કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?-મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;

મકરન્દ દવે

વજન કરે તે હારે રે મનવા !

ભજન કરે તે જીતે

તુલસી દલથી તોલ કરો તો,

બને પર્વત પરપોટો

અને હિમાલય મૂકો હેમનો

તો મેરુથી મોટો

આ ભારે હળવા હરિવરને

મૂલવવા શી રીતે ! –

રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે

આ જીવતરને ઘાટે,

સાચખોટના ખાતાં પાડી

એમાં તું નહીં ખાટે,

સહેલીશ તું સાગર મોજે કે

પડ્યો રહીશ પછીતે?

રે મનવા, ભજન કરે તે જીતે

આવ, હવે તારા ગજ મૂકી,

વજન મૂકીને, વરવા,

નવલખ તારાં નીચે બેઠો

ક્યાં ત્રાજવડે તરવા ?

ચૌદ ભુવનનો સ્વામી આવે

ચપટી ધૂળની પ્રીતે

રે મનવા, ભજન કરે તે જીતે

– મકરન્દ દવે.

કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા,

કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઇ અફસોસ નહીં, કાંઇ નહીં ફિકર,
કોઇ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઇ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાકે કોઇ ભૂંડી મોંઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી !
બેય કોરે આપી જવી મુબારકબાદી :
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઇદ, અને આવો તમે રોજા !

– મકરંદ દવે

કોણે કીધું ગરીબ છીએ ?

કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
હેતુ ગણતું હેત,
દોધિયાં માટે દોડતાં એમાં
જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

– મકરંદ દવે

એક નાનકડા સૂરમાં ગૂંથું

એક નાનકડા સૂરમાં ગૂંથું
એક નાનકડું ગીત,
એક નાનકડા ઉરની એમાં
પાથરી દઉં પ્રીત.

નમણું કોઇ ફૂલ નાચે ને
ચમકે કોઇ તારો,
અમથું એવું ગીત આપે ત્યાં
અગમનો અણસારો.

વસમા છો વંટોળ ઊઠે ને
ઘેરી વળે ઘોર આંધી,
સૂની વાટને વીંધતો જાઉં
સૂરને તાતણૅ સાંધી.

એક નાનકડા સૂરમાં ગુંથું
એક નાનકડું ગીત,
એક નાનકડું ઉર ગુંજે તો
એટલી મારી જીત.

– મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરંદ દવે

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

– મકરન્દ દવે

મજેદાર કોઈ બહાનું મળે,

મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

મકરંદ દવે

કોઇ શબદ આવે આ રમતો રે,

કોઇ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
           મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે-
            કોઇ શબદ આવે આ રમતો

એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
            માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધ :
શબદ ઊગે હું શમતો રે –
            કોઈ શબદ આવે આ રમતો.

ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
            પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાત
ભાંગ્યા ભેદભરમ તો રે,
             કોઈ શબદ આવે આ રમતો.

પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ,
માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ !
શો સરસ સરસ રસ ઝમતો રે,
              કોઈ શબદ આવે આ રમતો.

– મકરન્દ દવે

કોક દિન ઈદ અને કોક દિન રોજા

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.

આવે ને જાય એના વેઠવાં શા બોજા !
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.

વાહ ભાખે કોઇ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઇ ભૂંડી મોઢે મેશ ઢાળી.

રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?

દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી.

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજા.

– મકરન્દ દવે

કમાણી

ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય,

કિયે : હાલ્યા કરે, હોય;

દલો શેઠ રોજેરોજ બમણું કમાય,

અને કરે હાયવોય.

રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપાડે,

કાં તો ગણ્યા કરે તારા;

ઝીણી વાટે દલો કાં તો ચોપડો ઉઘાડે,

કાં તો ગોખ્યા કરે ધારા.

એક દી ઉલાડિયો કરીને આયખાનો,

સુખે હાલ્યો ગયો ભોજો;

દલા શેઠ માથે પડ્યો એક દી નફાનો

જાણે મણ મણ બોજો.

– મકરંદ દવે