બનાવીને ઘણી વેળા નયનના નૂર રાખું છું;-નાજિર દેખૈયા

બનાવીને ઘણી વેળા નયનના નૂર રાખું છું;
ઘણી વેળા હું એને આંખડીથી દૂર રાખું છું

નશો હું મેળવી લઉં છું એના નયનમાંથી;
કદી એક બુંદ માટે પ્યાસને આતુર રાખું છું

કરું છું જીદને પૂરી, હું મારો જીવ આપીને;
નથી મન્*સૂર કિન્*તુ, મન્*સૂરી દસ્તૂર રાખું છું
 

મરું છું તે છતા પાછી કદી પાની નથી કરતો;
જગતવાળાઓ જાણે છે જીવન મગરૂર રાખું છું

જો આવી જાઉં મસ્તીમાં કરું ના ઇશની પરવા;
કવિ છું જીવને ક્યારેક ગાંડોતૂર રાખું છું

તમે સામા ઊભા હો તોય હું સામે નથી જોતો
કદી એવું નયન સાથે હું વર્તન ક્રૂર રાખું છું

હજારો વાર ‘નાઝિર’ છેતરાયો કોલ પર એના;
છતાંયે હું વચન એનાં હજુ મંજૂર રાખું છું

*મન્*સૂર: ખુદાનો ચહિતો

સુણે ન સાદ મારો તો મને શું કામ ઇશ્વરથી-નાઝિર દેખૈયા

સુણે ન સાદ મારો તો મને શું કામ ઇશ્વરથી
છિપાવે ન તૃષા તો આશ શી રાખું સમંદરથી?

ભલા આ ભાગ્ય આડે પાંદડું નહિ તો બીજું શું છે?
કે એ ડોકાઇને ચાલ્યા ગયા મુજ ઘરના ઊંબરથી

લખ્યા છે લેખ, એની આબરૂનો ખયાલ રોકે છે;
નહિતર ફૈસલો હમણા કરી નાખું મુકદ્દરથી

બતાવી એક રેખા હાથમા એવી નજૂમીએ;
સરિતની મીઠી સરવાણી ફૂટી જાણે ગિરીવરથી

કોઇ સમજાવો દીપકને કે એની જાતને પરખે;
ઊછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી!

નકામી જિદ છોડીને તમારી આંખને વારો;
નથી અજમાવવું સારું અમારા દિલને ખંજરથી

ભલા પડદા મહી દર્શન મળ્યેથી શું વળે “નાઝિર”?
તૃષા છિપી નથી શકતી કદીયે ઝીણી ઝરમરથી

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.

આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.

તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;
એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી

નાઝીર દેખૈયા

ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું;

ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું;
રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું.

ઉપદેશ ઈશ કેરો આપું છું નાસ્તિકોને,
પત્થર જો થઇ શકે તો હીરા કરી રહ્યો છું.

વર્ણન નથી હું કરતો આદમના અવગુણોનું
મારી જ જીભે મારી નિંદા કરી રહ્યો છું.

એ રીતથી ઉપાડ્યા આજે કદમ મેં ‘નાઝિર”;
ધરતીથી જાણે છૂટા-છેડા કરી રહ્યો છું.

–નાઝિર દેખૈયા

માણસ વચ્ચે માણસ થઇ, પંકાઇ ગયેલો માણસ છું.

માણસ વચ્ચે માણસ થઇ, પંકાઇ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઇ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની.
વાદળની ઝરમર થઇને, પથરાઇ ગયેલો માણસ છું.

દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઇ નથી.
દુનિયાના જખમો જીરવી, રૂઝાઇ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
અમથો અમથો આદતવશ, રીસાઇ ગયેલો માણસ છું.

નાઝિર એવો માણસ છું,જે કેમ કરી વિસરાય નહીં.

જાતને થોડી ખરચીને, ખરચાઇ ગયેલો માણસ છું.

– નાઝિર સાવંત

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર “નાઝિર્’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

‘નાઝિર’ દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.

– નાઝિર દેખૈયા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

-નાઝીર દેખૈયા

સ્વર્ગથીયે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે,

સ્વર્ગથીયે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે,
કોક દિ’ મ્હેમાન થા ભગવાન ! આ ગુજરાત છે.

જ્યાં જશે ત્યાં આવકારો તુજને સાંપડશે જરુર,
માન કે ના માન ઓ મ્હેમાન, આ ગુજરાત છે.

સંત, સાધુ-ઓલિયાઓનાં અહીં છે બેસણાં,
સાચવીને ચાલ ઓ ઇન્સાન ! આ ગુજરાત છે.

શસ્ત્રવિણ તોડી ગુલામી કેરી જેણે શૃંખલા,
એવાં પાક્યાં છે અહીં સંતાન, આ ગુજરાત છે.

જ્યાં શિકારી પર કરે હુમલો ફરીને ખુદ શિકાર,
લો વિચારો કેટલું બળવાન આ ગુજરાત છે.

પુણ્ય પરખાયે પરિમલથી જ ‘નાઝિર’ એ રીતે,
ભવ્ય ભારતનું અનુસંધાન આ ગુજરાત છે.

– નાઝિર દેખૈયા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
– નાઝીર દેખૈયા