જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી

વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી

આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી

ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી

પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી

પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી

પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી

‘સૂફી’ પરમાર

માન્યતાના વાંકે

પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો

ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો

અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો

કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?

ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો

ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો

મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો

‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો

‘સૂફી’ પરમાર

ધ્રૂજતી જ્યોત

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

‘સૂફી’ પરમાર

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને
નથી દિલ માં જગ્યા, રાખે કોઈ દિલમાં હવે તમને

અમારું ઘર અમારું છે, તમારું ઘર તમારું છે
તમે રહેજો તમારે ત્યાં, મળી શું ત્યાં અમે તમને

પરિસ્થિતિ તમારી લાગેછે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈ ને હું લાગું છું પગે તમને

તમે વિશ્વ બનાવ્યું પણ તમોને ઘર અમે આપ્યાં
કહો તો ઘર ઘણા બીજાં બનવી આપીએ તમને

થશે ઉદ્ધાર્ માનવ જાતનો શી રીત થી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝુકીએ તમને

દયા સાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરી ને પાછા જગમાં લાવીએ તમને

પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
તજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને

સૂફી પરમાર