ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી;

ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ?

પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

 ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

 મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

 ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

 ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

 આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

 – જુગલકીશોર.

https://jjkishor.wordpress.com/

 

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં-યુગ શાહ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?
બેઠો છું મયખાને, હાથમાં ગળતો જામ આવ્યો.

ચાલતા ચાલતા થઈ ગયા રાહ જુદા બન્નેના;
જિંદગીની સફરમાં આ તે કેવો મુકામ આવ્યો?

નામ મારું ગૂંથીને આપ્યો હતો એમણે રૂમાલ;
આજ એ જ આંસુ લૂંછવાને મને કામ આવ્યો.

રાહ જોતો રહ્યો ભવોભવથી હું જેની દોસ્ત હું;
લો,એનો ન આવવાનો આજ પયગામ આવ્યો.

ભલે ન આવવા દીધો એની જિંદગીમાં મને;
એના સપનાંઓમાં હું રોજ સરેઆમ આવ્યો.

હાય રે! યદા યદા હી કહી એ ય વીસરી ગયો;
ધરતી પર ન તો ફરી કદી ઘનશ્યામ આવ્યો.

જીવતેજીવ ન છૂટ્યો જિંદગીની હાયવોયમાંથી;
સુતો જ્યારે હું કબરમાં,થોડો તો આરામ આવ્યો.

પરદેશની આબોહવાએ બદલ્યો એવો નટવરને;
કોઈએ ન ઓળખ્યો,જ્યારે એ એના ગામ આવ્યો.

નટવર મહેતા

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;
જ્યારે બાંધ્યો હતો ત્યાં પંખીએ એક માળો.

તડકો તપી તપી સુવર્ણ બની અહિં છવાયો.
દોસ્ત! કેવો ખીલી ઊઠ્યો તાપમાં ગરમાળો.

તું જો સાથ આપશે તો પુષ્પો પથરાય જશે;
પ્રેમપંથ આપણો ભલેને હશે ભારે પથરાળો.

દાખલો લાગણીનો સાવ ખોટો ગણતો રહ્યો;
કરવાની હતી બાદબાકી, કર્યો મેં સરવાળો.

મેળવે બે દિલને ને કરી દે અલગ તડપવા;
પ્રભુ! તું પણ કરે છે કેમ આવો અટકચાળો?

કંઈ થયું નથી,એક અમસ્તું દિલ તૂટ્યું મારું;
શેને થયો દુનિયામાં એનો આટલો હોબાળો?

કફન ઓઢી સૂતો ત્યારે મળવા આવી મને;
કેમ સુઈ ગયા?કર્યો સવાલ મને અણિયાળો.

કોણ કોનું ક્યારે છે એ ક્યારે ય ન સમજાય;
લાગણીનાં તાણાવાણામાં છે ભારે ગુંચવાળો.

એ જ સંબંધ આ દુનિયાને કેમ ખૂંચે છે વધારે?
દોસ્ત હોય છે જે સંબંધ લીસ્સો, સાવ સુંવાળો.

હું તો ખુદને માનતો રહ્યો નટવર જિંદગીભર;
ભવની ભવાઈ ભજવતા થઈ ગયો તરગાળો

નટવર મહેતા

હું રોજ તોડું છું પત્તું વધી જતી વયનું, દુ:સ્વપન તોય નિવારી શકું નહિ …… એસ. એસ. રાહી

હું રોજ તોડું છું પત્તું વધી જતી વયનું,
દુ:સ્વપન તોય નિવારી શકું નહિ ક્ષયનું.

હા, એમાં રઝ્ળું છું ભૂલો પડું છું ભટ્કું છું,
ઘણું ફળ્યું છે મને આ નગર પરિચયનું.

ધધખતી રેત પરે એ વિચારે નિંદ કરું,
કદાચ આવે સપન સોનેરી જળાશયનું.

રખે સૂકાઈ જશે તારી પ્રતિક્ષાની નદી,
કિનારે કેમ વસે ગામ કોઇ આશયનું.

એસ. એસ. રાહી

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી

કોઈક તો એવું જોઈએ-રેણુકા દવે

કોઈક તો એવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ
સપનાંઓને બાજુએ મૂકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ

આમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાનના જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,

પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,
યાદમાં તું અશ્રુ બની સદા સર્યા કરે છે.

દુર છો મારા થી હજારો જોજન વાલમ તું,
મૃગજળ બની આંખ સમક્ષ તર્યા કરે છે.

