શબ્દો ઓછા પડશે, મૌનનો તું અનુવાદ ન કર;

શબ્દો ઓછા પડશે, મૌનનો તું અનુવાદ ન કર;
નજરો જો વાત કરે તો ઠાલા તું સંવાદ ન કર.

સુખના હોય એક દુઃખના એ ખારા જ હોય છે;
વહેવા દે, વહેતા આંસુઓનો તું સ્વાદ ન કર.

સૂતો છે, સુવા દે ભગવાનને નિરાંતે મંદિરમાં;
મંદિરે વારે વારે સવાર સાંજ તું ઘંટનાદ ન કર.

બહેરો છે ફોજદાર ને સાવ આંધળો ન્યાયાધીશ;
કોણ કરશે હવે ન્યાય? ખોટી તું ફરિયાદ ન કર.

ક્યાં કદી એ જવાબ આપે છે કે તને આપશે એ;
આયના સાથે તન્હાઈમાં તું વાદ વિવાદ ન કર.

વીસરી જવાનું કહી નીસરી ગયા નટવર એ તો;
વીસરી જે ગયા, એને નિશદિન તું યાદ ન કર.

નટવર મહેતા

સળગ્યા રાખે છે મારા દિલમાં એક તાપણું;

સળગ્યા રાખે છે મારા દિલમાં એક તાપણું;
કેવી રીતે જાણું?કોણ પરાયું, કોણ આપણું?

ખોવાયો ગયો છું હું એના ખયાલોમાં એવો;
મારા ગામમાં મને જડતું નથી મારું આંગણું.

ક્યારે આવે, ક્યાંથી આવે મોત કોને ખબર;
લો,મેં તો ભાઈ ખુલ્લું રાખ્યું છે મારું બારણું.

નથી બીજી કોઈ મનમોહિની એના જેવી;
ઘડી એને પ્રભુએ તો ફેંકી દીધું હતું ટાંકણું.

જાગતી રાતો ને આવતી એની આ યાદો;
કોણ ઝુલાવ્યા કરે છે એની યાદોનું પારણું?

સમજદારોને તો એક ઇશારો પૂરતો હોય છે;
એક ઇશારાથી કહેવાય જાય થોડામાં ઘણું.

શાકી બે બુંદ રેડી દે મારા ગળતા જામમાં;
શરાબ વિના આ જીવવું લાગે અળખામણું.

નટવરના સપનામાં આવે બોલાવ્યા વિના;
રૂબરૂ આવી જીવનમાં બનાવ એ સોહામણું.

નટવર મહેતા

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?
બેઠો છું મયખાને, હાથમાં ગળતો જામ આવ્યો.

ચાલતા ચાલતા થઈ ગયા રાહ જુદા બન્નેના;
જિંદગીની સફરમાં આ તે કેવો મુકામ આવ્યો?

નામ મારું ગૂંથીને આપ્યો હતો એમણે રૂમાલ;
આજ એ જ આંસુ લૂંછવાને મને કામ આવ્યો.

રાહ જોતો રહ્યો ભવોભવથી હું જેની દોસ્ત હું;
લો,એનો ન આવવાનો આજ પયગામ આવ્યો.

ભલે ન આવવા દીધો એની જિંદગીમાં મને;
એના સપનાંઓમાં હું રોજ સરેઆમ આવ્યો.

હાય રે! યદા યદા હી કહી એ ય વીસરી ગયો;
ધરતી પર ન તો ફરી કદી ઘનશ્યામ આવ્યો.

જીવતેજીવ ન છૂટ્યો જિંદગીની હાયવોયમાંથી;
સુતો જ્યારે હું કબરમાં,થોડો તો આરામ આવ્યો.

પરદેશની આબોહવાએ બદલ્યો એવો નટવરને;
કોઈએ ન ઓળખ્યો,જ્યારે એ એના ગામ આવ્યો.

નટવર મહેતા

સનમ તારી આંખો છે કે છટકું?

સનમ તારી આંખો છે કે છટકું?
હું તો તારી આસપાસ જ ભટકું.

દુનિયા આખી ભલે ભુલાવી દે;
ગનીમત છે હું તારા દિલમાં ટકું.

વીંધાઈ જાઉં તો શું થયું હવે?
ગજરો બની તારી જુલ્ફે હું લટકું.

કેવી રીતે વીસરું હું તને સનમ?
રૂપ તારું સૌ હસીનાઓથી અદકું.

નજર ન લાગી જાય મારી તને;
લગાવી દે ગાલે મેસનું તું ટપકું.

લજામણી જેમ લજાય જાય તું;
ભૂલથી જો તને કદીક હું અડકું.

કેવી રીતે પહોંચું હું તારા ઘરે?
એક કદમ ચાલી બે કદમ અટકું.

