પીયરને પીપળેથી આવ્યું પારેવડું,- અવિનાશ વ્યાસ

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,

મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

 

છેલાજી રે…..- અવિનાશ વ્યાસ

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

– અવિનાશ વ્યાસ

બેના રે

બેના રે
સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે ભીંતો રડશે
બેના રે..

વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે..

તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે
સોહાગી કંકુ સેંથામાં કંકણ શોભે હાથે
બેના રે..

તારી આ વેણીનાં ફૂલો કોઈ દી ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે..

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે..

રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે..

દીકરી ને ગાય દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે.. ઓ બેના…

અવિનાશ વ્યાસ

 

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

તારા રે નામનો છેડ્યો એકતારો,
હું તારી મીરાં હું ગિરધર મારો.
આજ મારે પીવો છે પ્રીતીનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી.
જો જો વીંખાય નહી સમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

દોરંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલો સંભાળી.
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

– અવિનાશ વ્યાસ

આવી ન્હોતી જાણી, .

આવી ન્હોતી જાણી, .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
. તને કોણ કહે રાતની રાણી ?
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

– અવિનાશ વ્યાસ

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા-અવિનાશ વ્યાસ

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

આંખ મિલાવી આંખ કાં સંતાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે નો’તી ખબર
પ્રેમનો અંજામ પણ આવો હશે નો’તી ખબર
દિલ દઈ દિલદાર પણ છોડી જશે
નો’તી ખબર આંખે આવી શમણાં કાં વિખરાય છે
પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું
દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું
આંધીમાં અટવાયો હું મજબૂર છું
કોને કહું
ગુનો નથી પણ સજા મને કાં થાય છે
પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી  જેની  પૂજા કરતી’તી
મનમંદિરમાં દેવ બનાવી  જેની  પૂજા કરતી’તી
આશાના દીવડાં પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલાં ફૂલો કાં કરમાય છે પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

હું અમદાવાદનો રિક્ષાવાળો-અવિનાશ વ્યાસ

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદા

તેં પથ્થર પસંદ કેમ કર્યો?

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

– અવિનાશ વ્યાસ

રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

          – અવિનાશ વ્યાસ

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…

ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન..
અને અમદાવાદમાં ચીપી ચીપીને….
(પવાલામાં પાણી પીશો…?? )
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…

નર્મદનું સુરત જુઓ….
નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી
(મારી લાયખા… બટાકાનું હાક..!!)
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…

એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..
કે ચરોતરીમાં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..

કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…

– અવિનાશ વ્યાસ           

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

અવિનાશ વ્યાસ                                         

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

– અવિનાશ વ્યાસ.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો
પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

અવિનાશ વ્યાસ

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
નવી ફેશનની ધૂન બધે લાગી,
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

અવિનાશ વ્યાસ

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ મંથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂંટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

અવિનાશ વ્યાસ

મુક્તક

ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ,

પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું,

-અવિનાશ વ્યાસ

ભજન

પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

– અવિનાશ વ્યાસ