તબક્કે-તબક્કે તફાવત નડે છે

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને,માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે,એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે,એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ,કશુંક વારસાગત નડે છે !

– ડૉ. મહેશ રાવલ

એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે,

એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે,

જિંદગી ટલ્લે ચડી’તી, એ પછીની વાત છે.

એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી,

જીદ મારી પણ નડી’તી, એ પછીની વાત છે.

એ અલગ છે કે ચડી ગઇ લોકજીભે વારતા,

બે’ક અફવા પણ ભળી’તી, એ પછીની વાત છે.

આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ

લાગણી ઓછી પડી’તી, એ પછીની વાત છે

વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની,

ગાંઠ, છેડે જઇ વળી’તી એ પછીની વાત છે

સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું,

જાત આખી ખોતરી’તી,એ પછીની વાત છે…

ડો.મહેશ રાવલ

અરીસા જેટલો અધિકાર માગું છું

અરીસા જેટલો અધિકાર માગું  છું

 નજર ‘ને દ્રષ્ય,એકાકાર માગું  છું

સુખદ અંજામની ઈચ્છા હતી

કાલે અને આજેય,એ ઉપહાર માગું  છું

વિષય તો એજ  છે,વરસાદ-વાછટનો

છલોછલ થઈ જવા,મલ્હાર માગું  છું

ક્ષણિક જો હોય તો,શું અર્થ છે એનો ?

 સહજ,આનંદ અપરંપાર માગું  છું

મરણના ખોફ વચ્ચે ગીત શું? લય શું?

 અનાહત  હર્ષના ઉદગાર માગું  છું

હૃદયની વાત છે,અફવા નથી અમથી !

 સનાતન સત્યનો સ્વીકાર માગું  છું

ગઝલનો  જીવ  હું પાષાણભેદી  છું

 તબક્કાવાર સાક્ષાત્કાર માગું છું !

ડૉ.મહેશ રાવલ