મારાં વિચાર,મારું મનન એટલે તમે-

મારાં વિચાર,મારું મનન એટલે તમે-
ને મારું મૌન, મારું કથન એટલે તમે.

હું એટલે તમારાં અરીસાનું કોઈ બિમ્બ-
ને મારી કલ્પ્નાનું ગગન એટલે તમે.

મારું કહી શકાય એવું શું રહ્યું પછી?
સ્મિત, હર્ષ, શોક, અશ્રુવહન એટલે તમે.

લ્યો, અંતે ઓગળી ગયો મારાં મહીંનો ‘હું’,
કે તમને પામવાની લગન એટલે તમે.

જેને ન આદિ-અંત કદી સંભવી શકે-
એવું વિયોગહીન મિલન એટલે તમે.

તમને નિહાળવાનાં પ્રયાસો રહ્યાં અફળ,
‘રાહી’! અનુભવાતો પવન એટલે તમે.

–  ‘રાહી’ ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો.
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઇ છે મને તારા સંગની
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો

રાહી ઓધારીયા