ગાગરમાં સાગર સમાવી દે એ;
આ મન છે એક બહુ મોટું મટકું.

ખરી ન પડે આ આંસુનું મોતી;
આંખો મારી ન મારે એક મટકું.

વાત સાચી કહે સહુને નટવરને;
દુનિયા આખીને હું એટલે ખટકું.

-નટવર મહેતા

હવે આ અસીમ ઉદાસીને હરદમ સાથે રાખવાની છે;

હવે આ અસીમ ઉદાસીને હરદમ સાથે રાખવાની છે;

ને બેસ્વાદ એકલતાને અમૃતની જેમ ચાખવાની છે. 

તારા વિના જિંદગી કેવી હશે કોને ખબર કે તને કહું;

થોડા શ્વાસ લઈ ઉચ્છવાસ છોડી વેડફી નાખવાની છે.

 એક પલ્લામાં આંસુ, એક પલ્લામાં થોડી મુસ્કુરાહટ;

એ બે ચીજ મારે તો એક જ ત્રાજવામાં જોખવાની છે.

દિવસ તો જેમ તેમ વીતી જાય સનમ તારી યાદમાં;

રાત હવે મારે તારા સુહાના સપનાથી પોંખવાની છે.

 તારી ગલીને ઈદગાહ સમજી હર નમાજ અદા કરી છે;

બસ, હવે અલ્લાહે મારી સારી તકદીર ભાખવાની છે.

 આ લખવાનું ક્યારે પૂરું થશે નટવર એ કેવી રીતે કહે;

હજુ તો કેટલી ય વેદના આ શબ્દોમાં આલેખવાની છે.

 

લાગે છે ડર મને હવે આ હવાથી;

લાગે છે ડર મને હવે આ હવાથી;
વાતનું કરે વતેસર એક અફવાથી.

દુઆ કરો દોસ્તો, મારા માટે તમે;
કંઈ ફેર નથી પડવાનો હવે દવાથી.

હાથ લંબાવીને શું કરવું હવે મારે?
પ્રભુ કંઈ નથી આપતો માંગવાથી,

ન ખબર હતી કે હું મારો ન રહીશ;
કોઈના માટે હું ખાસ થઈ જવાથી.

પ્યાસ રણની લઈને ફરતો રહ્યો હું;
જળ ઉછીનું લીધું છે મેં ઝાંઝવાથી.

ચાલતા ન શિખી શક્યો બરાબર હું;
ડરતો રહ્યો પડવાથી, આખડવાથી.

ધાકોર દિવાલ તરબોળ થઈ ગઈ;
થોડા વાદળાઓ ભીંતે ચીતરવાથી.

પુર નથી આવતા આંસુંઓની નદીમાં;
વારે વારે કોઈને યાદ કરીને રડવાથી.

વેદના થોડીક ઓછી થાય છે નટવર;
આ કલમને આંસુંમાં ડુબાડી લખવાથી.

નટવર મહેતા

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;
જ્યારે બાંધ્યો હતો ત્યાં પંખીએ એક માળો.

તડકો તપી તપી સુવર્ણ બની અહિં છવાયો.
દોસ્ત! કેવો ખીલી ઊઠ્યો તાપમાં ગરમાળો.

તું જો સાથ આપશે તો પુષ્પો પથરાય જશે;
પ્રેમપંથ આપણો ભલેને હશે ભારે પથરાળો.

દાખલો લાગણીનો સાવ ખોટો ગણતો રહ્યો;
કરવાની હતી બાદબાકી, કર્યો મેં સરવાળો.

મેળવે બે દિલને ને કરી દે અલગ તડપવા;
પ્રભુ! તું પણ કરે છે કેમ આવો અટકચાળો?

કંઈ થયું નથી,એક અમસ્તું દિલ તૂટ્યું મારું;
શેને થયો દુનિયામાં એનો આટલો હોબાળો?

કફન ઓઢી સૂતો ત્યારે મળવા આવી મને;
કેમ સુઈ ગયા?કર્યો સવાલ મને અણિયાળો.

કોણ કોનું ક્યારે છે એ ક્યારે ય ન સમજાય;
લાગણીનાં તાણાવાણામાં છે ભારે ગુંચવાળો.

એ જ સંબંધ આ દુનિયાને કેમ ખૂંચે છે વધારે?
દોસ્ત હોય છે જે સંબંધ લીસ્સો, સાવ સુંવાળો.

હું તો ખુદને માનતો રહ્યો નટવર જિંદગીભર;
ભવની ભવાઈ ભજવતા થઈ ગયો તરગાળો

નટવર મહેતા

જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની?

જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની?
જે કદી ય પુરી ન થાય એવી મન્નત શું કામની?

