાત્રે રુપેરી રંગ સજીને,

પરોઢીયે આળસ મરડીને રુમઝુમ નાચે મોજું.
કાળમીંઢ પત્થરને ભેટે,રુપેરી રેતીને ભેટે,

સૌને સરખું વહાલ કરતું,ઈશ્વર જેવું મોજું.

જયસુખ પારેખ ‘સુમન’

કહું છું વિરહને…..

કહું છું વિરહને….. કે લંબાઈ જા તું,

બની આગ સીને(છાતીમાં)ચંપાઈ જા તું,

જલી જાય યાદો જો આ આગમાં તો,

બની બીજ રાખેથી ફરી રોપાઈ જા તું,

ફરી થી હું સિંચું અશ્રુથી તુજને,

ઉછેરું જીગરમાં બચાવી નજરને,

ને જો નસીબે મિલન ફૂલ ઉગે,

સમેટે ભ્રમરને કમળ જેવી રીતે,

મારા જીગર થી સમેટાઈ જા તું,

કમળ ન છોડે રાતભર ભ્રમરને,

પણ હું ન છોડું જીવનભર તને,

ધડકતા જીગરમાં સંતાઈ જઈને,

ભળી રક્તે રોમેરોમે પથરાઈ જા તું,

ભળી રક્તે રોમે રોમે પથરાઈ જા તું.

કહું છું વિરહને કે…..

જયસુખ પારેખ ‘સુમન’

દુનીયાથી દૂર આભમાં એક ઘર બનાવશું,

દુનીયાથી દૂર આભમાં એક ઘર બનાવશું,
વાદળની ભીંતે ચાંદના દિપક જલાવશું.

સાગરના તળિયે જઈ અને એક ઘર બનાવશું,
પાણીની ભીંતે છીપના દિપક જલાવશું.

દુનિયાથી દૂર ખીણમાં એક ઘર બનાવશું,
ફૂલોની ભીંતે ખુશ્બૂના દિપક જલાવશું.

ઘરના ખૂણામાં પ્રેમનું મંદિર બનાવશું,
પૂજા કરીશું આપને ઈશ્વર બનાવશું.

જયસુખ પારેખ ‘સુમન’

મને વહાલ કર..મને વહાલ કર,

હું સળગતા રણની તરસ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર,
બની પ્રેમની તું પરબ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

મારા રોમેરોમમાં આગ છે,તારા શ્વાસેશ્વાસમાં બાગ છે,
મને ભેટી ચૂમી વરસ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

હું નશો છું તું જો શરાબ છે,છું સુગંધ તું જો ગુલાબ છે,
તું જીવન હું જીવ, સમઝ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

તૂટેલાં સ્વપ્નના ઢગ તળે હજુ કઇક ઇચ્છાઓ સળવળે,
તું રહેમની નાખ નઝર સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

તને ઇન્તઝાર હતો કદી,તને મુજથી પ્યાર હતો કદી,
એ વીત્યા વખતની કસમ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

તને ખ્યાલ છે મારા હાલનો,તું જવાબ સઘળા સવાલનો,
હવે મૂંઝવે બધા ગમ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

તારી સો સજાઓ કબૂલ છે,તેં દીધેલું મૌત અમુલછે,
હું ફના થઊં તું અમર સનમ ! મને વહાલ કર..મને વહાલ કર.

જયસુખ પારેખ ‘સુમન’

તું વણાઈ છો હ્રદયના તારમાં

થાય દર્શન યારનાં સવારમાં,

સુલ્ઝે છે ઉલ્ઝન બધી પળવારમાં.


પ્રેમમાં વિતે જો થોડી જિંદગી,

સાર લાગે છે ઘણો સંસારમાં.


લાગણી જે ઉદભવે,તારી જ છે,

તું વણાઈ છો હ્રદયના તારમાં.


એ જ મશરુફી,મઝા ને દિલ્લગી,

શું ફરક છે,હાલમાં ને ત્યારમાં?


જે મળે મહેનત પછી તે શ્રેષ્ઠ છે,

છે મઝા તડ્પ્યા પછી દીદારમાં.


જે લખાયું તે સહન કરવાનું છે,

હસતાં,રમતાં આંસુઓની ધારમાં.