દિલની લાગણીથી નખશીખ ભીંજાણી આથી,
સદાય મન નું ધાર્યું તારું જ કર્યાં કરે છે.

આંખોમાં તારી સમાણી સદાય ફક્ત હું,
વાલમના નભ માંથી તારા ખર્યા કરે છે.

તમારા પ્રેમ નું મારે શું કહેવું પ્રિયતમ?
અવિરત સ્નેહ નું ઝરણું ઝર્યા કરે છે.

પ્રશાંત સોમાણી

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ
હતૂ નાનકુ લીરુ પણ મહેક્તુ હતુ ચીંદરડુ

ક્યારેક હતુ એ જાહોજહાલીમાં ઉછરેલુ
હતા સારાવાના ત્યારે પુજાતુ’તુ ચીંદરડુ

સુખદુખથી દુર જોજનો સુધી ફેંકાયેલુ
તાણાવાણામાં ગુંથાઇ ભટ્કેલુ’તુ ચીદરડુ

ગમોના વાયરાઓ થકી હતુ ફંટાયેલુ
રાખીને મલાજો જગતનો બેઠુ’તુ ચીંદરડુ

નાની જીંદગીમા અનેક હાથોમા ફરેલુ
ક્યાક્યા કેવા હાથોમાંચુંથાયેલુ’તુ ચીંદરડુ

ધુંરધરોના મનના મેલોથી અભડાયેલુ
ક્યાંક હશે કોઇને શરમ માનતુ’તુ ચીંદરડુ

હશે હવે આવુ જ નસીબમાં મંડાયેલુ
તકદીરની રમતને સ્વીકારતુ’તુ ચીંદરડુ

એના ક્ષ્વાસોની કીંમતની રાહે બેઠેલુ
દેશે કોઇ હિંમત ચાહ લઇ બેઠુ’તુ ચીંદરડુ

હેમલ દવે

સરસ વાત કરવાનો મોકો મળ્યો,

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ

હું હિમાલય જેવો અડગ છું

હું હિમાલય જેવો અડગ છું
એમ કઈ હું કોઈથી ડગું નહિ.
સુરજ ના કિરણો થી હું કદી
બરફ બની પીગળું નહિ.
સમય ની થપાટ ઉર પર લઇ
હું કદી રતીભાર પણ બટકું નહિ.
નદીયું છે મારા પર જ નિર્ભર
રડીને કદી એને છલકાવું નહિ.
ભડભાદર થઇ ને પડ્યો છું
અંતર ને કદી ગણકારું નહિ.
હું સફેદ ને દુધે મઢેલો
રંગો ને કદી પહેચાનું નહિ.
પવન માથા પછાડે કેટલા
તસુભાર પણ હું હલું નહિ.
હું છું પ્રકૃતિ નો આધાર
કોઈ ને નિરાધાર કરું નહિ.
કાવાદાવા જોયા નજરું સામે
માનવ કદી હું થાવ નહિ.
એકલો છું પણ અખૂટ છું
તાબે કોઈ ના થાવ નહિ.
સંત જેવો જીવ છે મારો
મોહતાજ કોઈ નો થાવ નહિ.
મહાદેવ નો વાસ છે જ્યાં
નહિ તો હું કદી નમું નહિ.
-કુશ

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.

એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.

એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.

તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.

બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…- મીરાબાઇ

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…

એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.

એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી

એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.

એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી

રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.