જા, હવે નથી રમવું મારે તારી સાથે સનમ કદી;
હું હારું,તું જ કાયમ જીતે એવી રમત શું કામની?

થતા થતા થઈ જાય ઇશ્ક ને જિંદગીભર રોવાનું;
રડતા રડતા જ માણવાની એ ગમ્મત શું કામની?

જે દિલમાં કદી પ્યાર પ્રગટ્યો હતો કોઈના કાજ;
હવે એ જ ઘાયલ દિલમાં આ નફરત શું કામની?

નથી એનો કોઈ સાચો જવાબ કોણ કોને વધુ ચાહે;
જેનો ન હોય ઉત્તર એ પ્રશ્નની મમત શું કામની?

આઈનો ય વાંચી લે છે હર ચહેરા પાછળનો ચહેરો;
કદી ય જે ન છુપાવી શકાય એ વિગત શું કામની?

મહેફિલમાં આવી ગેરની નજમ પર વાહ વાહ કરે;
નટવર,હવે એ જાલિમ સનમની સંગત શું કામની

નટવર મહેતા

પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;-નટવર મહેતા

પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;
લાગણી છે એક જેનું કોઈ બંધારણ નથી.

દર્દ દિલમાં વસાવ્યું છે એક મનગમતું;
દરદ-એ-દિલનું દોસ્ત, કોઈ મારણ નથી.

આંખ ક્યારેક છલકાય છે અમસ્તી દોસ્ત;
બાકી આમ તો રડવાનું કોઈ કારણ નથી.

યાદ કરતો રહું હું તો એમને નિશદિન;
દોસ્ત, જેને મારું જરા ય સંભારણ નથી.

ક્યારેક તો પાંગરશે પ્યાર એને મારા માટે;
દિલ છે એનું, કોઈ અફાટ કોરું રણ નથી.

બુકાની બાંધીને મળ્યા રાખે સૌ જાણીતા;
તારા આ શહેરમાં કોઈ અજાણ્યું જણ નથી.

બંધ મૂઠ્ઠીએ આવ્યો હતો હું આ જગતમાં;
ખાલી હાથે જઈશ, મારે કોઈ ભારણ નથી.

ક્યાં સુધી લખતો રહેશે નટવર તું નાહક?
સમાય શબ્દોમાં એવું જિંદગીનું તારણ નથી

પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે

પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

જુદા જુદા રિંગટોન ભલે ડાઉનલૉડ કર્યા આપણે અહિં
ખરો રિંગટોન તો આત્માનો ક્યાં કોઈને સંભળાય છે ?

તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
ને તારા મૌનનો પડઘો હજુ ફોનમાં મારા પડઘાય છે !!

મારા પ્રેમનો કોરો ટેક્ષમેસેજ હમણા સેંડ કર્યો છે તને
તું વાંચી લે જે મારા સંદેશમાં જે કંઈ તને વંચાય છે.

જો મારૂં તો હરદમ રોમિંગ ફ્રી યુનિવર્સલ નેટવર્ક છે
ને તને રોમાંસ કરવાનો ચાર્જ તો ય કેમ લાગી જાય છે?

રિચાર્જ કરવાની તારી રીત નિરાલી છે કે તું થતી નથી
ને મારા સિમકાર્ડમાં તો તારો ઈતિહાસ સમાય જાય છે!

પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

નટવર મહેતા

ન હતી ખબર કે આ જિંદગીમાં એવા ય મુકામ આવશે;

ન હતી ખબર કે આ જિંદગીમાં એવા ય મુકામ આવશે;
સંઘરેલ આંસુંઓ જ પ્યાસ બુઝાવવા મને કામ આવશે.

બેઠો છું લઈ હાટ થોડા સપનાઓને વેચવા બજારમાં;
છે ખંડિત સપનાઓ,પણ એનાં કંઈક તો દામ આવશે.

દોષ ન આપશો સાકીને, મારા દોસ્તો, ન પયમાનાને;
છું જ બદકિસ્મત,મારા હાથમાં તો ખાલી જામ આવશે.

જવું જ હોય આપને સનમ તો ભલા હું કેવી રીતે રોકું?
ખ્યાલોમાં આવતા જતા રહેશો,જીવવાની હામ આવશે.

દરવાજા વાસીને, બારીઓ બંધ કરીને અમે જોઈ લીધું;
નફ્ફટ એવી તન્હાઈ તો મળવા મને સરેઆમ આવશે.

લૈલા મજનૂ, શીરી ફરહાદ, રોમિયો જુલિએટ યાદ સૌને;
નવા ઇતિહાસમાં એક દી સનમ આપણું ય નામ આવશે.