જયસુખ પારેખ ‘સુમન’

લાગણી લાચાર છે,હું શું કરું?

આ રચના નો વિડિયો જુવો.

http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:248066

 લાગણી લાચાર છે,હું શું કરું?

એકતરફી પ્યાર છે,હું શું કરું?


સાફ કહી દઉં આપનાથી પ્યાર છે,

પણ ભર્યો દરબાર છે,હું શું કરું?


એક મરે ને એકને કંઇ જાણ ના,

ફક્ત અત્યાચાર છે,હું શું કરું?


જિંદગી પળવારમાં પુરી થશે,

હમસફરને વાર છે,હું શું કરું?


અબઘડી આંસુંના દરિયા વહી જશે,

દર્દ પારાવાર છે,હું શું કરું?

 જયસુખ પારેખ ‘સુમન’

નઝરને ભરોસે દિધું દિલ લુંટાવી,

please enjoy this poetry in video.singar usmaan mir,music nirav parekh link for video

http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:239211

નઝરને ભરોસે દિધું દિલ લુંટાવી,મહોબ્બતના કોઈ પુરાવા ન માંગ્યા,
ગુન્હેગાર થઈને સજા એણે આપી,સહી મુંગે મોઢે ખુલાસા ન માંગ્યા.
એ નાદાની મારી ને તારી ગુમાની,ખબર હોય ક્યાંથી બધાને બધાની,
કરી બંધ ઘર ને રડ્યો એકલો હું,જગતના મેં જુઠા દિલાસા ન માંગ્યા.
તરસ જ્યાં નથી તું ભીંજવે છે દિલથી,ઝૂરું બુંદ માટે તું વરસે કદી ના,
સદા ઝેર નફરતનાં પીધા કર્યાં પણ,મહોબ્બતનાં મીઠાં પતાસાં ન માંગ્યાં.
પ્રસિધ્ધીને માટે ઘણા બુધ્ધિજીવી કરે ખોટાં નાટક બધા વચ્ચે જઈને,
હકીકત હતી(તારી બેવફાઈ) પણ સીવ્યા હોઠ હરદમ,તું બદનામ થાતે,તમાશા ન માંગ્યા.

નઝરને ભરોસે દિધું દિલ લુંટાવી,મહોબ્બતના કોઈ પુરાવા ન માંગ્યા,
ગુન્હેગાર થઈને સજા એણે આપી,સહી મુંગે મોઢે ખુલાસા ન માંગ્યા.

પતાસાં=ખાંડ માંથી બનતી એક મિઠાઈ જે હોળી પર વપરાતી.

જયસુખ પારેખ ‘સુમન’

સો વાતોની એક જ વાત,

સો વાતોની એક જ વાત,

દિલને ગમતી તારી વાત.
સારૂં-નરસું ક્યાં છે ભાન,

તું જે આપે તે સૌગાત.
કોઇ મરે ના કોઇ વિના,

ખાલી કાગળ ઉપર વાત.
પ્રીત કદી ના થાય ખતમ,

પ્રેમ તો છે હરદમ શરુઆત.
સમજાવે છે લોક ભલે,

કોણે માની કોની વાત?
કોને ખપતી કાલ સવાર,

સપનાંમાં જો તારો સાથ!
લીધા છે સમ,જાન દઈશ,

તારી મરજી તારે હાથ.
કાતિલ પર એતબાર કર્યો,

દિલ દઈ દીધું હાથોહાથ.
ભોળા’સુમન’જલ્દી ભાગ,

દિલ લૂંટે સૌ લઈને બાથ.

રુપને તારા નઝરથી પી ગયો,

રુપને તારા નઝરથી પી ગયો,
દર્દ,સમઝીને દવા હું પી ગયો.

જ્યાં કદમ તારાં હતાં,ખુશ્બૂ હતી,
શ્વાસમાં લઈ એ હવા હું પી ગયો.

જીક્ર મેં તારી ઈનાયતનો કર્યો,
બેવફાઈ બેવફા હું પી ગયો.

નહીં તો ક્યાં છે કાલની કોને ખબર,
આજ તો આવી મઝા હું પી ગયો.

બેખબર જ્યારે હતી જગની નઝર,
મસ્ત નઝરોની અદા હું પી ગયો.

