જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખથી ઉભરાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી મલકાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

-વિવેક મનહર ટેલર

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– ડૉ. વિવેક મનહર ટેલર

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

– વિવેક મનહર ટેલર

જીવતો જાગતો માણસ ફૂટ્યો,

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.

 ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

 થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

 

– વિવેક મનહર ટેલર