ન જાઉં હું કદી કાશી મથુરા, ન કરું હું કદી તીરથ યાત્રા;
જ્યાં પડ્યા પડછાયા સનમનાં ત્યાં મારા ચારધામ આવશે.

જનાજો બરાબર સજાવો દોસ્તો નટવરનો આખરી વેળાએ;
મર્યો કે નહીં એ જોવા મને મારનારા મિત્રો તમામ આવશે.

નટવર મહેતા

આંખો મારી અને એમની હવે મળી જાય તો સારું;

આંખો મારી અને એમની હવે મળી જાય તો સારું;
આ બેજાન મારી જિંદગી હવે ફળી જાય તો સારું.

હમણાં જ આવ્યા તો આપ જવાની વાત ન કરશો;
આપની વિદાયની એ વેળા હવે ટળી જાય તો સારું.

ગઈ જે પળો જિંદગીમાંથી,પાછી આવતી નથી કદી;
એમની સાથે ગાળેલ પળો હવે વળી જાય તો સારું.

હોઠોથી કહેવાની હવે ક્યાં કંઈ જરૂર રહી છે સનમ?
મારા ને તમારા ઉચ્છવાસ હવે ભળી જાય તો સારું.

આયનાની ય નજર લાગી જશે તમને સનમ કદી;
નિહાળી તમને આયનો ય હવે છળી જાય તો સારું.

સાકી તેં ભર્યા છે પયમાના,હું પી રહ્યો છું નજરોથી,
રગબેરંગી બધા પયમાના હવે ગળી જાય તો સારું.

મળીને જો જુદા જ થવાનું હોય સનમ આ જિંદગીમાં;
એ પહેલાં જ જિંદગી આપણી હવે ઢળી જાય તો સારું.

લખી રહ્યો છે નટવર જેના કાજ, ન કરે અસર એને;
દુઆ કરો યારો, કલમ મારી હવે બળી જાય તો સારું.

નટવર મહેતા

હું ચાહું મારા દિલમાં તારો ધબકાર મળે;

હું ચાહું મારા દિલમાં તારો ધબકાર મળે;
બસ જ્યાં જાઉં ત્યાં થોડો આવકાર મળે.

તારી સાથે જ ભવોભવ જીવવાનું મળે
અને હર ભવ માણસનો અવતાર મળે.

ખામોશી પણ બોલતી રહે છે મારી સાથે;
વહેતી હવામાં તારો સુરિલો રણકાર મળે.

ગીતો હું ગાતો રહું તારા હર મહેફિલમાં;
અને વાહ વાહ કરતો કોઈ દરબાર મળે.

જ્યાં જ્યાં ખીલે કોઈ પુષ્પ કોઈ ડાળ પર;
ત્યાં ત્યાં સનમ મને તારો શણગાર મળે.

નથી જોઇતા રાજ કે નથી કોઈતા મહેલ;
બસ સનમ સાથે રહેવા નાનું ઘરબાર મળે.

આંખો બંધ કરે એની નટવર જ્યારે જ્યારે;
દરેક મારા સપનામાં તારો જ ચિતાર મળે

નટવર મહેતા

જ્યારથી વાત સનમ તમે મારી નકારી છે;

જ્યારથી વાત સનમ તમે મારી નકારી છે;
આ જિંદગી મારી હવે તો બહુ અકારી છે.

એના કારભારમાં ય કોઈ ભલી વાર નથી;
ખુદા છે કે કોઈ ખાય બદેલો અધિકારી છે?

ટકે શેર ભાજી, ટકે શેર ખાજા વેચાય જ્યાં;
સોના જેટલું મોંઘું હવે તો સહુ તરકારી છે.

સજાવે બહુ, નચાવે એના નશીલાં નયનોને;
એમની આંખોમાં મારા સપનાની સવારી છે.

બધું જ છે તો ય લાગે છે જાણ કંઈ નથી;
હર વખત સતાવતી આ કેવી બેકરારી છે?

ન કરવા જેવું તું સાવ અચાનક જ કરે છે;
સનમ મારી, તારી અદા જાણે સરકારી છે.

હું જો એના તરફ સહેજ નજર ન કરું કદી;
એ કહે મને, તારી આ કેવી બેદરકારી છે?

એમ જ બહુ લખ્યા રાખ્યું આમ તેમ તો મેં;
લખી નથી શક્યો એ લખવાની લાચારી છે.

ન કહી શક્યો નટવર કદી એમને એ વાત;
હર વખત જે એમને મેં કહેવા વિચારી છે.

નટવર મહેતા

હું તો થઈ ગયો ફિદા એની હર ચાલ પર;

હું તો થઈ ગયો ફિદા એની હર ચાલ પર;
બેસાડ્યો એણે તલ રૂપે દરવાન ગાલ પર.