ઈશ્કમાં રુસવાઈ તો ઇનામ છે,
એમ સમઝી ને સદા હું પી ગયો.

જયસુખ પારેખ ‘સુમન ‘

સુંવાળા પ્રેમના અવશેષ ને આધાર લઈ જાશું,

સુંવાળા પ્રેમના અવશેષ ને આધાર લઈ જાશું,

જતી વખતે જગતથી એક મુઠ્ઠી પ્યાર લઈ જાશું.
નવા ભવમાં ફરીથી પ્રીતનાં પુષ્પો ખીલવવાને,

સનમનાં આંગણાંની ધૂળ ચપટીભાર લઈ જાશું.
સદેહે તો નહીં ચાલે પરંતુ એક યુક્તિ છે,

ભરીને શ્વાસમાં ખુશ્બૂ તણી ગુલનાર લઈ જાશું.
તમન્નાઓ ગલી ને ગામમાં શોધે થઈ પાગલ,

ગળામાં ઘંટ બાંધીને હ્રુદયને દ્વાર લઈ જાશું.
કર્યા’તા લાખ સજદા પણ કદિ એ દ્વાર ના ઉઘડ્યાં,

અમારી ઝંખનાના ઘર સમો પડથાર લઈ જાશું.
સનમથી આંખ મળતાંવેંત મારી આંખ મિંચાશે,

જીવનના અર્ક જેવો આખરી ધબકાર લઈ જાશું.
જીવનભર જે થઈને ભીંત નડતા’તા,બધા બોલ્યા,
‘સુમન’ની લાશ શણગારી,સનમને દ્વાર લઈજાશું!

જયસુખ પારેખ ‘સુમન’

ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે,
ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું,
મૂલવોના શ્વેત છે કે શ્યામ છે.

દિલની બારીને ઉઘાડી રાખજો,
કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે.

એક ટીપું પણ હવે બાકી નથી,
દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે.

દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની,
એક પળના કામનું શું કામ છે.

સાવ મામુલી ‘સુમન’ તું આદમી,
કૈક હસ્તી એ બગાડ્યાં નામ છે.

જયસુખ પારેખ ‘સુમન’

ફરી આવશે કે કેમ?

જીવનમાં આ મકામ,ફરી આવશે કે કેમ?
રસ્તે પ્રણયનું ગામ,ફરી આવશે કે કેમ?

તનહા છું,હોશમાં છું,લઈ લઊં ધરાઈને,
હોઠો પર તારું નામ,ફરી આવશે કે કેમ?

ઊઠી ને મારા ગાલ પર જોયું’તું એક નિશાન,
સપનામાં લઈ ઇનામ,ફરી આવશે કે કેમ?

મજબૂરી હક જમાવે છે,તુજ લાગણી ઉપર,
દિલથી કરૂં સલામ,ફરી આવશે કે કેમ?

પ્રીતમને સાથ લઈને દોડું હું સ્વર્ગધામ,
હાથમાં લગામ,ફરી આવશે કે કેમ?

પ્રથમ ભલે ને હોય તે,સમજી લ્યો આખરી,
પ્રિતમ લઈને જામ,ફરી આવશે કે કેમ?

અવસર મળ્યો છે માંડ કે માંગી લઊં તને,
દરવાજે મારે રામ,ફરી આવશે કે કેમ?

જયસુખ પારેખ ‘સુમન’

એ સ્વર્ગના સૌંદર્યને સંસારમાં શોધ્યા કરું.

તુજ હસ્ત હો મુજ હસ્તમાં એ સાથ તો મળશે નહીં,
રાહ પર હું આપની થઈ ફૂલ પથરાયા કરું.

દીદાર પણ મુશ્કેલ તમારા બાહ માં શું આવશો,
વાદળ બની વરસું હું તુજ પર નીર થઈ સરક્યા કરું.

ભૂલી ગયો હું ચાંદ-શાં દિસતાં હતાં કે ફૂલ-શાં?
ચાંદને ચુમી સકું નહીં,ફૂલને સુંઘ્યા કરું.

સ્વપ્નમાં જોયાં હતાં કે ભ્રમ થયો મુજને હશે,
એ સ્વર્ગના સૌંદર્યને સંસારમાં શોધ્યા કરું.

