તો અને ત્યારે નકામી થાય છે,

તો અને ત્યારે નકામી થાય છે,
જિંદગી તારા વગર જો જાય છે.

એટલે તો પંખીઓ ઊડ્યાં નહીં,
વૃક્ષનું મન રાતનું કચવાય છે.

મોજ કરવાની ગમે દરિયા તને,
નાવને તારી જ ચિંતા થાય છે.

તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.

તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે ?

છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રૂંધાય છે.

ગુંજન ગાંધી

લે, તરસને સાચવી,

લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?

બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?

દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?

વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.

પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !

– ગુંજન ગાંધી

એકદમ અંધારપટની વાત માંડીને કરું

એકદમ અંધારપટની વાત માંડીને કરું
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.

આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું.

કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.

રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,
લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.

– ગુંજન ગાંધી

ટોચ માટેની લડત છે,

ટોચ માટેની લડત છે,
ને તળેટીની મમત છે,

વાંક પગલાનો નથી પણ,
આ સફર તોજડભરત છે,

એક, બે, ત્રણ..ના ગણ્યા કર,
ક્યારની ચાલુ રમત છે,

ઘર કદી પૂછે નહી કે,
આવવાનો આ વખત છે ?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી,હમણાં, તરત છે,

તરફડીને શાંત થઈ ગઈ,
માછલીને જળ શરત છે
ગુંજન ગાંધી

આ અવાજોનું નગર છે.

આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે ?

રાત પાછળ રાત થઈ છે,
બંધ સૂરજની સફર છે ?

કાગડો કહે, એકલું ઘર,
કો’કની લાગી નજર છે.

પારદર્શક હો છતાં પણ,
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે ?

ઢાંકણું હિજરાય છે કેમ ?
કાચ તૂટ્યાની અસર છે ?

એ કહે તો આથમે દિન,
એવા કૂકડાની ખબર છે ?

– ગુંજન ગાંધી