કરો છો કે નહીં તમે ય મને પ્યાર સનમ?
શરમાઈ ગયા એઓ મારા આ સવાલ પર.

હસીને હસીને તોડ્યું છે દિલ એમણે મારું;
તો ય નથી થતો શક એમના વહાલ પર.

તા તા થૈયા કરાવતો રહ્યો જિંદગીભર મને;
નાચતો રહ્યો હું ય આ સમયના તાલ પર.

થોડા આંસું, થોડી તન્હાઈ રહી ગઈ બાકી;
નવ કરશો કોઈ શોક હવે મારા હાલ પર.

નથી કરવા તો ય યાદ આવ્યા રાખે એઓ;
ક્યાં હોય છે કદી કાબુ કોઈનો ખયાલ પર?

ભલેને કોરી કોરી છે હવે આ જિંદગી મારી;
રહી ગયા છે થોડા દાગ દિલની દિવાલ પર.

લખતા તો સૌ કોઈને આવડે નટવર અહીં;
અમથો અમથો ન ખુશ થા તારી કમાલ પર.

નટવર મહેતા

સનમ, તમારો આખો સમાજ આનોખો છે;

સનમ, તમારો આખો સમાજ આનોખો છે;
દિલ તોડીને હસવાનો રિવાજ અનોખો છે.

સંભળાયા રાખે પડઘાઓ એમના સુરના;
પ્રેમમાં હર તન્હાઈનો અવાજ અનોખો છે.

ભલે કર્યો દૂર પણ એમના દિલમાં રહું હું;
એમના પર દોસ્ત, મને નાજ અનોખો છે.

એક ઇશારામાં સમજી જાઉં દિલની વાત;
સનમ, મારો તો હર અંદાજ અનોખો છે.

ક્યારેક શોલા, ક્યારેક લાગો તમે શબનમ;
મળ્યા પછી મને તમારો મિજાજ અનોખો છે.

દરદ-એ-જિગરની નથી થતી પીડા અમને;
હર જખમનો એમનો ય ઇલાજ અનોખો છે.

આપના પગલે પગલે પુષ્પો બિછાવી દઈશ;
તમારો આ આશિક,બંદાનવાજ અનોખો છે.

થઈ રહી છે નટવરની દીવાનામાં ગણતરી;
ઇશ્કના રાજમાં મળેલ સરતાજ અનોખો છે.

નટવર મહેતા

ન ગમતા ઘણાં ય સગપણ લઈને ફર્યા છીએ અમે;

ન ગમતા ઘણાં ય સગપણ લઈને ફર્યા છીએ અમે;
વીસરાય ગયા જે વળગણ લઈને ફર્યા છીએ અમે.

આંખોમાં ભલે હોય ઘૂઘવતો એક દરિયો આંસુંનો;
દિલમાં કોરું કટ અફાટ રણ લઈને ફર્યા છીએ અમે.

કાગળની ઘણી હોડીઓ તરાવી હેતની હેલીમાં અમે;
સતત ખોવાયેલ પેલું બચપણ લઈને ફર્યા છીએ અમે.

જ્યાં જ્યાં નજર કરી તમને જ નિહાળ્યા છે અમે તો;
આ તે તમારું કેવું ગાંડપણ લઈને ફર્યા છીએ અમે?

રસ્તો મંજિલ અતો પતો શહેર ગામ શેરી કે મહોલ્લો;
તમારા ઘર તરફ જતા ચરણ લઈને ફર્યા છીએ અમે.

તમારી નશીલી નજર પડી હતી અમારા પર ક્યારેક;
જિંદગી જીવવાનું એ જ કારણ લઈને ફર્યા છીએ અમે.

સર પર બાંધ્યું રંગીન કફન તમારી હસીન યાદોનું;
સાથ બગલમાં હરદમ મરણ લઈને ફર્યા છીએ અમે.

આસરો કે સહારો ન આપ્યો જ્યારે જાલિમ દોસ્તોએ;
બસ આ ઠાલા શબ્દોનું શરણ લઈને ફર્યા છીએ અમે.

મતલાથી મક્તા સુધી નથી પુરી થતી ગઝલ નટવર;
દિલની વાતનું આ અવતરણ લઈને ફર્યા છીએ અમે.

નટવર મહેતા

મારી તો બસ હવે છે એક જ અભિલાષા;

મારી તો બસ હવે છે એક જ અભિલાષા;
ઊકેલું સનમ, કદી તારી આંખોની ભાષા.

મળવું હોય તો આવીને મળી જા જલદી;
પણ ન મોકલાવ અબોલાના આ જાસા.

કેવી રીતે જીતુ હું બાજી પ્યારની દોસ્ત?
અવળા પડી રહ્યા છે મારા હરેક પાસા.