દીકરી નથી સાપ નો ભારો

દીકરી નથી સાપ નો ભારો
દીકરી તો છે તુલસી નો ક્યારો
દીકરી થકી અજવાળુ
દીકરી વિના સઘળુ કાળુ
દીકરી બાપ નુ ઊર
દીકરી આંખ નુ નૂર
દીકરી તાત નુ અરમાન
દીકરી માત નુ ઉડાન
દીકરી વિના બાપ પાંગળો
છતી વસ્તુએ સાવ આંધળો
ઉધરસ નો જરી ઠણકો આવે
દીકરી દોડી ને પાણી લાવે
મા-બાપ ને કશુક થાય
દીકરી નુ દીલ વલોવાઈ જાય
મા-દીકરી-બહેની
એના પ્રેમ માં ન આવે કમી
દીકરી પ્યાર નુ સમસ્ત શાસ્ત્ર
ત્યાગ સમર્પણ નુ અક્ષયપાત્ર
સ્વાર્થ નુ સગપણ એવુ , એ તો તડ પડે કે તૂટે
દીકરી તો સ્નેહ ની સરવાણી, એ તો નિત્ય નિરંતર ફૂટે
દીકરી નાં પગલે તો લાગે બધુ મનોહર
દીકરી વિના નુ ઘર, જાણે વાગ્યા વિનાનું ઝાંઝર
દીકરો તારે ને બુઢાપા માં પાળે, એ નાહક નો ભ્રમ
દીકરી જ ઠારે, આંસુ સારે ભવ તારે એ સૃષ્ટિ નો ક્રમ
દીકરી અવતરતા મોઢુ ફેરવે મા-બાપ
કયા ભવે છૂટશે કરી ને આવા પાપ
દીકરી ને શુ ભણવાનુ? એને તો ઘર માં રહેવાનુ
એ ખયાલ પુરાણા છોડો, દીકરી ને ના તરછોડો
દીકરી-દુહિતા ને ના દુભાવશો
વિધાતા ને વેરી કરશો
દીકરી જશે જે ઘરથી, ત્યાં ફરી વળશે અંધારુ
દીકરી વિનાનુ જાણે મીઠુ જળ પણ ખારુ
દીકરી જતા લાગશે સૂનુ
જગત આખુ ભાસશે જૂનુ
દીકરી જતા સાસરે
મા-બાપ ભગવાન નાં આશરે.
– અજ્ઞાત

ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

– વિપિન પરીખ

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

તુષાર શુક્લ

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

-ભગવતીકુમાર શર્મા

એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી

એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી
સાંજ કેવી જોને શરમાય છે ‘ને તું નથી
ધુમ્રશેરોમાં ફોરમતા તારી યાદના વલયો
‘ને શ્વાસ મહીં કંઈ ધરબાય છે ‘ને તું નથી
ક્ષિતિજ ને તો શું ફરક પડવાનો એમ તો
અંધારા રાતા અકળાય છે ‘ને તું નથી
આમ એટલો સારાંશ નીકળે આ દ્વિધા નો
‘કિરણ’ તું હોય ને વિટળાય છે ‘ને તું નથી
ચલ ઓ મન આ ભેદ ભરમ છોડી દે હવે
આ ચેહરો,આ સાંજ કરમાય છે ‘ને તું નથી
દેવાનંદ જાદવ “કિરણ”

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

લોકગીત

પગ ઘુંઘરું બાંધ મીરાં … (ભજન) …

પગ ઘુંઘરું બાંધ મીરાં … (ભજન)
mira

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક
મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે…. પગ….

લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….

વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે…. પગ….

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
જન્મો જન્મ કી દાસી રે
સહજ મિલે અવિનાશી રે…. પગ….

આ શ્વાસ છે..

આ શ્વાસ છે..
જિવનની અંતીમ આશ છે.
પ્રાણ તણો જેમાં વાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
મૃત્યુ પહેલાંનો વિશ્વાસ છે.
અંત પહેલાની આશ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
એક અનંત આભાશ છે.
ફુલોમાં તે સુવાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરીર જેનું દાસ છે.
ધડકન માટે ખાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરણાઈનું જે સંગીત છે.
બાંસુરીનું જે ગીત છે.. આ શ્વાસ છે..

આ શ્વાસ છે..
પ્રણયનો જેમાં ફાગ છે.
પ્રેમનો જેમાં રાગ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
વિરહમાં તે આહ છે.
દુઃખમાં તે દાહ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે.
ક્યારેક તુટતો.. ક્યારેક ખુટતો આ વિશ્વાસ છે.
મૃત્યુની ક્ષીતીજ પર પથરાતો ઉજાસ છે.. આ શ્વાસ છે.

-સપન

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

” આદિલ મન્સૂરી “

પૈસો…….પૈસો……………સહુને વ્હાલો પૈસો……

સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સફળતાનો પીનકોડ ગુજરાતી ,
સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .

કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,
એકડાનો કરે બગડો ગુજરાતી .

નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,
સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .

લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,
વખત પડે ત્યાં ખડો ગુજરાતી .

દુશ્મનને પડે ભારે ગુજરાતી ,
ડૂબતાને બેશક તારે ગુજરાતી .

એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,
ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .

