પલટતો શોક પણ આનંદમાં, સ્‍થાન બદલાંતાં,-ડૉ. હર્ષવદન વૈષ્ણવ

પલટતો શોક પણ આનંદમાં, સ્‍થાન બદલાંતાં,

હસે છે આભનાં આંસુ, સુમનની આંખમાં આવી.

 જો પોતાનું કરી તરછોડી દીધું પારકાંએ તો,

હવે ફરિયાદ કાં કર દિલ, સ્‍વજનની આંખમાં આવી.

 મરી ગઈ ઉર્મિઓ સઘળી તો આંસુઓ અમર થઈ ગયાં,

સ્‍વયં મૃત્‍યુ રહ્યું જીવતું, જીવનની આંખમાં આવી.

 જીવનભર તો હસ્‍યાં છો ક્રુર થૈ ને નગ્ન હાલત પર,

કરો ના ડોળ રડવાનો કફનની આંખમાં આવી.

 નિહાળે પ્રેમ પણ કુદરત ગગનની આંખમાં આવી,

ને એકલતા પછી રડતી, નયનની આંખમાં આવી.

 જીવનભર તરફડે, દોડે છતાં કોઈ ન પામે તે,

મહોબ્‍બતનાં વહે મૃગજળ ‘વદન’ની આંખમાં આવી.

 -ડૉ. હર્ષવદન વૈષ્ણવ (૧૯૬૦)

એટલાં રાખે છે ઉંડા, ઝાંઝવાનાં નીર રણ,- ડૉ. હર્ષવદન વૈષ્ણવ

એટલાં રાખે છે ઉંડા, ઝાંઝવાનાં નીર રણ,

કયાંય દેખાતા નથી, ડૂબી ગયા તરસ્‍યા હરણ.

ઝાંઝવાને પામવાનું ભોગવ્‍યું આ પરિણામ,

ભીંજાયા માત્ર નયન ને કોરા રહી ગયા ચરણ.

ચાલતા સૌ શ્વાસ થંભી ગયા અભિભૂત થૈ,

કોણ જાણે મૃત્‍યુએ કર્યું આ કેવું કામણ.

શોક, પીડા, આંસુઓથી યુકત આલય થઈ અમર,

બંધ આંખોમાં ‘વદન’ની કેદ પુરાયું મરણ

-વદન (૧૯૯૭)