વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.

આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.

આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.

શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.

આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં.

– હરદ્વાર ગોસ્વામી

રાહ જોતા આંગણા છે, આવજે,

રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.

શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.

ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.

એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.

આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.

– હરદ્વાર ગોસ્વામી