દેશમાં ABC ની હવા ગુજરાતી ,
પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .

પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,
કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .

ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,
પાનની સાયબા પિચકારી ગુજરાતી .

એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,
હર કદમ પર વેલકમ ગુજરાતી .

મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,
છેલ્લે અપનું વાળું ગુજરાતી .

ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,
ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .

– અજ્ઞાત

આજે કમાલ એની નિગાહો કરી ગઇ,

આજે કમાલ એની નિગાહો કરી ગઇ,             
આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.      

બેસી ગયું હ્રદય અને આશા મરી ગઇ,
દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.          

મસ્તીભરી નિગાહ ગજબની હતી નિગાહ !    
પાણીને આગ આગને પાણી કરી ગઇ.           

નિરદય નિરાશા જિંદગીભર જીવતી રહી,     
આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.      

એ ભૂમિકા યે આવી ગઇ પ્રેમપંથમાં !            
નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ.      
આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.        

કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો,
ક્યારે ન જાણે હાથથી રશ્મિ સરી ગઇ.           

એ દોસ્તી ભલા શું હતી, દુશ્મની હતી !         
બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.        

‘ઘાયલ’ ન ઓળખી શકી મારી નજર મને,    
કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ. 

  અમૃત ઘાયલ.

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,- પ્રિતમદાસ

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને. 

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

  – પ્રિતમદાસ

પ્રભુજીને પડદામાં રાખ મા-ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
                  ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
                  ભળી જાશે એ તો ખાખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
                  થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
                  નથી રે ગુમાન એની આંખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
                  છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
                  ખોટા હીરાને ખેંચી રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

         – ઇન્દુલાલ ગાંધી

મંગલ મંદિર ખોલો, દયામય !

મંગલ  મંદિર  ખોલો, દયામય !
મંગલ  મંદિર  ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર  ઊભો  શિશુ  ભોળો ;
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
શિશુને  ઉરમાં  લો,  લો, દયામય !

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ – અમીરસ  ઢોળો, દયામય !

મંગલ મંદિર ખોલો !

 – નરસિંહરાવ દિવેટિયા

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન …
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન …
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો  ! મારું જીવન …
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો  ! મારું જીવન …

  – કરસનદાસ માણેક

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો- મોર, તું તો..

ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

– દાસી જીવણ

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,-ન્હાનાલાલ કવિ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

    – ન્હાનાલાલ કવિ 

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ-પુનિત

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ

એક હતો નથુરામ અને બીજો સાવરકર,

એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..

આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..

જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..

એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..

એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!

અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..

મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..

જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..

ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

-ચિન્મય જોષી.

તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ

મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, તેના વગર પણ જીવી
શક્તો નથી. – એન્ટોન ચેખોવ (ધ ચેરી ઓર્ચાર્ડ )

એ લોકો કોણ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ? ફક્ત એ જેમને આપણે નફરત નથી કરતા – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા)

વિશ્વને પૂરેપૂરું સમજવા માટે, કાં તો મહાન વિચારકો તેને સમજાવે છે અથવા તો તેને ઉપેક્ષા કરે છે, પરંતુ હું ફક્ત વિશ્વને પ્રેમ કરી શકું તે જ
ઈચ્છું છું, તેની ઉપેક્ષા નહીં કરું, કારણકે હું ઇચ્છું છું કે વિશ્વ મને
પણ આદરથી, સન્માનથી, પ્રેમથી યાદ કરે. – હર્મન હસ્સી ( સિધ્ધાર્થ )

સરખામણી કરવા માટે તેનાથી વધારે કડવાશ કોઈ હોઈ ન શકે

જે એ બે જણાની વચ્ચે છે, જેમણે ક્યારેક પ્રેમ કર્યો હતો. – યુરીપીડ્સ ( મેડેયા )

સાચો પ્રેમ શું છે? એ એક આંધળુ સમર્પણ છે, પ્રશ્ન ન કરી શકાય તેવું જાણે પોતાનું જ નીચું દેખાડવું, પૂરેપૂરો ત્યાગ,આખા વિશ્વ સામે, તમારા
પોતાની સામે શ્રધ્ધા અને વિશ્વાસ, તમારું હૈયુ અને આત્મા એક લાકડાને આપી
દેવાની હિંમત એટલે પ્રેમ – ચાર્લ્સ ડિકન્સ ( ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ )

પ્રેમ એટલે મીઠા મૃદુ ચુંબન માંથી ગૂંજેલો મીઠો – મૃદુ ચિત્કાર – અનામ

ક્યારેક આપણી પ્રિય વ્યક્તિ પાસે નથી હોતી ત્યારે આખી દુનિયા કેવી ખાલીખમ લાગે છે? – ઈશિતા

રૂમાલ આંસુ લૂછે છે, પણ ખરો પ્રેમ એ આંસુનું કારણ ભૂંસે છે.