થઈ ગયા છે અહીં દિલના ટુકડે ટુકડા;
ક્યાંક વહેંચાય રહ્યા છે ખુશીના પતાસાં.

આલમ તન્હાઈનો એવો વસી ગયો છે;
જિંદગી શું તારુ બીજું નામ છે હતાશા?

આંખોને તો પડી ગઈ આદત આંસુની;
હવે નથી કામ આવતા કોઈ દિલાસા.

જુની આંખે નવું નવું જોઈ રહ્યો નટવર;
જુના તખ્તે થઈ રહયા છે નવા તમાશા.

નટવર મહેતા

સાકી,આજ કાં તો વિસ્કિ બ્રાન્ડી કે રમ આપી દે;

સાકી,આજ કાં તો વિસ્કિ બ્રાન્ડી કે રમ આપી દે;
પછી ભલેને તું મને દુનિયાભરના ગમ આપી દે.

નાના મોટા ઘા તો બહુ આપ્યા છે તેં દોસ્ત મારા;
હવે કદી ન રૂઝાય એવો દૂઝતો જખમ આપી દે.

મારા ઘાયલ દિલની વાત રહી ન જાય દિલમાં;
વગર કહ્યે સમજી જાય એવી એક સનમ આપી દે.

વિતાવી દઈશ આખે આખી જિંદગી એક સહારે;
કોઈ તો છે મારું એવો એક ખોટો ભરમ આપી દે.

ફૂલોથી ય છે વધુ કોમળ એમનો એ હસીન ચહેરો;
યાદમાં મારી ગુલાબી ગાલે થોડું શબનમ આપી દે.

સહરાની એક તરસ લઈ જીવી રહ્યો છું હું હરદમ;
કાં તો સનમના અધર કાં આબે ઝમઝમ આપી દે.

મંદિરમાં અદા કરું નમાજ, મસ્જિદે કરું હું આરતી;
ભગવાન મારા, હવે તું કોઈ નવો ધરમ આપી દે.

લખતા લખતા બહુ લખી નાંખ્યું નટવર હવે તો;
યુગો બાદ રહે યાદ એવી કોઈ નજમ આપી દે

નટવર મહેતા

જ્યાં જ્યા પડી છે એમની પા પા પગલી;

જ્યાં જ્યા પડી છે એમની પા પા પગલી;
મારું તો તીરથધામ બની ગઈ છે એ ગલી.

દિનભર ફરે દરબદર બેચેન મારા વિના;
રાતભર વિરહમાં વહાવે આંસું એ પગલી.

છે જ એવી એ માનુની, એક મનમોહિની;
જોતાં જ એને તનબદનમાં થાય ખલબલી.

શોધી શોધીને સુમનમાં હું તો થાક્યો છું;
કોણ જાણે ક્યાં સંતાડી સુવાસની ઢગલી!

બહુ સાચવ્યું તો ય ન સચવાયું મારાથી;
મારું ચેન, મારું ચિત ચોરી ગઈ મનચલી.

વસ્યો છે રૂંએ રૂંએ,થીજ્યો છે ટેરવે ટેરવે;
સ્પર્શ એનો મુલાયમ મુલાયમ મખમલી.

થતા થતા થઈ જશે ઇશ્ક એક વાર તમને;
હર શખ્સ લાગવા માંડશે અલ્લાનો વલી.

દુનિયાની કોને પડી છે હવે નટવર હવે?
હું ભલો, નજમ ભલી ને મારી સનમ ભલી.

નટવર મહેતા

આપી હતી કદી મેં એમને થોડી કાજળ;

આપી હતી કદી મેં એમને થોડી કાજળ;
એ જ લાવે છે હવે એમની આંખોમાં જળ.

પ્રેમની પ્યાસ એવી સતાવી રહી અમને;
છિપાવવા પ્રેમથી પીતા રહ્યા મૃગજળ.

પડ્યો છું હું એવો એમના પ્રેમમાં દોસ્તો;
પીડા છે અપરંપાર, કદી નથી વળી કળ.

જ્યાં જ્યાં જોઉં ત્યાં એમને જ નિહાળું હું;
પ્રેમમાં શું આંખોમાં ય આવી જાય પડળ?

વીસરી ગયા એ જ અમને સનમ બેવફા;
ધબક્યા રાખે જે ઘાયલ હ્રદયમાં હર પળ.

કાશ ભૂલથી કદી એ આપી પણ દે ઉત્તર;
લખું હું તો એમને હંમેશ જવાબી કાગળ.

ખુદને શોધી રહ્યો હું મુજમાં મને હરદમ;
કસ્તૂરીમૃગ સમો હું તો રઝળતો વિહવળ.

હર કદમ પર છેતરી રહી છે આ જિંદગી;
તારી હર ચાલ મારી જિંદગી બહુ અકળ.

