શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.

એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની,
એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે.

જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.

એક-બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી,
હર્ષથી બોલી ઉઠ્યા સૌ, ‘આવ રે વરસાદ’ છે.

રેતના દરિયા ઉલેચીને છુપાઈ લાગણી,
શી ખબર એને બધાની ભીતરે વરસાદ છે.

તગતગે એની સ્મૃતિ ‘ચાતક’ હજીયે આંખમાં,
લોક છો કહેતા ફરે કે આંગણે વરસાદ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

એક આંસુ આંખમાં છે, બ્હાર કાઢી આપ તું,

એક આંસુ આંખમાં છે, બ્હાર કાઢી આપ તું,
લાગણી સંવેદનાને ધાર કાઢી આપ તું.

ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.

ટળવળું છું ક્યારનો હું પ્હોંચવા એના ઘરે,
શક્ય હો તો સાંકડી પગથાર કાઢી આપ તું.

ને ખુલી આંખે અસંભવ હોય જો એનું મિલન,
તો મિલનના સ્વપ્નની વણજાર કાઢી આપ તું.

હર સમસ્યાના ઉકેલો આખરે તુજ પાસ છે,
હસ્તરેખાઓ નવી બે-ચાર કાઢી આપ તું.

એક-બે છાંટે શમે ‘ચાતક’ નહીં દાવાનળો,
આભ ફાડી મેઘ મુશળધાર કાઢી આપ તું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

જળ પર પડે પવનનાં પગલાંઓ ધીરે ધીરે,

જળ પર પડે પવનનાં પગલાંઓ ધીરે ધીરે,

ખીલે પછી કમળનાં ચ્હેરાંઓ ધીરે ધીરે.

કેવો હશે મધુર એ સંસ્પર્શનો અનુભવ,

ગુંજે છે તાનમાં સહુ ભમરાઓ ધીરે ધીરે.

સારસ ને હંસ યુગ્મો ચૂમી રહ્યાં પરસ્પર,

તોડીને મૌનના સૌ પરદાંઓ ધીરે ધીરે.

તું જાતને છૂપાવી કુદરતથી ભાગશે ક્યાં ?

એ ખોલશે અકળ સૌ મ્હોરાંઓ ધીરે ધીરે.

વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,

બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.

ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,

છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.

સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની

ચાતક વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’