ઢબૂક્યાં ઢોલ ચોરે, અમે ગુલમોર પીધો

ઢબૂક્યાં ઢોલ ચોરે, અમે ગુલમોર પીધો
ખુશીથી ખોબે ખોબે, અમે ગુલમોર પીધો

કોઇનું રૂપ નરવું, સળંગ ગુલમોર જેવું
કોઇના બોલે બોલે, અમે ગુલમોર પીધો

આ ધરતી પણ અમારી અને આકાશ આખું
અમોને કોણ રોકે, અમે ગુલમોર પીધો

હતો ચોમેર મેળો રૂપાળાં પંખીઓનો
મધુર ટૌકાની છોળે, અમે ગુલમોર પીધો

કદી સાંજે, સવારે, નશામાં ચૂર બેઠા
કદી બળતી બપોરે, અમે ગુલમોર પીધો

કદી શેરીમાં ‘દીપક’ જમાવી બેઠા મ્હેફિલ
કદી ખેતરને ખોળે, અમે ગુલમોર પીધો

નિમંત્રણ રાતું રાતું હતું મ્હોરેલ ‘દીપક’
મગન, મસ્તીના તોરે, અમે ગુલમોર પીધો

 

– દીપક બારડોલીકર