ઘટના, પ્રસંગ ના કશો કોઈ બનાવ છે,

ઘટના, પ્રસંગ ના કશો કોઈ બનાવ છે,
આખા શહેરમાં પછી શાનો તનાવ છે?

વાતાવરણની મહેક ગવાહી એ આપશે,
નક્કી જ આસપાસમાં એનો પડાવ છે!

ફરિયાદ, સાબિતી કે ગમે તે દલીલ હો,
આરોપ સાચો હોય તો ક્યાં કૈં બચાવ છે?

સુધારવાની સઘળીયે કોશીશો વ્યર્થ છે,
બદલી શકાય શી રીતે એનો સ્વભાવ છે.

વરસો પછીયે હાલ છે ‘નાદાન’ એના એજ,
સમજી શક્યો નથી હજી શેનો અભાવ છે.

-દિનેશ ડોંગરે ‘નાદાન’