લાખો નિગાહો હુસ્નની નીરખ્યા કરે મુજને ભલે,
આંખો કરી લઊં બંધ ને હું આપને જોયા કરું.

જયસુખ પારેખ ‘સુમન’

રુબરુ મંદિરોમાં રામ નથી.

બહુ તવંગર અમારું નામ નથી,
સાવ સોંઘાં તમારાં દામ નથી.

એક નઝર જો મળી ને ક્યાં દોડ્યું,
દિલ છે પાગલ વળી લગામ નથી.

યાદ આવો ને સ્વપ્નમાં આવો,
બસ તમારાથી બીજું કામ નથી.

પૂજવા તમને શું તમારી જરુર?
રુબરુ મંદિરોમાં રામ નથી.

યાદના જામ પી ને ચૂર રહું,
જીંદગિ તો થઈ તમામ નથી.

કેવું સુંદર બહાનું સાકીનું!
મય તો છે,સુરાહી-જામ નથી.

જયસુખ પારેખ ‘સુમન’

એક બે તારલા તો ખરવા દે.

આંખને આંખથી તો મળવા દે,
દિલને દિલથી સલામ કરવા દે.

હું પછી ઘૂંટ ઘૂંટ પીતો રહીશ,
મસ્તી છલકે છે,જામ ભરવા દે.

લાશ તરસે,નવું જીવન મળશે,
પ્રેમમાં તું ડૂબીને મરવા દે.

જગ નહીં જીતવા દે,જાણું છું,
શ્વાસ છે ત્યાં સુધી તો લડવા દે.

માંગવી છે તને પ્રભુ પાસે,
એક બે તારલા તો ખરવા દે.

જયસુખ પારેખ ‘સુમન’

પાક-દામન મઝાર લાગે છે.

આંસુઓની કતાર લાગેછે,

પાક-દામન મઝાર લાગે છે.
જામ ખાલી છતાં છે હોઠો પર,

દોસ્તનો એતબાર લાગે છે.
મશરુફી હોય તારા આલમમાં,

બેકરારી કરાર લાગે છે.
આંખમાં આંસુ હાથમાં છે દવા,

આખરી સારવાર લાગે છે.
હોઠ ચૂપ રહેશે તોય કહી દેશે,

આંખ ઈમાનદાર લાગે છે.
બાગ આખો છે આંસુઓથી ભર્યો,

આજ જાતી બહાર લાગે છે.
હાથમાં હાથ હોય સુમનનો,

એ ઘડી યાદગાર લાગે છે.

પાક- પવિત્ર
જયસુખ પારેખ ‘સુમન’

નથી સુખદુખ કશું જગમાં,બધી વાતો ખયાલી છે.

નથી સુખદુખ કશું જગમાં,બધી વાતો ખયાલી છે.
હસી લો તો ખુશાલી છે,રડો તો પાયમાલી છે.

ન સરખાવો અવર થી,જે મળ્યું છે તે જ કાફી છે,
સમંદર છે અગર સમઝો,ન સમઝો તો પ્યાલી છે.

નથી સંધ્યા,નથી ઉષા,નથી ઉત્સવ,મને લાગે,
તૂટ્યાં છે આશિકો નાં દિલ,ગગન આખામાં લાલી છે.
.
મજામાં છું કહે છે સૌ પરંતુ વાત જુદી છે,
ઘણા દિલમાં બગાવત છે,ઘણી આંખો સવાલી છે.

તમારા રુપની વાતો,અમારા પ્રેમની વાતો,
જગત તો ઠીક જન્નતમાં ‘સુમન’ની વાત ચાલી છે.

…..ગઝલો ‘સુમન’ની સુમન ગાય છે

હોઠ કતરાય છે,આંખ ભીંજાય છે,
દિલની દુનિયા દુખી છે કે તું જાય છે.

દોસ્ત રુઠે તો દિલ વલોવાય છે,
દિલ વલોવાય ત્યારે ગઝલ થાય છે.

જો બીજું પાય તો ઝેર લાગે સુરા,
વિષ અમૃત બને જો સનમ પાય છે.

ક્યાં ગઈ જિંદગી કંઈ પડી ના સમઝ,
મૌત દ્વારે ઉભું છે ને હરખાય છે.