પ્રેમ કરવા જોઈએ ઉત્કૃષ્ટ કલાકારની કલા અને નિભાવવા સંતની સાધના

અપરિપક્વ પ્રેમ કહે છે “હું તને પ્રેમ કરું છું કારણકે મને તારી જરૂર છે” જ્યારે પરીપક્વ પ્રેમ કહે છે “મને તારી જરૂર છે કારણકે હું તને પ્રેમ
કરું છું.” – ઈરીક ફ્રોમ (ધ આર્ટ ઓફ લવીંગ)

પ્રેમ એ દુઃખોથી ભરેલી એવી બીમારી છે જેમાં કોઈ પણ દવા કામ કરતી નથી, એવો છોડ જે રણમાં રેતીને ચીરીને ઉગે છે. – સેમ્યુઅલ ડેનીયલ

જ્યાં પ્રેમથી ભરેલા બે હૈયા એક બીજા સાથે જોડાઈ રહ્યા હોય ત્યાં જગત પાસે આપવાનું કાંઈ હોતું નથી. – અન્ના લેટ્ટીયા બાર્બુલ્ડ (ડેલીયા)

આવ, મારી સાથે રહે, મારો પ્રેમ તું જ છે, સોનાવર્ણી રેતી, સુંદર શ્વેત શંખ અને તેમાં જાણે અફાટ જીવન, તું જ છે – જ્હોન ડોન ( ધ બેઈટ)

ધર્મ અને ધર્માચાર્યોએ પ્રેમની ખૂબ મોટી સેવા કરી છે, તેને પાપ ગણાવીને – એન્ટોન ફ્રાન્સ ( ધ ગાર્ડન ઓફ એપીક્રસ )

પ્રેમ અને ખાંસી રોક્યા રોકાતા નથી – જ્યોર્જ હેર્બર્ટ ( જેકુલા પ્રૂડેન્ટમ )

અંતમાં તમે જેટલો આપો છો તેટલો જ પ્રેમ મેળવો છો. – બીટલ્સ (ધ એન્ડ)

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ
શેક્સપીયર (હેમલેટ)

પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ)

પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે.– ચાર્લ્સ ડિકન્સ
(નિકોલસ નિકલાય)

મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન,

બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા)

પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો)

ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ)

ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ )

નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ)

પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે.

પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે.

પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે,

બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ)

પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને આપણે જેને સામાન્ય જીવન કહીએ છીએ તેવું સહજ આદતો સાથેનું
જીવન જીવી જાય, આ બે છેડા વચ્ચે ભાગ્યેજ કોઈ જીવન હોય છે. – આલ્બર્ટ કેમ્સ
(ધ પ્લેગ)

એક લોકકથા

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

 

સૈફ પાલનપૂરી

જટિલ કે સરલ મનમાં જ હોય છે !

જટિલ કે સરલ મનમાં જ હોય છે !
ચલિત કે અચલ મનમાં જ હોય છે !

એનું સ્વરૂપ શું? જેનું નથી સ્વરૂપ –
સઘન કે તરલ મનમાં જ હોય છે !

વાંચી શકાય તો એ ખબર પડે-
શુષ્ક કે સજલ મનમાં જ હોય છે !

સરખું જ હોય છે ત્વચાનું આવરણ
શણ કે મલમલ મનમાં જ હોય છે !

યુગોથી એ ધખે ; ચાલે નદી થઇ;
સલિલ કે અનલ મનમાં જ હોય છે !

ચિત્રમાં બધા જ; રંગ મેં પૂર્યા ;
હરિત કે ધવલ મનમાં જ હોય છે !

ફકીરને તો શું, પામવું કહો?
મુકામ કે મજલ મનમાં જ હોય છે !

તર્કબદ્ધ હો બધું : દ્રશ્યદ્રશ્યમાં-
પૃથક કે સકલ મનમાં જ હોય છે !