કેમ તૂટ્યા કરે સપના, ખોવાય ખયાલો?
કહો દોસ્તો, જો હોય તમને કોઈ અટકળ.

ન માંગું સોના ચાંદી, ન માંગું હીરા મોતી;
બસ, તું આપ પ્રભુ, જીવવાનું થોડુંક બળ.

કોણ ક્યાં એમ ઓળખાય છે કદી નટવર?
માન્યા જેને આપણા,એ જ કરી જાય છળ

નટવર મહેતા

પેલો રાંચો અમસ્તો જ કૂદી કૂદી બરાડ્યા રાખે છે ઓલ ઇસ વેલ;

પેલો રાંચો અમસ્તો જ કૂદી કૂદી બરાડ્યા રાખે છે ઓલ ઇસ વેલ;
એ ઇડિયટ શું જાણે બે છેડા મેળવતા અહીં નીકળી જાય છે તેલ!

આમદની છે ભાઈ આઠ આની ને છે ખરચવા પડે ઢગલો રૂપિયા;
ઓલ ઇસ વેલ, ઓલ ઇસ વેલ બરાડતા નથી થવાની તાલમેલ.

કોથળામાં લાવતા જે ચીજ એ હવે આવી જાય ઝભલાં થેલીમાં;
ટકે શેર ભાજી ટકે શેર ખાજા, ખરચ બધો છે ખાતર પર દિવેલ.

ચોરના ભાઈ છે સહુ અહીં ઘંટી ચોર, જ્યાં ત્યાં મચાવે એ શોર;
વાત વાતમાં જાય ફરી, બદલવામાં વાત સહુ હોય એ કાબેલ.

હારેલાને દે જિતાડી, જીતનારને ચખાડી દે હારનો સ્વાદ કડવો;
રમવું પડે જેમ રમાડે રામ દોસ્તો, જિંદગી છે એક અદ્ભુત ખેલ.

પડતા પડતા એ જ પ્યારમાં સાવ અચાનક પડી જાય છે યારો;
જે જિંદગીભર પ્યારમાં ન પડવાની પોકારતા રહ્યા આલબેલ.

હસતા હસતા કરી ગયા એઓ મારા ઘાયલ દિલના ટુકડે ટુકડા;
રમત લાગણીઓની રમતા રમતા અમે થઈ ગયા બહુ ગાફેલ.

તારા કહેવાથી કંઈ વળવાનું નથી નટવર હવે તો શોક શાનો?
કહેવા દે એમને ઓલ ઇસ વેલ, ઓલ ઇસ વેલ, ઓલ ઇસ વેલ

નટવર મહેતા

પોસ્ટ કરી દીધો છે સનમ તને સાવ કોરો ખત;-નટવર મહેતા

પોસ્ટ કરી દીધો છે સનમ તને સાવ કોરો ખત;
તું જ કહે છે તને ક્યાં છે એને વાંચવાને વખત?

પ્યારની બાજીમાં હું હારું કે તું જીતે,શું પડે ફરક?
છોડ સનમ ઇશારાની ને અબોલાની આ રમત.

થાક્યા હોવું ય જરૂરી છે સારી નીંદર માટે દોસ્ત;
પછી ભલે હોય મારી પથારી કે ઓશીકું સખત.

સપનાંના વેપારમાં નફા નુકશાનનું સરવૈયું કેવું?
જાગતી રાતો ને આવતી યાદોની હોય છે બરકત.

ખુદની સાથે લડવાનું તો ય ખુદની સાથે રહેવાનું;
આ કમબખ્ત જિંદગી ય દોસ્ત, છે એક પાણીપત.

થોડા શબ્દો, થોડા પ્રાસ, એકાદ મત્લો ને મક્તો;
એક નજમમાં શી રીતે લખે નટવર બધી બાબત?

સંબંધોની દીવાલે વારંવાર હું ચણાયો છું-નટવર મહેતા

સંબંધોની દીવાલે વારંવાર હું ચણાયો છું
ભીની ભીની લાગણીઓમાં હું તણાયો છું

એની મલાખી આંખોની માયાજાળ અજબ;
એની નજરના તાણાવાણામાં હું વણાયો છું.

આદત છે દર્દ છુપાવવાની દિલમાં મને;
મહેફિલમાં હંમેશ ખુશખુશાલ હું જણાયો છું.

વાવ્યા છે થોડા સપનાઓ એની આંખોમાં;
રડતી આંખોમાં રતાશ બની હું લણાયો છું.

મને વીસરવાનો ભલે આજ એઓ દાવો કરે;
એક સમયે એમના અંગતમાં હું ગણાયો છું.

