કઈક અંદર મરી ગયું છે

કઈક અંદર મરી ગયું છે
પ્રેમ બળતણ ઠરી ગયું છે

સ્પર્શની લાગણી ના રહી
ટેરવું પણ ડરી ગયું છે

પાંદડું જે નજરમાં હતું
વૃક્ષથી એ ખરી ગયું છે

બદનસીબ છે આ દિલ પણ
કોઈ પાછું ધરી ગયું છે

લીલું છમ ઘાસ જોઈને
ઢોર ઢાખર ચરી ગયું છે

જે જવાનું હતું તે ગયું
આંસું આંખે ભરી ગયું છે

માછલી જેવું લપસી ગયું
એક સપનું સરી ગયું છે

જીવવાની ઇચ્છા જુઓ
ડૂબતું જણ તરી ગયું છે

એક ‘સપના’નું માતમ શું?
એક આવ્યું ફરી ગયું છે

સપના વિજાપુરા