જ્યારે યૌવન ચમન માંહે લહેરાય છે,
ત્યારે ગઝલો ‘સુમન’ની સુમન ગાય છે.

……..આ છે છેલ્લી ઘડી એકવાર આવો,

માલિક ઓ મારા જીવનના, આ છે છેલ્લી ઘડી એકવાર આવો,
નહીં બોલું કશું,નહીં પૂછું કશું,કરવા છે મને દિદાર આવો.

સપનાં આંખો થી વરસે છે,અરમાનની વસ્તી તડપે છે,
હવે હાથથી જીવન સરકે છે,દુખમાં છે ઘણો સંસાર આવો.

વિશાળ ગગનનાં અંધારાં એક ચાંદ ઉલેચી નાખે છે,
સદીઓની તડપ છે શાંત થશે,છોડીને બધું પળવાર આવો.

ઇશ્વર સમજીને પૂજ્યાં છે એ વાત જમાનો જાણે છે,
નહીં આવો તો બદનામ થશો,શણગાર કરી સરકાર આવો.

નફરતના જામ બધા મેં તો,અમૃત સમજીને પીધા છે,
ભોળા દિલને સમજાવીશ હું,કરવાને ભલે ઇન્કાર આવો

……તો સ્વર્ગ મળે છે જીવનમાં.

રમતાં રમતાં બે હાથ મળ્યા ને સ્પંદન જાગ્યાં તનમનમાં,
યૌવનનો થોડો ઝાઝેરો અહેસાસ કર્યો તો બચપનમાં.

કામ મળે જો પ્રિતમાં તો તડપાવે,દોઝખ-શું લાગે,
જો હોય પવિત્ર પ્રેમ અગર તો સ્વર્ગ મળે છે જીવનમાં.

હું દિવ્ય પ્રણયનો માલિક છું જ્યાં ઉમ્ર કરે ના કોઈ અસર,
ઘડપનમાં હસે,બચપનમાં હતી,મસ્તી જે રહી છે યૌવનમાં.

હો પ્રીતભરી એકાદ નઝર,તો યાદ રહે છે જીવનભર,
હું લાખ નઝરનો માલિક છું,જે રહેશે હરદમ અંજનમાં.

સ્વાર્થભરી દુનિયામાં ‘સુમન’સંબંધ બધાયે સુખના છે,
ખ્વાબોના યાદોના સાથી તો સાથ રહે છે હરપળમાં

જયસુખ પારેખ ‘સુમન’

રંગ હતો કંઈ ઔર!

મેં જોઈ તને તળાવની પેલે પાર,

બગીચાના એક કમળમાં,

…. બનીને પતંગિયું

પાણી પર કૂદકા મારતો મારતો
બેઠો તારી પાંદડી પર,

સાંઝ પડી

ધીમે ધીંમે બીડાયું કમળ,

સથે હુ પણ,

ઓગળાવીને મારું અસ્તિત્વ થયો ધન્ય,

ફરી પડી સવાર,

ફરી ખિલ્યું કમળ

પણ રંગ હતો કંઈ ઔર!

-સુમન

….દિલ સુધી પહોંચો તો જાણો,ખાનદાની કેટલી?

જિંદગાની કેટલી ને, છે જવાની કેટલી?
પણ પ્રણયની લાગણીઓ છે મઝાની કેટલી?

બારણા પર તો બધાનો આવકારો હોય છે,
દિલ સુધી પહોંચો તો જાણો,ખાનદાની કેટલી?

એક પળ નક્કી નથી ને વાત ભવભવની કરું,
લાખના સોદા કરું પણ આમદાની કેટલી?

આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ઘણી,
તડપવાની કેટલી,ને માણવાની કેટલી?

આજથી મેં પણ બધીએ માંગણી પડતી મૂકી,
માંગવાની કેટલી,ને પામવાની કેટલી?

-જયસુખ પારેખ ‘સુમન’

………….સ્પર્શ સુંવાળો ગમે,

આંગળીના ટેરવાને સ્પર્શ સુંવાળો ગમે,
કોણ એવું હોય જેને પંથ કાંટાળો ગમે?

ફૂલ કોઈ પાથરે છોને,છતાં ચાલું નહીં,
આગ હો કે બાગ હો પણ સાથ એ તારો ગમે.