  – દીપક ત્રિવેદી

કોઇ કોઇને ના પૂછે : તું હિંદુ કે મુસ્લિમ કોમનો

કોઇ કોઇને ના પૂછે : તું હિંદુ કે મુસ્લિમ કોમનો
હવે બધાંને ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

એના ઇંટરનેટ ઉપર તો આપણ બધા ડોટ
પ્રગટ થવાનું લુપ્ત થવાનું એને હાથ રિમોટ
અલ્લાહ અકબર બોલો ત્યાં તો નાદ સુણાતો હરિ ઓમ્નો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

મંદિર મસ્જિદ નાની નાની વેબ પેજની સાઇટ
સહુ મેળવતાં લાયકાતથી આછી ઘેરી લાઇટ
સાથે રહેતાં શીખ્યા તેથી વટ્ટ પડે છે રવિ-સોમનો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

– મુકેશ જોષી

કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,

કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,
આવું બધું દાદાગીરીએ કરેલ છે.

રંગ ન જવાની પ્રભુ ગેરેન્ટી આપે,
તોયે પાવડરથી ઘર ભરેલ છે.

ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો,
મૃત્યુની અહીં હરરાજી રાખેલ છે.

હવે હડકવાની રસી પણ મળે,
માનવડંખની દવા ક્યાં બનેલ છે.

‘સાગર’ અટવાયો એ વિટંબણામાં,
મારું આ મન આજ કેમ ભમેલ છે?

‘સાગર’ રામોલિયા

હવે આ શેરી મો નીકળું ને રસ્તો જડે નહી

હવે આ શેરી મો નીકળું ને રસ્તો જડે નહી
મને શું થયું છે ગલીમો હતું ઘર જડે નહી

કારણ વગર માણસ ઉત્પાત લઇ ને ફરે
રણમો કદી વીના કારણ વંટોળ ચડે નહી

નક્કી ગયું કોઈ રણ મહી રસ્તા પડે નહી
વેરાન પીધોછે એટલેતો દરિયા જડે નહી

બે ખબરે ક્યાંક જઈ રહ્યો છુ,સમજ પડે નહી
મઝિલે, હશે મુકામ,દિશાઓ આમ છળે નહી

રાહ જોઇને દિવસ રાત,એ થાકી ગયો હસે
નકામો નહી તો મારી જેમ દરિયો રડે નહી

લાગણી હસે તેમની તોયે પત્થર જેવી હસે
નહીતો ફૂલ જેવા મિત્રો કદી મને નડે નહી

આયખામાં ભૂલ થવાનું લખ્યું હસે ઓ રામ
લક્ષ્મણ રેખાની બહાર આમ પગલું પડે નહી


-પ્રહેલાદભાઈ પ્રજાપતિ

તને ગીત દઉં કે ગુલાબ, દઈ દે આજે મને તું જવાબ.

તને ગીત દઉં કે ગુલાબ, દઈ દે આજે મને તું જવાબ.

કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..

ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..

સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..

આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ

– રઈશ મનીયાર

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,-માધવ રામાનુજ

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ           

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

ઉમાશંકર જોશી

ન મળવાની ચીજો મળી પણ શકે છે

ન મળવાની ચીજો મળી પણ શકે છે

 ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે

ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની
અમારુ હ્રદય તોઢળી પણ શકે છે

અહીં ઠેકઠેકાણે આવે વળાંકો
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે

આ માણસનાં હૈયા પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે

અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે

કિરણ ચૌહાણ

વીજળીને ચમકારે – ગંગા સતી

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં
દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે…. – વીજળીને
ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો
કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય… – વીજળીને
ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની
જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત – વીજળીને
ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું
તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. – વીજળીને
ચમકારે

કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

// કોઇ
પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! –
કોઇ…

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા
ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે !
– કોઇ…

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત
બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ
ફરી તો જાણે ! – કોઇ…

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા
જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો
જાણે ! …

કોઇ પ્રીત કરી તો જાણે !

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

unknown

રજકણ સૂરજ થવાને સમણે, – હરીન્દ્ર દવે

રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઇ ઢળી પડે આથમણે.

જળને તપ્ત
નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન
વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને
જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી
ચ્હાય;

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

અમારા હ્રદયમાં તમારો મુકામ, -અઝીઝ ટંકારવી

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ.