તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઇ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું
પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.

જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.

હેમેન શાહ

બોલ નહિ તું આટલો ગદગદ થઇ

બોલ નહિ તું આટલો ગદગદ થઇ
આ તને શોભે નહીં,કાસદ થઇ.

ભિન્નતા વધતી ગઇ એવી રીતે,
દૂધ-સાકર વચ્ચો વચ સરહદ થઇ.

પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા
આખરે લીલાશ પણ રૂખશદ થઇ.

આમ ન્હોતો શ્ર્વાસ લેવાનો સમય.
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ

એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઇ.

હેમેન શાહ

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારના જ ક્લેવરની વાત છે.

દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.

મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.

ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્ર્વનો છે, મુકદ્દરની વાત છે.

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.

હેમેન શાહ

એટલામાં તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના ?

એટલામાં તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના ?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના
ઘાસમાં વેરાય આખર લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડીની ગાંસડી.
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છ ઘણા નાના તફાવત માત્ર દ્દષ્ટિકોણના,
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉ છું દર્પણના સીમાડા ઉપર
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં….
બેસી ગણતો હોય ઇશ્ર્વર લાખ ટુકડા કાચના.

કંઇક વસ્તુઓ ફક્ત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના.

જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે ?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના

હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્ર…કરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

 હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

– હેમેન શાહ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

-હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?

 આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