કેવી રીતે ખુદને બચાવે હવે નટવર કહો;
એક મીઠી મધુરી મુસ્કાનથી હું હણાયો છું.

પ્રેમ કરવાની થઈ ગઈ છે મારી ખતા;-નટવર મહેતા

પ્રેમ કરવાની થઈ ગઈ છે મારી ખતા;
હું તો થયો મારા જ નગરમાં લાપતા.

એવી રીતે એ ભેટી’તી મને પહેલી વાર;
…વટ વૃક્ષને જેમ લપટાય કોમળ લતા.

દિલ તૂટ્યું, ન થયો કોઈ અવાજ એનો;
ન જાણે કેમ દિલ હજુ ય ધબકે છે છતા.

થોડા અધૂરાં અરમાન, ખોબો ભરી આંસુ;
ને વસમી વેદના એ છે મારી થોડી મતા.

બહુ ચાહ્યું એના વિશે કંઈક કહું નજમમાં;
કદી ય ન આવડ્યું નટવરને એ લખતા.

-નટવર મહેતા

દિલ મારું તોડી એણે કહી દીધું સોરી;

દિલ મારું તોડી એણે કહી દીધું સોરી;
તમે જ કહો દોસ્તો કેવી છે એ છોરી?

બહુ સંતાડીને સાચવીને રાખ્યું હતું;
ને તો ય મારા દિલની થઈ છે ચોરી.

ડૂબ્યો હું એના ગાલોના ખંજનમાં;
હસીને મને તો છેતરી ગઈ એ ગોરી.

આંખ મારી હું કરું બંધ જ્યારે જ્યારે;
નજર આવે મને એના નેણ બિલોરી.

સહરામાં ય લાવી દે બહાર એવી એ;
એના અંગે અંગમાં વસંત છે મહોરી.

મનમોહક એની છટા,જુલ્ફ જાણે ઘટા;
છલોછલ છલકાય છે એની રૂપ કટોરી.

કેવી રીતે એને હું કદી વીસરી શકું?
મેં એનું ચિત્ર રાખ્યું છે દિલ પર દોરી.

એવું નથી જે વરસે એ ન કદી તરસે;
આંખ વરસે મારી ને છે એ સાવ કોરી.

ન પકડ્યો કે ન છોડ્યો નટવરને એણે;
નજર એની તો છે સુંવાળી રેશમ દોરી.

– નટવર મહેતા

એના એકના એક સરખાં સપનાં વાવીને શું કરું?

એના એકના એક સરખાં સપનાં વાવીને શું કરું?
રૂબરૂ જે ન મળે તો સપનાંમાં બોલાવીને શું કરું?

જીવતો દાટી દીધો છે મને દુનિયાભરના બોજમાં;
હવે મારા માટે નવી સવી કબર ખોદાવીને શું કરું?

 દોસ્તોએ હસી હસી દગા કર્યા રાખ્યા છે જિંદગીભર;
દાના દુશ્મનને એક વાર વિશ્વાસમાં લાવીને શું કરું?

હાથ છોડી ગયા, અધ સફરમાં સાથ છોડી ગયા જે;
એ બેવફા સનમ તરફ હાથ મારો લંબાવીને શું કરું?

ઉદાસીને બનાવી છે દાસી નથી કોઈની ખોટ ખાસી;
વીસરી ગયો હું હસવાનું તો તને હસાવીને શું કરું?

તાજા જખમોની આદત થઈ ગઈ છે હવે એવી મને;
દર્દ જ હવે દવા લાગે તો મલમ અજમાવીને શું કરું?

ઉઘરાણી ન કરો તમે હવે નટવર પાસે કોઈ નજમની;
ટેરવા ખરી પડ્યા એવા હાથે નજમ લખાવીને શું કરું?

– નટવર મહેતા

પ્રભુ માની જેને પુજો એ પથ્થર હોય છે.

પ્રભુ માની જેને પુજો એ પથ્થર હોય છે.
પ્રભુ ક્યાં કદી પથ્થરની ભીતર હોય છે?

જરૂર અહિં ક્યાંક થોડીક તો ગરબડ છે
તરણા ઓથે ક્યાંક કોઈ ડુંગર હોય છે!

પંખી ઊડી જાય છે જો ઊડવું હોય તો,
ભલેને સોનાનુ એનું પિંજર હોય છે।

મળ્યા કરે સહુ એક બીજાને ભેટીને.
એમના દિલો વચ્ચે ય અંતર હોય છે।

કરતા રહો પ્યાર તમે જિંદગીભર જેને
એને ક્યાં કદી એની કોઈ ખબર હોય છે!

તમારી રાહમાં વિતાવી મેં મારી જિંદગી
દિવાનાઓમાં એક જ ‘નટવર’ હોય છે !!

 

-નટવર મહેતા