કોણ માંગે છે અહીં વળતર હવે

કોણ માંગે છે અહીં વળતર હવે
લાગણીનું થઈ રહ્યું ગળતર હવે…

જિંદગીને સાથ તારો જોઈએ
ઓ સમજ જલદીથી તું અવતર હવે…

તું ભરોસે ક્યાં સુધી તો ચાલશે
જીવવા માટે થજે પગભર હવે…

ઝાંઝવાં દેખાય છે સંબંધમાં
ઊજવાશે કઈ રીતે અવસર હવે…

કોઈ રમવા આવશે ના સાથમાં
ચાલ રમીએ આપણે ઘરઘર હવે…

– મેઘબિંદુ

જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

— મેઘબિંદુ           

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો

રોમરોમ આજ મારા પુલકિત થઇ રાચતા
આંખોથી છલકાતા ગીતે
હૈયાનાં ધબકારા થનગનતા નાચતા
તારી સોહામણી પ્રીતે

બાગમાં ઘૂમ્યા ને ખેતરમાં ઘૂમ્યા
ને પોંકની મીઠાશને મેં પીધી
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં
હૂંફાળી ઓથ તારી લીધી

ઝરમર વરસાદમાં પલળ્યાની વેળ
હજુ મહેક્યા કરે છે આજ એવી
તેં દીધેલી વાત મેં સાચવી રાખી
નથી મારે એ કોઇને રે દેવી

સાથે મળીને જે બાંધ્યો છે પુલ
એ છે તારા ને મારા વિશ્વાસનો
જન્મોજનમનો આ ઋણાનુબંધ
નથી કેવળ સંબંધ અહીં શ્વાસનો

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો

–મેઘબિંદુ