વાયુની લહરીઓમાં પરિચિત સુવાસ છે,

વાયુની લહરીઓમાં પરિચિત સુવાસ છે,
મારા હ્રદયની ઊર્મિઓ શાને ઉદાસ છે ?

ખીલે જખમનાં ફૂલ ફરી આવી છે વસંત,
થીજેલા આ રુધિરને ઝાકળની પ્યાસ છે.

સંભારણાં ફરી ફરી ચીતરે છે ચિત્ર કંઈ
ભીનપ છે આંખે અશ્રુની, ને ઉષ્ણ શ્ર્વાસ છે.

કિરણો ફૂટે-પ્રભાતમાં ચીરીને વાદળાં,
એક એક એ કિરણ મહીં દીપકનો વાસ છે.

સૌન્દર્યનું ઝરણ બધે વહેતું દીસું છું હું,
બ્રહ્માંડ મુજ નજર મહીં સૌંદર્ય-વાસ છે !

આભાસ કહી શકું ન, કહું દ્રષ્ટિભ્રમ ફક્ત,
સર્જન છે યા બધુંય, જે સર્જકનો ભાસ છે.

દ્દશ્યો જુદાં છે, ચિત્ર છે એક જ નિસર્ગનું,
કન્દીલ છે ભિન્ન રંગની, એક જ ઉજાસ છે.

ઝાંખા મિનાર જોઉં છું, પથ દૂર છે ‘નસીમ’,
ઉરને જીવનની આશ છે, તૂટેલ શ્ર્વાસ છે.

નસીમ

વિશ્ર્વપથમાં વિહાર મારો છે !

વિશ્ર્વપથમાં વિહાર મારો છે !
ઊંડે જીવન-ગુબાર મારો છે !

ઉપવન જિન્દગીનું રાખું છું,
ફૂલ મારું છે, ખાર મારો છે !

વાયુના પાલવે નથી ખુશ્બૂ,
ઉરનો સુરભિ પ્રસાર મારો છે !

શોધું કાંઠો, નથી હું કંઈ મોજું,
વારિધિ બે-કિનાર મારો છે !

રંગ નીરખું-નિસર્ગનો છે કે-
એ નિસર્ગી વિચાર મારો છે !

રૂપ તો દિવ્ય છે, બધાં રૂપે,
એક દ્રષ્ટિ વિકાર મારો છે !

ગીત ઈચ્છાનું કાં બજી ન શકે ?
સાઝ મારું-છે તાર મારો છે !

દીપ કે ફૂલ ત્યાં ન જોઈ શકો,
સ્નેહીઓ, એ મઝાર મારો છે !

હિમબિન્દુ નથી કળીઓ પર,
રાતનો અશ્રુસાર મારો છે !

તું દિયે દોષ કોઈને શાને ?
જામ મારો-ખુમાર મારો છે !

ઊર્મિના રંગ શું ‘નસીમ’ કરું,
અન્ય ઊર્મિ પ્રકાર મારો છે !

નસીમ