દ્વાર પર એના જઈ સઝદો કરું હું હરઘડી,
જાન દે કે જાન લે પણ યાર એ પ્યારો ગમે.

અર્થ સીધા નિકળે એ શબ્દ ના શું અર્થ છે,
મુંઝવે મનને, મને મોઘમ એ ઈશારો ગમે.

બેરુખી કે હમદમી તું જે કરે મંજુર છે,
તારી સાથે પ્રેમમાર્ગે લેખ લખનારો ગમે.

આંખ મિંચી તારો પાલવ પકડી હું ચાલ્યા કરું,
એક ઘડી કે સો જનમ પણ તારો સથવારો ગમે.

-સુમન

…..ફર્ક ઘણો છે સમઝણ વચ્ચે

ઝરણું ફૂટ્યું મૃગજળ વચ્ચે,

જીવન ધબક્યું બે પળ વચ્ચે.
સ્વર્ગપરી સંતાણી સ્વર્ગે,

હું અટવાયો વાદળ વચ્ચે.
એક જગ્યા છે પ્રેમ રહે જ્યાં,

એ છે કીકી કાજળ વચ્ચે.
કેમ કરી ખુશ્બૂ સંતાડે,

ફૂલ ફસાયું કાગળ વચ્ચે.
શીરીતે શોધું યાદોને,

આંસુ સરક્યું ઝાકળ વચ્ચે.
ખૂબ મઝાનું સ્પંદન માણ્યું,

યૌવન કૂદયું બચપણ વચ્ચે.
મનની આંખો મોજ કરે છે,

હોય ભલે જગ બે જણ વચ્ચે.
આજ અચાનક એવું મલક્યાં,

આંસુ થોભ્યું પાંપણ વચ્ચે.
પ્રેમ ખુદા છે,સમજાવું પણ,

ફર્ક ઘણો છે સમઝણ વચ્ચે.
-સુમન

મને માફ કર, મને માફ કર.

ક્યાં નસીબ કે બનું હમસફર,મને માફ કર, મને માફ કર.
મને ભૂલ ને શરુ કર સફર, મને માફ કર, મને માફ કર.

જે સમય વિત્યો હતો સાથમાં, બસ એટલો હતો હાથમાં,
હવે ક્યાં નસીબ છે એક નઝર,મને માફ કર, મને માફ કર.

મારું એક કદમ છે કબર મહીં, તારી જિંદગી હજી ઘર મહીં,
નાસમઝ ન બન હવે જીદ ન કર,મને માફ કર, મને માફ કર.

હું તો આંસુઓની તલાશ છું, તું તબ્બસ્સુમોની પ્યાસ છો,
ન હો બન્નેનું કદી એક ઘર, મને માફ કર, મને માફ કર.

મારી બદનસીબી છે બેહિસાબ,તારી ખુશનસીબી છે લાજવાબ,
તું ખુશીમાં રહે સદા તરબતર, મને માફ કર, મને માફ કર.

-જયસુખ પારેખ ‘સુમન’

જો કદી હું વિધાતા થવાનો.

એક પરબ પ્રેમની ખોલવનો,જો કદી હું વિધાતા થવાનો.
કોઇ તરસ્યો ન પાછો જવાનો,જો કદી હું વિધાતા થવાનો.

વહાલું જે હોય તે સૌ ને મળશે,કોઇ ને જોઇ કોઇ ન જલશે,
ને નહીં હોય વચ્ચમાં જમાનો,જો કદી હું વિધાતા થવાનો.

સૌ મહોબ્બતની કરશે ઉજાણી,રહેશે નફરત બધાથી અજાણી,
હરઘડી પ્યાર પેદા થવાનો,જો કદી હું વિધાતા થવાનો.

રહેશે ખ્વાહિશ કોઇ ન અધુરી,આંખ મિંચે ને થાશે એ પુરી,
એવો ઈલમ બધાને મળવાનો,જો કદી હું વિધાતા થવાનો.

જાન લેશે ન કોઇ કોઇની,જાન દેશે બધા ત્યાં બધાને,
આદમી હર ખુદા ત્યાં થવાનો,જો કદી હું વિધાતા થવાનો.

-જયસુખ પારેખ ‘સુમન’