મારી નિત્ય પ્રાર્થના…

મારી નિત્ય પ્રાર્થના…

હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે;

નીરખું તને કણકણ મહી એવું મને તું જ્ઞાન દે ,

હું સત્યના પંથે સદા નીડર થઇ ચાલ્યા કરું

હો વિકટ પણ તુજને મળે એ રાહની પહેચાન દે ,

પરિશ્રમ મહી શ્રધા રહે , હિંમત તણી હો સંપતિ
મનના અટલ વિશ્વાસ પર આગળ વધુ ; ઉડાન દે,

કોઈ પીડીતજનની પીડ ને હરવાને મન ઝંખ્યા કરે
કોઈ આત્મા દુભે નહી મુજ કારણે, ઈમાન દે,

”આતુર” જગે રહું ધૂપ થઇ, જાતે બળી વહેંચું સુગંધ ;
મૃત્યુ પછીયે અમર રહું એવી મને તું શાન દે ….

 અજીત પરમાર “આતુર”

તારો અભાવ ત્યારે મને સાલશે સજન

તારો અભાવ ત્યારે મને સાલશે સજન
કોઈ હાથ બે પરોવી મેળે મ્હાલશે સજન

તારો અભાવ આંખ ની ઝરમર બની જશે
આંબે અષાઢી ટહુકા જયારે ફાલશે સજન

તારો અભાવ એ ક્ષણે મુજ શ્વાસ રૂંધશે
નીશીગંધની સુગંધે પવન ચાલશે સજન

તારો અભાવ રોજ ના દેશે ઉજાગરા
અંધારું ઓરડામાં ખાટ ઢાળશે સજન

તારો અભાવ ઓઢણીની ભાત લઇ જશે
ને સુરજ થઇ મહેંદીના રંગ બાળશે સજન

અજીત પરમાર “આતુર”

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !

છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?

ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
તું કહે તો શીશ આ , કલમ કરીને મોકલું ,

શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!

– અજીત પરમાર ”આતુર”